Thursday, March 26, 2026
HomeGujaratવડોદરાની યુવતીની ફરિયાદ: દહેજ મુદ્દે હેરાનગતિના આક્ષેપ, સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

વડોદરાની યુવતીની ફરિયાદ: દહેજ મુદ્દે હેરાનગતિના આક્ષેપ, સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

- Advertisement -
નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાની 28 વર્ષીય યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પોતાના પતિ તથા સાસરીયાઓ સામે દહેજ મુદ્દે હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીના જણાવ્યા અનુસાર, લગ્ન બાદથી જ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો અને અંતે પરિસ્થિતિ અસહ્ય બનતાં તેણે પોલીસનો સહારો લીધો છે.

ફરિયાદ મુજબ યુવતીએ એમ.એ. સુધી અભ્યાસ કર્યો છે અને હાલમાં પોતાના માતા-પિતા તથા ભાઈ સાથે રહે છે. તેના લગ્ન તા. 23 માર્ચ 2022ના રોજ સામાજિક રીતરિવાજ મુજબ અમદાવાદના યુવક સાથે થયા હતા. લગ્ન સમયે સોના-ચાંદીના દાગીના, કપડાં અને ઘરવખરી સહિતની ભેટસોગાદો આપવામાં આવ્યા હતા. લગ્ન બાદ યુવતી સંયુક્ત પરિવારમાં અમદાવાદ ખાતે રહેવા ગઈ હતી. શરૂઆતમાં થોડા દિવસ બધું સામાન્ય હતું, પરંતુ યુવતીનો આક્ષેપ છે કે લગ્નના ત્રીજા જ દિવસથી સાસુ દ્વારા દહેજ મુદ્દે હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી.

યુવતીના જણાવ્યા મુજબ, લગ્ન પહેલાં તેના પતિએ શોપિંગના બહાને તેને અમદાવાદ બોલાવી દહેજ મુદ્દે વાતચીત કરી હતી અને ગાંધીનગરના રિસોર્ટમાં લગ્ન કરવા માટે ખર્ચ અંગે દબાણ કર્યું હતું. યુવતીના માતા-પિતાએ આશરે રૂપિયા 20 લાખનું લોન લઈને લગ્ન કરાવ્યા હોવા છતાં, સાસરીયાઓએ દહેજ ઓછું આપ્યાનો આક્ષેપ કરીને સતત માનસિક ત્રાસ આપ્યો હતો.

- Advertisement -

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સાસુ, સસરા અને પતિ દ્વારા વારંવાર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. જમવાના સમયે પણ દહેજ મુદ્દે અપમાન કરવામાં આવતું હતું અને યુવતીને યોગ્ય રીતે જમવા દેવામાં આવતું નહોતું. યુવતીના પિતાને ગાળો આપવામાં આવતી હતી અને અન્ય પરિવારોના ઉદાહરણ આપી તેને હીનભાવના અનુભવાડવામાં આવતી હતી.

યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેને ઘરની બહાર જવા દેવામાં આવતું નહોતું અને અનેક વખત ખાવાનું આપ્યા વગર રાખવામાં આવતી હતી. એક પ્રસંગે ભૂખ્યા રહેતાં તેની તબિયત બગડી જતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાની નોબત આવી હતી. આ ઉપરાંત રૂપિયા 50,000ની માંગણી પણ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ સાસુ દ્વારા યુવતીને બાથરૂમમાં બંધ કરી દેવાની ઘટના પણ સામે આવી છે. યુવતીના જણાવ્યા અનુસાર રૂમમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. સાથે જ સંતાન ન થાય તે માટે પણ દબાણ કરવામાં આવતું હતું અને પતિને શારીરિક સંબંધ બાંધવા ન દેવા માટે પ્રેશર કરવામાં આવતું હોવાનું પણ યુવતીએ જણાવ્યું છે.

- Advertisement -

તા. 26 જૂન 2024ના રોજ સાસરીયાઓએ યુવતીના માતા-પિતાને અમદાવાદ બોલાવી ઘરમાં ઝઘડો કર્યો હતો અને યુવતીને ધક્કા મારી કાઢી મૂક્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદથી યુવતી પોતાના પિયરમાં રહે છે.

યુવતીએ વધુમાં જણાવ્યું છે કે લગ્ન સમયે મળેલા સોના-ચાંદીના દાગીના સાસરીયાઓએ બેંક લોકરમાં રાખી લીધા છે અને પરત આપતા નથી. આ ઉપરાંત પતિએ તેનો મોબાઇલ ફોન પણ પોતાના પાસે રાખ્યો હોવાનું જણાવ્યું છે.

આ સમગ્ર મામલે યુવતીએ પોતાના પતિ, સાસુ અને સસરા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આક્ષેપોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular