કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): “આધુનિક જમાનાનો માણસ જોખમકારક રીતે અસ્થિર માનસવાળો છે. ભૌતિક સૃષ્ટિ પર એનું ભારે પ્રભુત્વ છે, પોતાની જાત પરનું તેનું પ્રભુત્વ સ્વલ્પ છે. આ રીતે તેનું ભૌતિક સામર્થ્ય રાક્ષસી કદનું છે જ્યારે શાણપણ અને આત્મનિયમનમાં તે બાળક છે. એને પરિણામે વ્યક્તિમાં તથા સંગઠિત સમાજમાં જે માનસિક અસ્થિરતા પેદા થાય છે તે આ યુગની કરુણતાનું મુખ્ય અંગ છે. એ કરુણતા ભૌતિક વિપુલતામાં માણસની દુઃખી સ્થિતિમાં અને તેની સામે તાકીદનો સવાલો ખડા થાય છે ત્યારે તેની વધારે પડતી ભયભીતતામાં અતિશય આબેહૂબ રીતે વ્યક્ત થાય છે.” – આ લેખનું મથાળું છે : ‘ભય અને આધુનિક જીવન’ છે. અને તેના લેખક માનસશાસ્ત્ર વિષયના ઇ. વી. પુલ્લિયાઝ છે. આ લેખ મૂળે 1954માં ‘આઉટલુક’ નામના મેગેઝિનમાં પ્રકાશિત થયો હતો. તેમાં આધુનિક જીવનમાં કેવી રીતે આપણી આસપાસ ભય વધી રહ્યો છે તેનું ચિત્રણ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાંક સમયમાં રાજ્યમાં અને દેશમાં જે રીતે ઘટનાઓ બની રહી છે – તે ઘટનાઓને સામે રાખીને આ લેખને વાંચીએ તો ખ્યાલ આવે કે આપણે કયા માર્ગે જઈ રહ્યા છે. સાત દાયકા પહેલાંના આ લેખના શબ્દો આજે પણ પ્રસ્તુત લાગે છે.

આગળ તેઓ લખે છે : “સરકારો અથવા અન્ય સંસ્થાઓ પોતાના સ્વાર્થી હેતુ સાધવા માટે લોકોના મનમાં ભય પેદા કરવાનો ઇરાદાપૂર્વક પ્રયત્ન કરે એમ બને. આંતરિક સવાલોને પહોંચી વળવામાં નિષ્ફળ નીવડનાર સરકાર, દેશની અંદરની દુઃખદ પરિસ્થિતિ તરફથી લોકોનું લક્ષ અન્યત્ર ખેંચવા માટે પ્રચાર દ્વારા કોઈક બહારની પરિસ્થિતિનો ભય પેદા કરવાનો પ્રયત્ન કરે છે. એ ઇતિહાસ સુપરિચિત ઘટના છે. કાયદો કરવા માટે ટેકો મેળવવાને અર્થે ભયનો ઉપયોગ એથી પણ વધુ પ્રમાણમાં અજમાવવામાં આવે છે. આમ જોખમને બિહામણું ચીતરવામાં પૂરતી નિપુણતા વાપરવામાં આવે તો, સલામતીના નામે કોઈ પણ કાયદો કરી શકાય. વેપારી પેઢી પોતાની વસ્તુ વેચવા માટે જાહેરખબર દ્વારા કાલ્પનિક ભય પેદા કરે એમ બને. આ રીતે ઘણી દવાઓ અને આરોગ્યની યોજનાઓને ઉત્તેજન આવે છે.” પુલ્લિયાઝ એ પણ આગળ ભય વિશે લખે છે : ‘ભય દૃષ્ટિ કુંઠિત કરે છે. તેની અસર નીચે વ્યક્તિ પરિસ્થિતિની દૂરગામી તથા વધારે મહત્ત્વની બાજુની અવગણના કરીને તેની તાત્કાલિક બાજુની મુખ્યત્વે કરીને ચિંતા કરે છે. ભય નાબૂદ થાય, યોગ્ય દૃષ્ટિ ફરીથી પ્રાપ્ત થાય ત્યારે તે આમ કહે છે : આટલી બધી મૂર્ખતાભરી રીતે આપણે કેવી રીતે વર્ત્યા હોઈશું? અને એનો જવાબ એ છે કે, ભયને કારણે દૃષ્ટિ એટલી બધી કુંઠીત થઈ જાય છે કે, અનિવાર્ય રીતે આચરણ બાલિશ અને મૂર્ખાઈભર્યું નીવડે છે.’ આ ભયને આપણી રોજિંદા જીવન સાથે સાંકળીને જોશો તો ખ્યાલ આવશે કે કેટલાં બધાં ભયને પાળીને આજનો માનવી જીવે છે અને તે રીતે તે વર્તે છે. ભય આવે છે ત્યારે તેના પરિણામ શું આવે છે તે વિશે લેખક લખે છે : “ભય હોય ત્યારે શંકાશીલતા અને તેનું જ ફરજંદ આક્રમણકારી વલણ અતિશય વધવા પામે છે. આખો વખત ભયભીત સ્થિતિમાં રહેનાર વ્યક્તિ કે રાષ્ટ્રે એ ભય માટે કારણ ખોળવું જ રહ્યું. જેના પર દોષ ઠાલવી શકાય અને આખરે જેને દ્વેષ કરી શકાય એવી કોઈક વસ્તુ પર એનું આરોપણ કરવાનું પ્રબળ વલણ હોય છે. આ રીતે, ભયભીત માણસ શંકાશીલ બને છે, અને તેની હસ્તીની દરેક બાજુમાં વધુ જોખમ જોયા કરે છે. પણ સૌથી ગંભીરપણે ભયભીત હોય એવો માણસ ખાતરીપૂર્વક એવું માને છે કે, પ્રથમ- પોતાને જે ભય દેખાય છે તેની સામે તેણે પોતાનું રક્ષણ કરવું જોઈએ, અને બીજું – જોખમ તેનો નાશ કરે તે પહેલાં તેણે જોખમનો નાશ કરવો જોઈએ. આ રીતે અતિશોયક્તિનો બચાવ કરવામાં આવે છે. આમ, ભયભીત માણસને માટે આક્રમણ, બહુ જ પ્રામાણિકપણે, સંરક્ષણ બની જાય છે.”

ભય અંગે પુલ્લિયાઝે કરેલા ચિંતનમાં તેઓ તેની વૃદ્ધી કેવી રીતે થાય છે તે અંગે વિસ્તૃત રીતે સમજ આપીને લખે છે : ‘ભયનું સ્વરૂપ, તેનો ઉગમ અને ખાસ કરીને મનુષ્યના આચરણ પર થતી અસર લક્ષમાં લેતાં, આધુનિક સમયમાં ભય સારી પેઠે વધવા પામ્યો છે એ હકીકત વ્યક્તિ તથા સમાજની સુખાકારી માટે અતિશય મહત્ત્વની છે. ભય વધવા પામ્યો છે એટલું જ નહીં પણ વર્તમાન ભયો વધારે વ્યાપક અને સર્વસ્પર્થી બન્યા છે. એક વખતે માણસ મહાભૂતોથી ડરતો હતો અથવા ભૂવા કે પરોહિતોનો પ્રેર્યો રાક્ષસોથી ડરતો હતો. એ રાક્ષસો તેને જ્યાં ને ત્યાં નજરે પડતા હતા. પણ આજકાલ ભય ચેપી, લગભગ પ્લેગના રોગ જેવો બની ગયો છે. માણસ જે વાતાવરણમાં જીવે છે ખુદ તે વાતાવરણ જ ભયજનક બની ગયું છે.’ રાજ્યમાં છેલ્લા બે મહિનામાં વિમાન ક્રેશ થવાની ઘટના બની કે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની – તે ઘટનામાં ભય રાખ્યા વિના રાબેતા મુજબ થઈ જવું પડે છે – તે રીતે આધુનિક સમય માણસ જોડે બધું કરાવે છે. તેણે હવાઈ મુસાફરી કોઈ ડર રાખ્યા વિના કરવાની છે અથવા તો તેણે કામે જવા અર્થે બ્રિજ મજબૂત છે કે નહીં તેની ખાતરી કર્યા વિના કામે પહોંચી જવાનું છે. ભય છે પણ મજબૂરી તેનાથી વધુ છે. અને એટલે પુલ્લિયાઝ પ્રશ્ન કરીને તેનો જવાબ આપે છે : ‘એ સર્વવ્યાપી અને ઘણી વાર અસ્પષ્ટ ભય આધુનિક સમયમાં શાથી વધવા પામ્યો છે? જેને કેવી રીતે અંકુશમાં રાખવી એની માણસને