Sunday, October 26, 2025
HomeNavajivan CornerLink In Bioસારાહ સુન્નીઃ તારીખ પે તારીખ નહીં, ન્યાય માટે મેદાને ઉતરેલાં પહેલાં મૂક...

સારાહ સુન્નીઃ તારીખ પે તારીખ નહીં, ન્યાય માટે મેદાને ઉતરેલાં પહેલાં મૂક બધિર વકિલ

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સંસદ અને ન્યાયતંત્ર પ્રજાના હક અને હિતોના પહેરેદાર કહેવાય છે. વિત્યા સપ્ટેમ્બર મહિનામાં એક તરફ આપણી સંસદમાં મહિલાઓને લોકસભામાં 33 ટકાની હિસ્સેદારીનો હક આપતું બિલ પસાર થયું, તો બીજી તરફ ન્યાયતંત્રમાં પણ એક ઐતિહાસિક ઘટના બની. સુપ્રીમ કોર્ટના (Supreme Court) મુખ્ય ન્યાયધીશ ડી. વાય. ચંદ્રચૂડે (CJI D Y Chandrachud) એક કેસમાં એક મૂક બધિર મહિલા વકિલને અપીઅર થવાની પરવાનગી આપી અને 22 સપ્ટેમ્બરના રોજ ભારતીય ન્યાયતંત્રમાં પહેલી વખત એક મૂક-બધિર વ્યક્તિ કોર્ટ કેસ માટે અપીઅર થઈ. આ પહેલાં આપણે ત્યાં ક્યારેય પણ કોઈ મૂક-બધિર વકિલને કેસ લડવાની પરવાનગી આપવામાં આવી નહોતી. સુપ્રિમ કોર્ટના આ પગલાની ચારે તરફ સરાહના થઈ રહી છે અને આ કારણે ભવિષ્યમાં અન્ય મૂક-બધિર લોકોને પણ કાયદાના ક્ષેત્રમાં કાર્ય કરવાની પ્રેરણા મળશે તેવી ચર્ચાઓ પણ ઊઠી છે.

sarah sunni
sarah sunni

સુપ્રિમ કોર્ટમાં અપીઅર થનારાં પહેલાં મૂક બધિર વકિલ છે સારાહ સુન્ની. (Sarah Sunny)24 વર્ષીય સારાહ બીબીસીને આપેલી એક મૂલાકાતમાં કહે છે કે ‘સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ સામે ઊભા રહીને કેસ લડવો એ કેવો અનુભવ હશે એની મને કલ્પના આવ્યા કરતી હતી. જ્યારે હું ખરેખર તેમની સામે ઊભી રહી હતી, ત્યારે મને લાગ્યું કે મારામાં આત્મવિશ્વાસનું ઘોડાપૂર આવ્યું હોય એમ મને લાગતું હતું. જે લોકો સાંભળી નથી શકતા તે સૌને હું કહેવા માગું છું કે, જો હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો. જે મારા માટે શક્ય છે તે એમના માટે પણ શક્ય છે’

- Advertisement -

સારાહએ બેંગ્લોરની સેન્ટ જોસેફ કૉલેજ ઓફ લૉ ખાતેથી કાયદાનો અભ્યાસ કર્યો છે અને દુનિયા જ્યારે કોવિડની મહામારી સામે ઝઝૂમી રહી હતી ત્યારે 2021થી તેણે પ્રેક્ટિસ શરૂ કરી. જોકે તેની આ સફર સરળ નહોતી. આજે જે ઓળખ તેને મળી છે તેની પાછળ તેનો અને તેના પરિવારનો લાંબો સંઘર્ષ રહ્યો છે.

