નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર (Budget Session of Gujarat Legislative Assembly) દરમિયાન ગૃહમાં જેલનો અને કેદીઓના ઉદ્ધાર માટેના પ્રશ્નો પેદા થયા હતા. ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi) એ જવાબ આપતા જેલ તંત્ર અને કેદીઓના ઉદ્ધાર માટે કામગીરી કરતા હોવાના જવાબ પણ આપ્યા હતા. બાદમાં અચાનક જ ગૃહ રાજ્યમંત્રી અમદાવાદની સાબરમતી જેલ (Ahmedabad Sabarmati Jail) ની મુલાકાતે પહોંચી ગયા હતા. આ મુલાકાતે જેલ તંત્રના અધિકારીઓેને ચોંકાવી દિધા હતા. ત્યાં ગતરોજ શુક્રવારે હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓની લાંબી બેઠક બાદ તુરંત રાજ્યની જેલમાં લાઈવ કેમેરા સાથે સર્ચ પાર્ટી મોકલાવનો આદેશ કરતા ખળભળાટ મચી ગયો હતો.

ઘટનાની વિગત એવી છે કે ગતરોજ શુક્રવારે મોડી રાત્રિ સુધી ગાંધીનગરમાં ગૃહ વિભાગ અને ડી.જી.પી. કચેરી ધમધમાટ ચાલી રહ્યો હતો. જેનું કારણ હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અચાનક ઉચ્ચ પોલીસ અધિકારીઓની બોલાવેલી બેઠક. કલાકો સુધી ચાલેલી આ બેઠકમાં પોલીસ અધિકારીઓને તાત્કાલીક પોલીસની ટીમ તૈયાર કરી સ્ટેન્ડ બાય રાખવા જણાવવામાં આવ્યું હતું. ટીમો સ્ટેન્ડ બાય રાખવાની સૂચનાને પગલે પોલીસ અધિકારીઓ પણ અસમંજસમાં મુકાયા હતા કે ગૃહ રાજ્યમંત્રી કરવા શું માંગે છે? વળી તમામ ટીમને બોડી વૉર્ન કેમેરાથી સજ્જ રાખી લાઈવ પ્રસારણ માટે કમાન્ડ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું હોય અટકળો વહેતી થઈ હતી કે કોમ્બીંગ કે ટ્રાફિકનું સઘન ચેકિંગ હાથ ધરવાનું થશે. પરંતુ અધિકારીઓની તમામ અટકળો ખોટી ત્યારે પડી જ્યારે હર્ષ સંઘવીએ આ તમામ ટીમોને જેલમાં જઈ ચેકિંગ હાથ ધરવા માટે રવાના કરવાનો આદેશ કર્યો હતો.

તમામ ટીમોએ ગતરોજ રાત્રિના સમયે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતની જેલમાં દરોડા કરી ચેકિંગ હાથ ધરતા જ જેલ તંત્ર રીતસર સ્તબ્ધ બની ગયું હતું. જેલમાં ચેકિંગ દરમિયાન ટીમને તમાકુ, ગાંજા જેવા માદક પદાર્થો સહિત મોબાઈલ ફોન પણ મળ્યા હતા. સુરતમાં તો કેદીઓએ તપાસથી બચવા માટે આગ લગાવી ચેકિંગ ટીમ માટે અવરોધ પણ પેદા કર્યો હતો. આ તમામ દૃષ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લાઈવ નિહાળી રહ્યા હતા અને કાર્યવાહી ચાલી રહી હતી. જેના કારણે કોઈને બચવાનો કે બચાવવાનો ચાન્સ મળે તેવી સ્થિતી ન હોય ગેરકાનૂની સામાન મામલે ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

વહેલી સવાર સુધી જેલમાં કરેલા સરપ્રાઈઝ ચેકિંગ બાદ હર્ષ સંઘવી રિપોર્ટ તૈયાર કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપશે. ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા પણ કરશે તેવા અહેવાલો મળી રહ્યા છે. જેથી કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓ પર કાર્યવાહીની તવાઈ આવી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