જાણ નથી એવી માનસિક શક્તિનો વિકાસ ભયની વૃદ્ધિનું મુખ્ય કારણ છે. ખાસ કરીને હું, બળવાન રાષ્ટ્રીય રાજ્યો તરફથી અઢળક નાણાં ખરચીને સાચી વસ્તુને વિષે ગૂંચવાડો પેદા કરવાને તથા તેને વિકૃત કરવાને ઇરાદાપૂર્વક કરવામાં આવતા પ્રચારની વાત કરું છું. આ ગોઝારી કળાનો પહેલોવહેલો મોટા પાયા પર અને ધંધાદારી ઉપયોગ પહેલા વિશ્વયુદ્ધ વખતે કરવામાં આવ્યો હતો. પછીથી પ્રતિભાશાળી માનવશાસ્ત્રીઓની મદદથી નાઝીઓ એ પ્રક્રિયાને કાર્યદક્ષતાની ઉચ્ચકોટી સુધી લઈ ગયા અને અતિશય બુદ્ધિશાળી તથા શિક્ષિત પ્રજાને દીવાની બનાવી દીધી. માનવના મતને આ રીતે દોરવવાનો પ્રયાસ કરનારો એકલા નાઝીઓ જ નહોતા. લગભગ બધાં જ આધુનિક રાષ્ટ્રો પ્રચાર માટેનું મહત્ત્વનું ખાતું ધરાવે છે અને તેને માટે અંદાજપત્રમાં નાણાંની ઠીક ઠીક જોગવાઈ રાખવામાં આવે છે. કેટલીક વાર એને ‘માહિતી’ ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સરકાર કર ભરનારાઓનાં નાણાં ખુદ એ કર ભરનારાઓની નિર્ણયશક્તિનો પાયો વિકૃત કરવામાં વાપરે એનાં કરતાં વધારે ગંભીર પ્રકારની વિચિત્રતા આધુનિક જીવનમાં ભાગ્યે જ બીજી હોઈ શકે.’
બીજું પુલ્લિયાઝ એક મહત્ત્વની વાત ટાંકે છે : ‘આવો ગુનો માત્ર એક માત્ર સરકાર જ કરે છે અથવા એ બાબતમાં મુખ્ય ગુનેગાર છે એવું નથી. સંપર્ક માટેનાં સઘળાં સામુદાયિક સાધનો પ્રચારના ઉપયોગ માટે ખુલ્લાં હોય છે. અસંખ્ય સ્થાપિત હિતો તરફથી, કિંકર્તવ્યમૂઢ બનેલા આધુનિક માણસના મન પર પોતાની અસર પાડવાના નિરંતર પ્રયાસો થયા જ કરે છે. જેમના પોતપોતાના અંગત સ્વાર્થ હોય છે એવા ‘નિષ્ણાતો’ તેના મન પર અહોરાત્ર બોંબમારો ચલાવ્યા જ કરે છે. વિવેચકો, રાજદ્વારી પુરુષો, વેપારીઓ, પોતે જ બની બેઠેલા ફિલસૂફો, ચળવળીયાઓ એમ આ યાદી ક્યાંય સુધી લંબાવી શકાય.’ આ તો 75 વર્ષે પૂર્વે લખાયેલી વાત છે જ્યારે અત્યારે જે રીતે મીડિયા સર્વત્ર છે, તેવું નહોતું. તેમ છતાં માણસના જીવન પર તેની આટલી અસર રહેતી હતી. આગળ તેઓ તે વખતે જે કારણ આપ્યું હતું તે આજેય લાગુ પાડી શકાય : ‘પહેલાંના વખતમાં માત્ર ગામના રખડેલાને ઉશ્કેરી શકનાર માણસના હાથમાં જો પૂરતાં નાણાં હોય તો, આજે તે રેડિયો, ટેલિવિઝન તથા છાપાંઓ દ્વારા કરોડો માણસોનો શ્રોતાવર્ગ મેળવી શકે છે. રાજા કે સરમુખત્યાર એકઠા મળેલા બહુ બહુ તો થોડા હજારના જનસમુદાય આગળ પોતાનો બેવકૂફીભર્યો અને ઝનૂની બકવાદ કરી શકતો હતો તે આજે તેમને જ ખરચે અને હિસાબે કલાકે કલાકે અને વરસો વરસ માણસનાં ઘરઆંગણે જ જૂઠાણાં સંભળાવી શકે છે.’
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796