નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કથિત ગેરકાયદે બાર કેસમાં સ્મૃતિ ઈરાનીની પુત્રીનું નામ સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. હવે ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાએ સોનિયા ગાંધી વિરુદ્ધ અભદ્ર નિવેદન આપ્યું છે, જેનો કોંગ્રેસે સખત વિરોધ કર્યો છે. કોંગ્રેસે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને આ અંગે ફરિયાદ કરી છે અને માફી માગવાની માગ કરી છે.
હકીકતમાં, ગેરકાયદેસર બાર કેસ પર ગોવામાં ટીવી પર ચર્ચા દરમિયાન ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. આ પછી કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં જો આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે તો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે.
જેપી નડ્ડાને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સંસ્કૃતિની વાત કરનારા ભાજપના ટોચના નેતાઓ અને પ્રવક્તાઓએ દેશની પ્રતિષ્ઠિત મહિલાઓ, ખાસ કરીને રાષ્ટ્રીય પાર્ટીના 75 વર્ષીય અધ્યક્ષ વિરુદ્ધ વારંવાર અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. વિપક્ષના નેતાઓ માટે અપશબ્દોનો ઉપયોગ કરવો એ ભાજપની મહિલા વિરોધી વિચારસરણી દર્શાવે છે. આવી વાંધાજનક ટિપ્પણીઓને કારણે દેશની રાજનીતિનું સ્તર નીચે જઈ રહ્યું છે.
કોંગ્રેસે કહ્યું કે, વડા પ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષને અમારી અપીલ છે કે તમારી પાર્ટીના નેતાઓના શરમજનક અને અભદ્ર નિવેદનો માટે દેશની મહિલાઓની માફી માગો, સાથે જ તમારા પ્રવક્તા અને નેતાઓને પણ કહી દો કે તેઓ રાજકારણની ગરિમાને ઠેસ ન પહોંચાડે. દ્વેષપૂર્ણ ભાષણથી અને રાજકારણનું આદરણીય સ્તર જાળવી રાખો.








