નવજીવન ન્યૂઝ.નવસારીઃ નવસારી (Navasari) જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામનો એક અનોખો પ્રસંગ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક યુવક મેઘરાજભાઈ (ઉંમર 36) પોતાના જીવનસાથી તરીકે એક નહીં પરંતુ બે યુવતીઓને પસંદ કરી છે અને બંને સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ લગ્નના સાક્ષી બનશે તેઓના ત્રણ સંતાન. આ પ્રસંગ માટે તૈયાર કરાયેલ કંકોત્રી હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને સમગ્ર ગુજરાતમાં લોકો આ ઘટનાની ચર્ચા કરતા થવા લાગ્યા છે. કારણ કે ઘણા લોકો આદિવાસી (Adivasi) સમાજના લગ્ન અને સંબંધોની પ્રથા તથા કલ્ચરને જાણતા નહીં હોય પરંતુ જ્યાં અન્ય સમાજ માટે આ ચોંકાવનારું છે ત્યાં આદિવાસી સમાજ માટે આ સામાન્ય બાબત છે.
કેવી રીતે થયો મન મેળાપ
મેઘરાજભાઈનો પહેલો સંબંધ વર્ષ 2010માં ખાંડા ગામની કાજલ ગાવિત સાથે થયો હતો અને ત્યારબાદ 2013માં તેઓ કેલીયા ગામની રેખા ગાઈન સાથે પણ સગાઈમાં બંધાયા હતા. ત્યારબાદ છેલ્લા કેટલાય વર્ષોથી મેઘરાજભાઈ, કાજલ અને રેખા ત્રણેય લિવ-ઇન રિલેશનશીપમાં રહી રહ્યા છે. આપને અહીં એ પણ જણાવી દઈએ કે કદાચ તમને એવું લાગતું હશે કે લિવ-ઈનમાં રહેવાનું કલ્ચર તો હમણાં હમણાં આવ્યું, પણ આદિવાસી સમાજમાં બંને પાત્રો એક બીજાને સમજવા લિવ-ઈનમાં રહે તે પ્રથા તો સદીઓએ જૂની છે. મેઘરાજ, કાજલ અને રેખાના લિવ-ઈનમાં રહેતા દરમિયાન તેમને ત્રણ સંતાનો પણ થયાં છે, જે હવે માતા-પિતાના લગ્નની વિધિઓમાં હાજરી આપશે.
આ સમગ્ર ઘટનાને લઈ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ઘણીવાર આદિવાસી સમાજમાં વિધિવત લગ્ન પહેલાં યુવક અને યુવતી લિવ-ઇન રિલેશનશીપમાં રહે છે. આ પરંપરાને સ્થાનિક ભાષામાં ‘ચાંદલા વિધિ’ અથવા ‘ફૂલહાર’ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આર્થિક સ્થિતિ મજબૂત બને છે, ત્યારે સમાજના માન્ય રીતિ-રિવાજ અનુસાર લગ્ન કરવામાં આવે છે.
મેઘરાજભાઈના લગ્ન આવતીકાલે 19મી અને 20મી મે, 2025ના રોજ યોજાવાના છે. એક જ સાથી સાથે બંને યુવતીઓ સાથે વિધિવત રીતે લગ્ન કરશે. આ અનોખી પરંપરાને લઈને જ્યારે કંકોત્રી વાયરલ થઈ ત્યારે ઘણા લોકો ફોન દ્વારા જાણકારીઓ પુછી રહ્યા છે અને આદિવાસી સંસ્કૃતિને જાણવા માટે ઉત્સુક બન્યા છે. આ વાયરલ કંકોત્રીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આપણા દેશની સંસ્કૃતિ કેટલી વૈવિધ્યસભર છે અને સ્થાનિક પરંપરાઓ આજે પણ જીવંત છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








