નવજીવન ન્યૂઝ, અમદાવાદ : મધ્ય પૂર્વમાં ચાલી રહેલાં યુદ્ધના કારણે ઑઈલ તેમજ ગેસ સપ્લાયને અસર પડી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે બપોરે બે વાગ્યા આસપાસના સમય પછી પેટ્રોલ પંપો પર વાહનોની લાઈનો લાગી છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel) નો જે સપ્લાય મળતો હતો. તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ભાષણમાં તેલ સંકટનો ઉલ્લેખ કરતા લોકો ભર બપોરે વાહનો લઈને પેટ્રોલ-ડીઝલ પૂરાવવા પંપો પર દોટ લગાવી હતી. ઈંધણ ખૂટી ગયું હોવાની અફવાએ પણ તેમાં બળ પૂરૂં પાડ્યું હતું. અત્રે નોંધનીય છે કે, સપ્લાયમાં ઘટાડો અને રજાઓના કારણે પેમેન્ટમાં વિલંબ જેવા કારણોસર ઈંધણની અછતનો માહોલ બની જતા જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. કેટલાંક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટૉક’ ના પાટીયા લાગી ગયા છે.
અફવાએ લાઈનો લગાવી, ક્રેડિટ અને સપ્લાય પણ જવાબદાર
અમદાવાદ શહેરમાં દસેક જેટલાં પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો ડિલિવર નહીં થઈ હોવાથી તેમને બંધ રખાયા છે. ખાનગી પેટ્રોલ પંપોને અપાતી ક્રેડિટ બંધ કરાઈ હોવાથી પણ અને મોટાભાગના પંપો પર શનિવાર-રવિવારની રજાના કારણે ઈંધણનો જથ્થો પહોંચ્યો નથી. સરકારી કંપનીના પેટ્રોલ પંપો પર પુરવઠાની કોઈ અસર નથી પડી. અફવાના કારણે વાહન ચાલકોનો સતત ધસારો રહેશે તો કંપનીના પંપો ઉપર પણ ઈંધણનો જથ્થો પહોંચાડવો પડશે.
ભારત પાસે 53 લાખ મેટ્રિક ટન પેટ્રોલિયમ રિઝર્વ : મોદી
લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત થાય છે. યુદ્ધ બાદથી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પડકારજનક થઈ છે. તેમ છતાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પ્રભાવિત ન થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ભારત 60 ટકા LPG ની આયાત કરે છે. જેની સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. જેના કારણે LPG નું પ્રોડક્શન ભારતમાં જ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પણ જળવાઈ રહે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે, ભારત પાસે 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ છે. આ સિવાય ઓઈલ કંપનીઓ પાસે જે રિઝર્વ રહે છે તે અલગ છે. નરેન્દ્ર મોદીએ આજે પોતાના ભાષણમાં કોરોના જેવા સંકટ માટે તૈયાર રહેવાનું જણાવ્યું હતું. જોકે તેમના આજના ગૃહમાં અપાયેલા ભાષણમાં ક્યાંય પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણની ખોટ હોવાનો ઉલ્લેખ નથી, પરંતુ લોકોએ આ મામલાને કોઈ સંકટની જેમ જોતા હવે પેટ્રોલ પંપ પર કિલોમિટરથી પણ લાંબી લાઈન જોવા મળે તો નવાઈ નહીં.








