તુષાર બસિયા (નવજીવન, સુરેન્દ્રનગર): ગઈકાલે સોમવારના રોજ રાજકોટ શહેર પોલીસ ક્રાઈમ બ્રાન્ચના 4 કર્મચારીઓ સ્ટેટ મોનિટરિંગ સેલની ઝપટે ચડતા મામલો ગરમાયો છે. દારૂના ટ્રકની હેરાફેરી અને અપહરણના મામલામાં બુટલેગર જ નહીં પણ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી આરોપી બન્યા છે. સાથે જ શંકાસ્પદ રીતે બુટલેગર પોલીસ કર્મીઓ સાથે રાજકોટની સરહદ વટાવી દારૂ પકડવા ગયો હતો, તે મોનિટરિંગ સેલ પહોંચી ત્યારે વિજિલન્સ કર્મચારીની કારમાં લાઈટ કરી મોં પણ જોવા આવ્યો હતો અને બાદમાં તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. ઘટનાની સત્તાવાર માહિતી મળે ત્યાં સુધી કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. પરંતુ હાલ તો આ ઘટના ફિલ્મની સ્ટોરી જેવી જણાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર ઘટના એવી છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલને રાજકોટ પોલીસ દારૂના કન્ટેનરના ડ્રાઈવરનું અપહરણ કરી રાજકોટ લઈ જતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સક્રિય બની હતી. આ ટીમે જામનગર મોરબી બાયપાસ પર કન્ટેનરને ટ્રેસ કરી શોધી કાઢ્યું. જ્યાં સફેદ ક્રેટા કાર અને એક્સેસ સ્કુટર અને ત્રણ ચાર માણસો મોનિટરિંગની ટીમને જોવા મળ્યા હતા. તેમાનો એક વ્યક્તિ આવી તેમની કાર પાસે ઉભો રહ્યો અને લાઈટ વડે નજર કરી જોયું કે કોણ છે. તેને આ ‘વિજીલન્સ વાળા રાણા ભાઈ છે’ તેમ કહી કન્ટેનર પાસે રહેલા માણસો પાસે જતો રહેલ. આ વ્યક્તિ દારૂનો ધંધાર્થી બુટલેગર સૌરભ ઉર્ફ લાલો ચંદારાણા હોવાનું ખુલ્યું છે.
આ ઘટનામાં ભેદી રીતે લાલો ભાગી જવામાં સફળ રહ્યો અને ચારેય પોલીસ કર્મીઓ સ્થળ પરથી જ ઝડપાઈ ગયાનું પોલીસનું કથન છે. ઉપરાંત આ ચારેય પોલીસ કર્મીના ટીમ લીડર એટલે કે પી.એસ.આઈ. ભાવના કડછા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયોની માહિતી મળતી નથી. ત્યારે સુત્રો આ મામલે ઉંડી તપાસ ચાલી રહી હોવાની વાત જણાવી રહ્યાં છે. પણ સવાલ એ છે કે આ કન્ટેનર ઝડપવા ગયેલી પોલીસ બુટલેગરને સૌરભ ઉર્ફ લાલા ચંદારાણાને સાથે લઈને શા માટે ગઈ હતી ? ક્યાંક રસ્તામાં બુટલેગરને જરૂરી માલ આપી દેવામાં તો નથી દેવાયો ને ? આ મામલે પોલીસ ઝીણવટ ભરી તપાસ કરે તો ઘણા તથ્યો સામે આવી શકે તેમ છે.
આ સામાન્ય સવાલ વચ્ચે તપાસ શરૂ થયાની પહેલા જ વિવાદમાં આવી જવાના એંધાણ જોવા મળે છે. વળી ઉપરના સવાલ તો હજૂ સામાન્ય જ છે, જટીલ સવાલ તો પોલીસ ફરિયાદની નકલ સામે આવે ત્યારબાદ પેદા થાય તેવી આશંકા છે. વળી આટલી સચોટ બાતમી અને કારમાં મોં જોવા પણ આવેલો સૌરભ ઉર્ફ લાલો બુટલેગર નહીં પણ જાદુગર હોય તેમ કેવી રીતે છટકી ગયો. હાલ આ મામલે પોલીસના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર આ ગુનાની એફ.આઈ.આર. મળી આવી નથી.
આ કન્ટેનરને સાયલાના આયા ગામ ખાતે સીમમાંથી દારૂનો કન્ટેનર ટ્રક ઝડપી રાજકોટની હદમાં લાવ્યા હોવાનું ચારેય આરોપી પોલીસ કર્મીનું કથન છે. આ મામલે પોલીસ કર્મીઓ પર સાયલા પોલીસ સ્ટેશનમાં કલમ 65 (એ)(ઈ), 81, 83, 98(2), 116 (બી) તથા IPC ની કલમ 342, 365, 120(બી) દાખલ કરી ગુનો નોંધવામાં આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











