ભાવ ૨૦.૮૪ ડોલરની ઇન્ટ્રાડે જૂન ૨૦૨૦ પછીની નવી બોટમ બનાવી રિબાઉન્ડ થયા
ગોલ્ડ/સિલ્વર રેશિયો ૧૭ માર્ચ ૨૦૨૦ના રોજ ઓલ ટાઈમ હાઇ ૧૨૪.૦૯ થયો હતો, ત્યારે સોનાના ભાવ ૧૬૮૯ અને ચાંદી ૧૩.૬૧ ડોલર નોંધાયા હતા, આ રેશિયો ૧૮૫૪માં ઓલ ટાઈમ લો ૧૫.૩૧ નોંધાયો હતો, ત્યારે ભાવ અનુક્રમે ૨૦.૬૭ ડોલર અને ૧.૩૫ ડોલર કવોટ થયા હતા, તાજો રેશિયો ૮૫.૭૯ પોઈન્ટ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ચાંદીના ભાવ વેગથી ઘટી રહ્યા છે. ૬ જૂન ૨૦૨૧ના રોજ ચાંદીએ તાજેતરની ઊંચાઈ ૨૮.૯૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) પ્રાપ્ત કરી હતી, ત્યાર પછીથી છેલ્લા ૧૯ ટ્રેડિંગ દિવસમાંથી સતત ૧૭ દિવસ ભાવ ઘટતા રહ્યા છે. સોમવારે ૨૦.૮૪ ડોલરની ઇન્ટ્રાડે જૂન ૨૦૨૦ પછીની નવી બોટમ બનાવી રિબાઉન્ડ થયા હતા. ૧૮ એપ્રિલે ભાવ ૨૬.૧૭ ડોલર હતા તે ૨૧ ટકા અથવા ૫.૨૦ ડોલર ઘટયા હતા. ડેઇલી બાર ચાર્ટ પર ચાંદી વધુ ડાઉનટ્રેન્ડમાં મુકાઇ છે.
ચાંદીના મંદિવાળાને ભાવ તોડવા માટેનો ટૂંકાગાળાનો જબ્બર ટેકનિકલ સ્પોર્ટ મળી રહ્યો છે. ભાવ ઘટાડા માટે સૌથી મોટો સ્પોર્ટ છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ વીસવર્ષની નવી ઊંચી સપાટી ૧૦૪.૫૮ પોઇન્ટમાંથી પ્રાપ્ત થયો છે. ચાંદી વાયદામાં ચાર્ટના સંકેત મંદી તરફી મળવા લાગતાં જ ભાવના વેપારીઓએ તકનો બરાબરનો લાભ લીધો છે. સોના અને ચાંદીના ભાવ વચ્ચેના તફાવતે ગોલ્ડ/સિલ્વર રેશિયોને ઊંચે જવામાં મદદ કરી છે, આને લીધે રોકાણકારો આશ્ચર્યથી પૂછવા લાગ્યા છે, હવે શું? ચાંદીની નબળાઈ સર્જવામાં સોનાની સૌથી મોટી ભૂમિકા છે.
ભાવ બંને ધાતુના ઘટી રહ્યા છે, પણ ચાંદીના ઘટાડા વેગે રેશિયોને ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના ૧:૬૨.૮૧થી ઊંચકીને સોમવારે ૧:૮૫.૭૯ પોઈન્ટે પહોંચાડ્યો હતો. આ જોતાં તમારે સોના ચાંદીની ભાવ વધઘટ પર ધ્યાન રાખવું મહત્વનું થઈ પડશે. ગોલ્ડ/સિલ્વર રેશિયો ૧૭ માર્ચ ૨૦૨૦ના રોજ ઓલ ટાઈમ હાઇ ૧૨૪.૦૯ થયો હતો, ત્યારે સોનાના ભાવ ૧૬૮૯ અને ચાંદી ૧૩.૬૧ ડોલર નોંધાયા હતા, આ રેશિયો ૧૮૫૪માં ઓલ ટાઈમ લો ૧૫.૩૧ નોંધાયો હતો, ત્યારે ભાવ અનુક્રમે ૨૦.૬૭ ડોલર અને ૧.૩૫ ડોલર કવોટ થયા હતા.
રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે ખતમ થશે તે નિશ્ચિત નહીં હોવા સાથે, ચીનમાં કોરોના લોકડાઉન, ક્રિપટોકારન્સીમાં સતત હેમરિંગ, અને આખા જગતમાં ફુગાવા ભરડાએ નાણાકીય વ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી હોઇ, બુલિયન બજારમાં જોખમનું પ્રમાણ વધી ગયું છે. ગત સપ્તાહે બિટકોઇન ૧૬ મહિનાના તળિયે ૨૭૦૦૦ ડોલરની નીચે જતો રહ્યો હતો. આની સામે ૧૦ વર્ષના અમેરિકન ટ્રેઝરી બોન્ડનું યીલ્ડ ૨.૮૪૬ ટકાની ઊંચાઈએ પહોંચ્યું હતું.
આ બધા કારણોસર અમેરિકા સહિતના મોટા અર્થતંત્રો આગામી મહિનાઓમાં મંદીમાં સરીપડવાનો ભય સર્જાયો છે. તમામ એસેટ્સ માર્કેટ માટે ગત સપ્તાહ તો સૌથી ખરાબ પસાર થયું હતું. તમામ અસ્કયામતો એક પછી એક તૂટી રહી હતી. એક તબક્કો તો એવો આવ્યો કે અન્ય બજાર સાથે સોના ચાંદી પણ ગબડવા લાગ્યા હતા. કેટલાંક રંગરૂટો સોનાચાંદીમાં જેમ કરે છે તેમ, ફુગાવા સામે લાંબાગાળાનું ઇન્સ્યુરન્સ મેળવવા ક્રિપટોમાં ઘૂસ્યા, ત્યાં પણ તેમણે માર ખાધો.
તમે જુઓ આખા જગતના શેરબજારો ૨૯ ટકા જેટલું સેલઓફ દાખવતાં હતા, તેની આસરે ક્રિપટોમાં પણ કટોકટી સર્જાઇ, આને લીધે માનવ પ્રકૃતિ મુજબ એકમાંથી બચવા બીજામાં કુદયા, તો ત્યાં પણ મંદિવાળા ઓલ સેલનું બટન દબાવીને બેઠા હતા, સોનાચાંદીમાં પણ. ગત સપ્તાહે સોના ચાંદીમાં અનુક્રમે ૩.૮ ટકા અને ૫.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના તેજીવાળાનો આ સપ્તાહનો મજબૂત ટેકનિકલ સપોર્ટ ભાવને ૨૨.૫૦ ડોલર સુધી લઈ જવાનો રહેશે. મંદિવાળા ભાવને તોડીને ૨૦ ડોલરના સપોર્ટ સુધી લઈ જવાનો લક્ષ્ય રહેશે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |