બિનીત મોદી (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ઇન્દિરા ગાંધી વડાપ્રધાન પદે હતા ત્યારે એમના શાસન માટે ‘અધરાતે મધરાતે’ એવો શબ્દપ્રયોગ થતો. કેમ કે મોટા ભાગના નિર્ણયો મોડી રાત્રે લેવાતા અને એ જમાનાની, 1970-1980ની તાસીર પ્રમાણે લાઇટનિંગ કોલથી (ઇમરજન્સી ટેલિફોન કોલનો એક પ્રકાર) મધરાતથી વહેલી સવાર સુધી આદેશો છૂટતા, અમલવારી થતી. સૌથી જાણીતો દાખલો કટોકટી જાહેર કરવાનો છે જેનો નિર્ણય મોડી રાત્રે લેવાયો અને મધરાતે રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહમદને ઉંઘમાંથી ઉઠાડી વટહુકમ પર સહી કરાવડાવી લીધી.
હાલ ‘અમૃતકાળ’ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સવાર વહેલી પડે છે. પરોઢ થાય એ પહેલા ચાર વાગે. જેઓ આ ટાઇમટેબલ સાથે તાલ મિલાવી શકે છે એમની વાત વડાપ્રધાન ચાર કાને સાંભળે છે – હેડફોન સાથે. અઠવાડિયા-પખવાડિયા પહેલા સાહેબે કમલમથી દૂર પણ કોબા ગામમાં જ રહેતા એક કાર્યકરને ફોન જોડ્યો. વહેલી સવારે કાચી-પાકી ઉંઘમાંથી આંખો ચોળતા જાગેલા કાર્યકરે જે કંઈ કહ્યું એ આંખો ઉઘાડવા માટે પુરતું હતું. પછી… પછી શું ? સાહેબે સુત્રોને કામે લગાડ્યા. દિવસ-રાત એક કરી જાગતા રહેતા સી. આર. પાટીલને ચાલુ પ્રવચને નવેસરથી જગાડ્યા. શનિવાર 20મી ઑગસ્ટની એ ફોન વાતચીત કહો કે આદેશ કહો તેનું એન્ડ રિઝલ્ટ એટલે બે મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના વિભાગોની બાદબાકી. વર્ષ 2022ના અંત પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલાનું આ ટ્રેલર નંબર એક છે. એની બીજી આવૃત્તિઓ પણ આવશે.
વડાપ્રધાન કાર્યાલય રાજ્ય સરકારો કે તેના મંત્રીમંડળ પર દેખરેખ રાખે એ તો રાબેતા મુજબનો વ્યવહાર છે. પણ વાત તેમના રાજીનામા કે મંત્રાલયમાં ફેરફાર, બાદબાકી સુધી પહોંચે એ ઘટના પહેલીવારની નથી. ચાલીસ વર્ષ પહેલા 1982માં પણ આમ થયું હતું. ગુજરાતમાં જ થયું હતું. વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી અને ગુજરાતના મુખ્યમંત્રી પદે માધવસિંહ સોલંકી.
ગુજરાતમાં 1980 પછીના આ સમયને ‘સોલંકી યુગ’ તરીકે ઓળખવાની શરૂઆત થઈ હતી. એ સમયે ગુજરાતના મંત્રીમંડળમાં કિરીટસિંહ ગોહિલ રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હતા. ભાવનગર જિલ્લાની ઘોઘા બેઠકથી કૉંગ્રેસના ધારાસભ્ય. માધવસિંહ સોલંકીએ એ સમયે છઠ્ઠી વિધાનસભાના મંત્રીમંડળની રચના કરી ત્યારથી તેમનો સમાવેશ કર્યો હતો. પરંતુ સાતમી સપ્ટેમ્બરને 1982ની બપોરે તેમનું રાજીનામું રાજભવન પહોંચ્યું ત્યાં સુધી માધવસિંહ સોલંકીને પણ તેમના મંત્રીના રાજીનામા વિશે જાણ નહોતી. રાજભવને તો માત્ર એમને મુખ્યમંત્રી લેખે જાણ જ કરી કે, ‘મંત્રીશ્રીનું રાજીનામું સ્વીકારાઈ ગયું છે’.
મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પણ જે નિર્ણયથી અજાણ હતા તેની વાત જાણે એમ હતી કે મંત્રી કિરીટસિંહ ગોહિલ હોદ્દાની રૂએ ગુનેગારોને જેલમાંથી છોડી દેવાના સીધા હુકમો સચિવાલયથી કરતા હતા. એમાં દાણચોરો પણ આવી ગયા અને ખૂન કેસના આરોપીઓ પણ. કોઈ કાગળ-પત્ર વિના માત્ર ટેલિફોન આદેશના સહારે આરોપી-ગુનેગારો જેલ મુક્ત થવા માંડ્યા ત્યારે ગુજરાત કૉંગ્રેસના ચાર નેતાઓએ વડાપ્રધાન કાર્યાલયનું ધ્યાન દોર્યું કે, “મેડમ, ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ કંઇક આવી છે.” એ નેતાઓ હતા રતુભાઈ અદાણી, નવીનચંદ્ર રવાણી, જશવંત મહેતા અને સનત મહેતા. આ ચાર નેતાઓ તેમના સમયમાં એટલા પ્રભાવી હતા કે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કોઈ વિગતો ક્રોસ-ચેક કરવાની જરૂર નહોતી. એમણે મુખ્યમંત્રીને કે મંત્રીને નહીં પણ સીધો રાજભવનને સંદેશો પાઠવ્યો કે, ‘સો એન્ડ સો મિનિસ્ટરનું રાજીનામું લખાવી લેવામાં આવે અને મુખ્યમંત્રીને એ બાબતની માત્ર જાણ કરવામાં આવે.’ વર્ક ડન. રાજ્યપાલ હતા શારદા મુખરજી. વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના ખાસ બહેનપણી.
એ 1982 હતું, આ 2022 છે. હવે રાજીનામું નથી લખાવાતું. સીધું રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામામાં અને ગેઝેટમાં પ્રસિધ્ધ થાય ત્યારે જ મંત્રીશ્રીને ખબર પડે છે કે હવે તેમનો એક પોર્ટફોલિયો જતો રહ્યો છે.
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)