નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં એક રહસ્યમય હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતથી ગઈકાલ સાંજે ઉપડેલી બસ આજે સવારે રાજકોટ પહોંચતા તેમાંથી એક યુવાનની ગળું કાપેલી લાશ મળી આવી છે. રાજકોટમાં એક મુસાફરને ઉતરવાનું હોવાના કારણે તેણે સૌ પ્રથમ મૃતદેહને જોયો હતો. બનાવના પગલે DCP, ACP, PI સહિત ઉચ્ચઅધિકારીઓનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
માહિતી અનુસાર, સુરતથી નિકળેલી GJ 24-X-2641 નંબરની ન્યુ ક્રિષ્ના ટ્રાવેલ્સની બસ જામજોધપુર જઈ રહી હતી. આ બસ આજે સવારે 7 વાગ્યાની આસપાસ રાજકોટ પહોંચી હતી. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક મુસાફરોને બસમાંથી ઉતરવાનું હોવાથી તે અપ્પર સીટમાંથી નીચે ઉતર્યો હતો તે દરમિયાન નીચેના સોફા પરથી લોહીના ડાઘા દેખાતા તુરંત ક્લીનરને જાણ કરી હતી. ક્લીનરે આવીને સોફા પર જોતાં એક યુવાનનું ગળું કાપેલી હાલતમાં મૃતદેહ સોફા પર પડ્યો હતો.
બસમાંથી મૃતદેહ મળતા ડ્રાઈવરને જાણ કરીને બસને રોડ પર જ થંભાવી દીધી હતી અને મૃતદેહ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. મૃતદેહની જાણકારી મળતા જ DCP, ACP, SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહ અંગે પોલીસે તપાસ કરતાં સામે આવ્યું છે કે, મૃતકનું નામ પ્રવીણ વાઘેલા (ઉં 34) જે જામનગર જિલ્લાના ભોજાબેડી ગામનો વતની છે. મૃતકે ગઇકાલ સાંજે સુરતના કતાર વડલા પાર્કિંગથી ન્યુ ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની સ્લીપર કોચ બસમાં બેઠો હતો. જેણે જામજોધપુરના શેઠવડાળા સુધીની ટિકિટ લીધી હતી.
આ બસ સુરતથી નીકળ્યા બાદ અમદાવાદ થઈને રાજકોટ પહોંચી હતી. ત્યારે સીટ નંબર F 3 પરથી લાશ મળી આવી હતી. બસ રાજકોટ પહોંચી ત્યાં સુધી તેમાંથી 6 મુસાફરો બસમાંથી ઉતર્યા હતા. જેમાંથી એક કપલ લીંબડી, એક કપલ તેના બાળક સાથે બામણબોર અને એક વ્યક્તિ ચોટીલા ઉતર્યો હતો. પોલીસને શંકા છે કે બસમાંથી ઉતરેલા કોઈક મુસાફરે હત્યાને અંજામ આપ્યો છે. પોલીસે હાલ આ બસને બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ છે અને તેમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. એફએસએલની ટીમ અને ડોગ સ્ક્વોડને પણ બોલવામાં આવી છે. બસના ડ્રાઈવર અને ક્લીનરના નિવેદન નોંધવામાં આવ્યા છે.