sarah sunny
sarah sunny

સારાહની એક જોડિયા બહેન અને મોટા ભાઈ છે. તેના માતા-પિતાના સંઘર્ષની શરૂઆત તેમના પહેલા સંતાન એટલે કે, સારાહના ભાઈ પ્રતીકના જન્મ વખતથી જ થઈ ગઈ હતી. સારાહનો ભાઈ પ્રતીક મૂક–બધિર છે. પ્રતીકના જન્મના આઠ વર્ષ બાદ સારાહ અને મારીયાનો જન્મ થયો, પરંતુ કુદરત જાણે સુન્ની કુરુવિલા અને તેમના પત્નીની કસોટી કરતી હોય એમ આ બંનેન બહેનો પણ મૂક-બધિર જન્મી. ત્રણ-ત્રણ મૂક-બધિર સંતાનોને ભણાવવા અને કારકીર્દીમાં સેટ કરવા એ સંઘર્ષ કંઈ નાનોસૂનો નથી હોતો. સારાહના માતા-પિતાએ તેમના બાળકોને મૂક-બધિરની શાળામાં મૂકવાને બદલે સામાન્ય સ્કૂલમાં મૂક્યા. જોકે આ માટે તેઓ શહેરની 25થી 30 જેટલી સ્કૂલોમાં ફર્યા અને અનેક સ્કૂલોમાંથી જાકારો મળ્યા બાદ એક સ્કૂલ તેમને પ્રવેશ આપવા તૈયાર થઈ. આ જ સ્થિતિ આગળ જેતા તેમના ઉચ્ચ અભ્યાસમાં પણ નિર્માઈ. સારાહનો ભાઈ પછીથી આગળના અભ્યાસ માટે વિદેશ ગયો અને અત્યારે તે સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરે છે અને સાથે સાથે મૂક-બધિર બાળકોને ભણાવવાનું પણ કાર્ય કરે છે. સારાહની જોડિયા બહેન મારીયા ચાર્ટડ એકાઉન્ટટ છે અને મારીયાએ કાયદાનું ક્ષેત્ર પસંદ કર્યું.

2021માં સારાહે પ્રેક્ટિસ શરૂ તો કરી દીધી હતી, પરંતુ મૂક-બધિર હોવાના કારણે સાંકેતિક ભાષાના દુભાષિયાની સુવિધા તેને કોર્ટ દ્વારા આપવામાં આવી રહી નહોતી. સારાહે પહેલો પ્રયાસ તેના હોમ ટાઉન એવા બેંગ્લોરની નીચલી અદાલતમાં કર્યો. એક કેસ લડવા માટે તેણે અદાલત પાસે સાંકેતિક ભાષાના દુભાષિયાની મદદ માગી, પરંતુ કોર્ટે તેમ કહીને તેનો ઇનકાર કર્યો કે સાંકેતિક ભાષાના જાણકારને કાયદાનું જ્ઞાન ન હોય તો તે કોર્ટની કાર્યવાહી કેવી રીતે સમજી શકે? કાયદાનું જ્ઞાન અને સાઇન લેન્ગવેજ બંનેમાં નિષ્ણાંત હોય તેવા દુભાષિયા મળવા મુશ્કેલ છે.

- Advertisement -

જો કે સારાહે પ્રયત્નો છોડ્યા નહીં. સારાહ સુપ્રિમ કોર્ટના વકિલ સંચિતા આઈન સાથે જોડાઈ અને તેણે મૂક-બધિરો તથા અન્ય દિવ્યાંગ લોકોને પણ બંધારણ અને કાયદાનું રક્ષણ અને હકો મળી રહે તે માટેની લડત શરૂ કરી. આ દરમિયાન સંચિતા આઈને સુપ્રિમ કોર્ટમાં પોતાના એક કેસ માટે તેના બદલે તેમની સાથી સારાહ સુન્નીને અપિઅર થવાની અને તેના માટે સાંકેતિક ભાષાના દુભાષિયાને સ્વીકારવાની મંજૂરી માગી. આખો મામલો સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ ડી. વાય. ચંદ્રચૂડ સામે રજૂ થયો. તેઓએ સારાહને દુભાષિયા સાથે કોર્ટમાં રજૂ થવાની મંજૂરી માત્ર એ શરતે આપી કે તેનાથી કોર્ટની કાર્યવાહીમાં કોઈ દખલ ન પડવી. કાયદાના જાણકાર અને ભારતીય સાંકેતિક ભાષા(Indian Sign Language- ISL)ના નિષ્ણાંત સૌરવ રોય ચૌધરી આ કેસમાં સારાહના દુભાષિયા તરીકે અપીઅર થયા. શરૂઆતના તબક્કે મુખ્ય ન્યાયધીશ ડી. વાય. ચંદ્રચુડે સૌથી પહેલાં સૌરવ ચૌધરીની સાંકેતિક ભાષામાં વપરાતી આંગળીઓ અને હાથની મુદ્રાઓની સ્પીડનું અવલોકન કર્યું અને તેઓ સારાહ અને સૌરવનું પરસ્પર અનુકૂલન જોઈને દંગ રહી ગયા. વળી, સૌરવ કાયદાની સમજણ પણ સારી રીતે આપી શકતા હતા. સોલિસીટર જનરલ તુષાર મહેતા પણ આ આખા મામલાથી ખાસ્સા પ્રભાવિત થયા અને એ પછીથી તો મુખ્ય ન્યાયધીશ ચંદ્રચુડે પણ સારાહને સાંકેતિક ભાષાના દુભાષિયાના ઉપયોગ સાથે કેસ લડવાની મંજૂરી આપી.

સારાહની સાથી વકિલ સંચિતાના જણાવ્યા પ્રમાણે સાંકેતિક ભાષાના જાણકાર દુભાષિયા એક કલાકના 1000 રૂપિયા ચાર્જ લે છે. આ પહેલી સુનાવણી વખતે તો સમગ્ર ખર્ચો સારાહ અને ટીમે ઉઠાવ્યો હતો, પરંતુ કોર્ટે આગળની સનવણીઓ માટે આવા દુભાષિયાની નિમણૂક પોતે કરશે અને તેનો ખર્ચ પોતે ઉઠાવશે તેવી માર્ગદર્શિકા રજૂ કરી છે. સાંકેતિક ભાષાના નિષ્ણાત સૌરવ ચૌધરી એ બીબીસીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, 2011ની વસતી ગણતરી મુજબ ભારતમાં બધિર લોકોની સંખ્યા 1.8 કરોડ જેટલી છે. જો કે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તેના અને આ આંકડાનાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશનના જણાવ્યા પ્રમાણે ભારતમાં 63 મિલિયન લોકો બધિર છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં બધિર લોકો હોય ત્યારે નિશ્ચિતપણે જ સરકારે સાંકેતિક ભાષાના પ્રચાર-પ્રસાર માટે ઠોસ પગલા લેવા જોઈએ. પરંતુ અનેક ભાષા અને બોલીઓ બોલતા વિવિધતાથી ભરેલા આ દેશમાં કોઈ એક નિશ્ચિત સાંકેતિક ભાષા આખા દેશમાં લાગૂ કરવી મુશ્કેલ છે. સમયાંતર આના માટે પ્રયત્નો થતા રહે છે, અનેક સામાજિક કાર્યકરો તેના માટે લડત પણ ચલાવી રહ્યા છે. તેઓના પ્રયાસોથી ભારતમાં વિવિધ સ્થળઓએ સાંકેતિક ભાષા શીખવાડતી 700 જેટલી શાળાઓ શરૂ કરવામાં આવી છે. પાછલાં એક-દોઢ દાયકાથી ભારત સરકાર પણ કેટલાંક પ્રયત્નો કરી રહી છે. આ તમામના સહિયારા પ્રયત્નો સ્વરૂપ 2015માં ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા આખા દેશમાં સાંકેતક ભાષાને લઈને સમાનતા સધાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

જ્યારે મૂક-બધિર વ્યક્તિ સાથે કોઈ ગુનાહિત ઘટના બને છે અથવા તો કોઈ ગુનાહિત ઘટનામાં તેઓ સાક્ષી બને છે ત્યારે સાંકેતિક ભાષા ખૂબ અગત્યની બની રહે છે. આવા સમયે કોર્ટ મૂક-બધિર વ્યક્તિઓ માટે સાંકેતિક દૂભાષિયાની વ્યવસ્થા કરાવે છે. જોકે આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે કોર્ટમાં કોઈ મૂક બધિર વકિલ અપિઅર થયા હોય અને તેમણે દુભાષિયાની મદદથી કોર્ટની કાર્યવાહીમાં હિસ્સો લીધો હોય. સારાહ સુન્નીના પહેલાં સૌદામિની પેઠેએ પણ કાયદાનો અભ્યાસ કર્યો હતો. ડિસેમ્બર, 2022માં તેમણે બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં નોંધણી પણ કરાવી હતી, પરંતુ એ પછી એપ્રિલ 2023માં તેમનું આકસ્મિક અવસાન થતાં અનેક બધિર વ્યક્તિઓનું સ્વપ્ન અધુરૂં રહ્યું હતું. જોકે સારાહના સાથી વકિલ સંચિતા તે કાળે પણ સૌદામિની સાથે હતા અને તેમના સ્વપ્નને આગળ લઈ જવા કટિબદ્ધ બન્યાં હતાં. જેના પરીણામ સ્વરૂપ આજે સારાહ સુન્નીએ અનેક મૂક-બધિર લોકો માટે સફળતાનો નવો માર્ગ ખોલી આપ્યો છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular