નવજીવન ન્યૂઝ. રાજકોટ: સામાન્ય રીતે આપણે જોતાં હોઈએ છે કે અશિક્ષિત અથવા તો ઓછું ભણેલા પરિવારમાં મહિલાની અવગણના વધારે થતી હોય છે, પરંતુ રાજકોટમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શિક્ષિત પરિવારની પુત્રવધૂએ સાસરિયાઓથી કંટાળીને આત્મહત્યા જેવુ ગંભીર પગલું ભરી લીધું છે. મૃતક પોતે એક ડોકટર છે, તેના પતિ અને પિતા પણ ડોકટર છે. આવા શિક્ષિત પરિવારની મહિલા આત્મહત્યા કરી લે તે ગંભીર વાત છે.
મૂળ રાજકોટની વતની જાનકી વોરા નામની મહિલાએ ગઇકાલે વાંકાનેરમાં પોતાના જ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. તે સમયે જનકીના માતા પિતા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા, જ્યાં જાનકીની માતાએ પોક મૂકી હતી.
પુત્રીના આત્મહત્યાનાં બનાવ બાદ જાનકીના માતા-પિતાએ દીકરીના સાસરી પક્ષ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. જાનકીના પિતા જે પોતે ડોક્ટર છે તેમણે જણાવ્યુ હતું કે, “મારી દીકરી જાનકીનું વાંકાનેરમાં મૃત્યુ થયું છે. તેમાં મને શંકા છે કે, મારા જમાઇએ ટોર્ચરિંગ કરી આપઘાતમાં ખપાવવા ટ્રાય કરી હોય એવું લાગે છે. પોતે પોતાની રીતે ટ્રીટમેન્ટ કરી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરી હતી. પરંતુ અહીં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આથી મારી અરજ છે કે, આરોપી જમાઇને સખતમાં સખત સજા થાય, શંકાના દાયરામાં મારા જમાઇ પછી તેના મમ્મી ઇન્દુબેન, તેનો ભાઇ સંદિપ, તેના કાકા અજયભાઇ અને તેના કાકીજી પુષ્પાની ચડામણી 100 ટકા છે, આથી મને ન્યાય અપાવો, હું કાયદેસર ફરિયાદ કરવા માગું છું.”
જાનકીની માતાએ જણાવ્યુ હતું કે, “મારી દીકરીના લગ્નને 10 વર્ષ પૂરા થયા હતા. તેના દિયર અને સાસુનો સખત ત્રાસ રહેતો હતો. મારી દીકરી સાસરિયાવાળા સાથે રહેતી ત્યારે તેનો દિયર ખૂબ જ અપશબ્દો કહેતો. મારી દીકરી ભણેલી ગણેલી છે, ડોક્ટર છે છતાં મારી દીકરીને અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો હતો. મારી દીકરીને 5 વર્ષની દીકરી છે પરંતુ આ પગલું શું કામ ભરે? પરંતુ સખત ત્રાસથી કંટાળી મારી દીકરીએ આ પગલું ભરી લીધું છે. તેના દિયર સંદિપને એવું છે કે, મારે રાજકારણીઓ સાથે સંબંધો વધારે છે, મારા સસરા ખુદ વકીલ છે એટલે મને કોઈ કંઇ નહીં કરી શકે.”
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]
![]() |
![]() |
![]() |











