નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરની મેડિકલ કોલેજ (Bhavnagar Medical College) માં મેડિકલ અભ્યાસના વિદ્યાર્થીએ સિનિયર વિદ્યાર્થી તબિબ દ્વારા શારીરિક શોષણ થયાની ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર કથિત ઘટનામાં પીડિત વિદ્યાર્થી યુ.જી. મેડિકલ (UG Medical) કોર્ષમાં અભ્યાસ કરે છે. જેની સાથે પી.જી. કોર્ષના વિદ્યાર્થી તબિબ દ્વારા શારીરિક શોષણ થયું છે. વિદ્યાર્થીઓ સમક્ષ આ મામલો આવતા મામલાની જાણ ઘટનાની તુરંત બાદ જ પોલીસ અને કોલેજના ડીનને કરવામાં આવી હતી. પરંતુ આ મામલે કોઈ પગલા નહીં લેવાતા ગતરોજ રાત્રિના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાવનગરના એ.ડિવિઝન પોલીસ સ્ટેશન (Bhavnagar A Division Police Station) ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં હાજર પી.આઈ.એ જે જવાબો આપ્યા તે ખુબ ચોંકાવનારા છે.

મળતી વિગતો અનુસાર ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તારીખ 12ના રોજ તેના સિનિયર વિદ્યાર્થી તબિબે મેડિકલ એક્ઝામીનેશનના બહાને બોલાવ્યો હતો. વિદ્યાર્થીને મેડિકલ એક્ઝામીનેશનના બહાને સિનિયરે પીડિત વિદ્યાર્થીના તમામ વસ્ત્રો કઢાવી નાખ્યા હતા. બાદમાં સિનિયર પીડિતના લિંગ સાથે ચેડા કરવા લાગ્યો હતો. આ ઘટનાની બચવા માટે પીડિતે ખુબ પ્રયાસ કર્યા પરંતુ સિનિયર અટક્યો ન હતો. બાદમાં વિદ્યાર્થીએ બહાર આવી તુરંત સહપાઠી વિદ્યાર્થીઓને અને આગેવાનોને વાત કરી સઘળી હકિકિત કહેતા મામલો ડીન એચ. બી. મહેતા સમક્ષ પહોંચ્યો હતો. જે મામલે ડીને તપાસ કમિટિને તપાસ કરવા માટે પણ જણાવ્યું હતું. દરમિયાન વિદ્યાર્થીઓ સર.ટી. હોસ્પિટલ ખાતે પીડિતનું મેડિકલ કરાવવા પહોંચ્યા હતા.
મેડિકલ કરાવવા પહોંચેલા પીડિત વિદ્યાર્થીની ફરિયાદ લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતેની પોલીસ ચોકીમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમણે આ મામલે એ ડિવિઝનમાં જઈ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. દરમિયાન પીડિતના વાલીને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તેઓ પણ ભાવનગર ખાતે પહોંચી ગયા હતા. ઉપરાંત કોલેજની જેન્ડર હેરેસમેન્ટ કમિટિએ પણ વિદ્યાર્થીની પુછપરછ કરી આરોપી વિદ્યાર્થીને બોલાવી પુછપરછ કરી હતી. જેમાં સુત્રો જણાવે છે કે આરોપી વિદ્યાર્થીએ ઘટનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, અમારા વચ્ચે સહમતીથી આ કામ થયું હતું હું પુરૂષો તરફી આકર્ષણ ધરાવું છું તે સત્ય છે. જેના પગલે લેખિતમાં માફી પત્ર લેવામાં આવ્યું હતું અને આરોપીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવું કામ નહીં કરું અને જો કરીશ તો મારા વિરૂધ્ધ આ પુરાવાના આધારે પોલીસ ફરિયાદ કરી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે સુત્રો જણાવી રહ્યા છે કે આ ઘટનાનો આરોપી વિદ્યાર્થી અગાઉ પણ આવા કૃત્યને અંજામ આપી ચૂક્યો છે. પરંતુ આબરુંના ડરે જેતે વિદ્યાર્થીએ પોલીસના બદલે કોલેજના ડીનને ફરિયાદ આપી હતી. છતાં પણ તે મામલે કોલેજની જેન્ડર હેરેસમેન્ટ કમિટિ દ્વારા આરોપી વિદ્યાર્થી સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

દરમિયાન ગત બુધવારની રાત્રિના સમયે પીડિત વિદ્યાર્થી અને વિદ્યાર્થી આગેવાનો દ્વારા ભાવનગરના એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પ્રયાસ થયો હતો. પરંતુ હાજર પોલીસ ઈન્સ્પેક્ટર પી.ડી. પરમારે યોગ્ય જવાબ આપી ફરિયાદ લેવાના બદલે વિદ્યાર્થીઓની સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ સામે આવ્યા છે. આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરી ફરિયાદ નોંધવામાં આવે તેવી માગણી કરવામાં આવતા પરમારે તેમની સાથે ગેરવર્તન કર્યું હોવાના પણ વિદ્યાર્થી આગેવાનોના આરોપ છે. ત્યારે સવાલ એ પેદા થયા છે કે રાજ્યની મેડિકલ કોલેજમાં આ પ્રકારે યૌન શોષણ થાય અને પોલીસ ફરિયાદ ન નોંધે તો જવુ ક્યાં?
પોલીસના બે જવાબદાર વર્તન અને આબરુંના ડરે હવે ભાવનગર મેડિકલ કોલેજના પીડિત વિદ્યાર્થીના વાલી દ્વારા પણ ફરિયાદ નોંધાવવાથી અંતર રાખવાનું શરુ કરી દેવાયું છે. આ મામલે પી.આઈ. પી. ડી. પરમાર સાથે વાત કરતા તેઓ જણાવે છે કે પીડિત વિદ્યાર્થીના વાલીઓને ફરિયાદ નથી નોંધાવવી માટે અમે કાર્યવાહી કરી શકીએ નહીં. પરંતુ આ મામલાના દિવસો વિતિ જવા અને રજૂઆતો મળવા છતાં પણ પોલીસે કે કોલેજના ડીન એચ.બી. મહેતા દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે યક્ષ પ્રશ્ન છે. કોલેજની કમિટિ તપાસ કરવાનું નાટક કરી રહી છે પરંતુ જ્યારે કૃત્યને અંજામ આપનાર આરોપી વિદ્યાર્થી જ ઘટનાની કબૂલાત કરે છે તો તેને કોલેજમાંથી કેમ રસ્ટીકેટ નથી કરવામાં આવ્યો ?
આમ સમગ્ર ઘટના મામલે ભાવનગર મેડિકલ કોલેજ અને ભાવનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ.ની વરવી ભૂમિકા સામે આવતા વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જોવું રહ્યું હવે કોલેજનું તંત્ર અને પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે વધુ વિદ્યાર્થી ભોગ બને છે તેની રાહ જૂએ છે.
TAG: Bhavnagar Crime News, Bhavnagar Medical Collage Incident
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796