નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયાના હવાઈ અને ટેન્ક-રોકેટના હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનના શહેરોની નવી સેટેલાઇટ તસવીરો સામે આવી છે, જે વિનાશની તીવ્રતા દર્શાવે છે. પશ્ચિમ તરફી દેશ યુક્રેનમાં લગભગ ચાર સપ્તાહથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકાની એક ખાનગી કંપની મેક્સાર ટેક્નોલોજીસે એવી તસવીરો જાહેર કરી છે જેમાં યુક્રેનના શહેર મારિયુપોલમાં ઘરો, ઇમારતો અને દુકાનોને થયેલા નુકસાનનો ખુલાસો થયો છે.

કિવ અને તેની આસપાસના વિસ્તારોમાં હવાઈ અને ટેન્કના હુમલાની અસરો સ્પષ્ટપણે જોઇ શકાય છે. કરિયાણાની દુકાનો, ઘરો, રહેણાંક મકાનો અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન શહેરના ઉત્તર-પશ્ચિમમાં આવેલા હોસ્ટોમેલ, મોશ્ચુન, ઇરપિન અને અન્ય શહેરોમાં જોઇ શકાય છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ઇરપિનમાં ભીષણ લડાઇ જોવા મળી રહી છે.

કિવથી લગભગ 30 કિલોમીટર પૂર્વમાં રશિયાનો હુમલો મોટા ભાગે અટકી ગયો છે અને ત્યાં ભારે પ્રતિકારનો સામનો કરવો પડી રહ્યો છે. આ તસવીરો દર્શાવે છે કે, રશિયાના દળો હોસ્ટોમેલના એન્ટોનોવ એરપોર્ટ નજીક તેમજ જિદજીવ્કા અને બેરેસ્ટયેંકાની અંદર અને તેની આસપાસ તેમના બખ્તરબંધ ઉપકરણોની તૈનાતીને સુરક્ષિત રાખવા અને છુપાવવા માટે ખૂબ જ ઝડપથી પ્રયાસ કરી રહ્યા છે.

કિવે મોસ્કો પર ઇરાદાપૂર્વક રહેણાંક વિસ્તારો પર તોપમારો અને યુદ્ધના ગુનાઓનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે 24 ફેબ્રુઆરીના રોજ યૂક્રેનની સીમા પર રશિયન સૈનિકોએ ઘૂસણખોરી કરી ત્યારથી અત્યાર સુધીમાં 2500 લોકોના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ શનિવારે આ હુમલાને રોકવા માટે રશિયા સાથે અર્થપૂર્ણ વાટાઘાટો કરવાની હાકલ કરી છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો મોસ્કો લડત બંધ નહીં કરે, તો યુદ્ધના મેદાનમાં થયેલા નુકસાનમાંથી બહાર નીકળવામાં “ઘણી પેઢીઓ” લાગશે.
![]() |
![]() |
![]() |











