નવજીવન ન્યૂઝ.રાજકોટઃ Jasdan News: રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી શાળામાં (School) વિદ્યાર્થીઓ (Students) પાસેથી સફાઈ (Cleaning) કરાવવામાં આવતી હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે રાજકોટના (Rajkot) ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીએ સફાઈ કરવાની મનાઈ કરવામાં આવતા શિક્ષકો અને ગૃહપતિ દ્વારા માર મારીને કરંટ આપવામાં આવ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ જિલ્લાના જસદણ (Jasdan) તાલુકાના આંબરડી ગામમાં (Ambardi Village) રહેતા કેતનભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમનો 14 વર્ષનો નાનોભાઈ ધોરણ 8માં આંબરડી ગામની જીવનશાળામાં અભ્યાસ કરે છે. પાંચ દિવસ પહેલા મને શાળામાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, “તમારું બાળક કાતરા ખાવા ગયો હતો તે દરમિયાન તે પડી ગયો હતો. જેથી બાળકની સારવાર કરવા માટે જસદણ ખાતેની હોસ્પિટલમાં લઈને આવ્યા છે”.
બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવતા પરિવાર પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. બાળકની હાલત ગંભીર હોવાના કારણે તેને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન પરિવારે બાળકને બનાવ અંગે પુછપરછ કરતાં જણાવ્યું હતું કે, કાતરા ખાવા માટે તો તે 8 દિવસ પહેલા ગયો હતો તે વખતે પડી જવાથી નહીં પરંતું તેણે શાળામાં સફાઈ કરવાની મનાઈ કરતાં તેની આ હાલત થઈ હોવાનું પરિવારને જણાવ્યું હતું.
બાળકે કહ્યું હતું કે, જીવન શાળાના ગૃહપતિએ શાળાની સફાઈ કરવા માટે મને કહ્યું હતું, પરંતુ મેં સફાઈ કરવાની ના પાડી દેતા ગૃહપતિ કિશન ગાંગડિયા, વિનોદ સર અને બીજા ત્રણ જેટલા વ્યક્તિએ મને ક્લાસમાં પુરી દીધો હતો, ત્યારબાદ મારી આંખ પર પાટો બાંધીને મને માર માર્યો હતો. સાથે જ કરંટ પણ આપવામાં આવ્યો હતો”. બાળકની સાથે થયેલા બનાવની સઘળી હકીકત જણાવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે પરિવાર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








