નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે CNGનો આસરો લીધો તેમની હાલત હાલ “દિલ કે અરમાન આંસુઓ મેં બહે ગયે” જેવી થઈ છે. કારણે ઉત્તરપ્રદેશના લખનૌમાં ડીઝલની કિંમતને પછાડીને CNGની કિંમત આગળ નીકળી ગઈ છે. બીજીબાજુ આજે ગુજરાતમાં પણ CNGના ભાવમાં વધારો થયો છે. અદાણી CNG ગેસમાં રૂ. 1.99નો વધારો ઝીકવામાં આવ્યો છે. જોકે નવો ભાવ આજથી જ અમલમાં મુકવામાં આવશે.
ગુજરાતમાં અદાણી CNG ગેસમાં ફરી એકવાર વધારો થયો છે. અદાણી CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. અદાણી CNG ગેસમાં એક મહિના અગઉ 1.31 રૂપિયાનો વધારો કરવામાં આવતા ગેસની કિંમત 83.90 રૂપિયા પહોંચી હતી. ત્યારે આજે ફરી 1.99 રૂપિયાનો વધારો કરવામાં આવતા CNGની કિંમત 85.89 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. ગેસની કિંમતોમાં પણ સતત વધારો નોંધાતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. પેટ્રોલના તોતિંગ ભાવના કારણે જે વાહન ચાલકોએ CNG કીટ નખાવી છે. તેમને રાતાપાણી રોવાનો વારો આવ્યો છે.
બીજીબાજુ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હવે CNGની કિંમત પેટ્રોલના ભાવની અત્યંત નજીક થઈ ગઈ છે. લખનૌમાં પેટ્રોલની કિંમત 96.57 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 89.76 રૂપિયા પ્રતિ લિટર છે, આ સાથે 1 ઓગસ્ટથી CNG 96.10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. CNGના ભાવ પેટ્રોલની નજીક પહોંચી ગયો છે, તો ડીઝલના ભાવને પણ વટાવી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડીઝલ-પેટ્રોલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ એક તરફ કોમર્શિયલ LPG સિલિન્ડર સસ્તા થયા છે. બીજી તરફ CNGના ભાવમાં વધારો થયો છે. યુપીમાં 31 ઓગસ્ટથી CNG અને PNGના ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી. અને 1 ઓગસ્ટથી નવા દરો અમલમાં આવી ગયા છે.