નવજીવન ન્યૂઝ. ચંડીગઢ: પંજાબની આમ આદમી પાર્ટી સરકારના નવા મુખ્યમંત્રી ભગવંત માનએ આજે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ભગવંત માનને ગઇકાલે સીએમ પદના શપથ લેવડાવ્યા હતા અને તેમણે વચન આપ્યું હતું કે તેઓ “એક પણ દિવસ બગાડશે નહીં” તેમણે ઉમેર્યું હતું કે આ હેલ્પલાઇન નંબર સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહની જન્મજયંતિ 23 માર્ચે શરૂ કરવામાં આવશે.
તેમણે ટ્વીટમાં કહ્યું, “ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર મારો પર્સનલ નંબર હશે. જો કોઈ લાંચ માંગે છે, તો તે નંબર પર ઓડિયો અને વીડિયો મોકલો. હું કોઈ સરકારી કર્મચારીને ધમકાવી રહ્યો નથી કારણ કે 99 ટકા સરકારી કર્મચારીઓ પ્રામાણિક છે પરંતુ એક ટકા કર્મચારીઓ ભ્રષ્ટ છે, જેમણે સિસ્ટમ બગાડી છે. માત્ર ‘તમે’ જ આ ભ્રષ્ટ તંત્રને સાફ કરી શકો છો.”
મુખ્યમંત્રી ભગવંત માને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર સુનિશ્ચિત કરશે. ભગવંત માનએ એક વીડિયો સંદેશમાં લોકોને યાદ અપાવ્યું હતું કે જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ) સત્તામાં આવી ત્યારે લોકોને ભ્રષ્ટ અધિકારીઓના ઓડિયો અથવા વીડિયો આપવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આનાથી દિલ્હીમાં ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે.
સીએમ ભગવંત માનએ કહ્યું કે, “આવનારા સમયમાં અમે હેલ્પલાઇન નંબર જારી કરીશું જે મારો પર્સનલ વોટ્સએપ નંબર હશે. જો કોઈ તમારી પાસે લાંચ માંગે છે, તો તેનો ઇનકાર કરશો નહીં. તેનો વીડિયો કે ઓડિયો રેકોર્ડ કરીને તે નંબર પર મોકલી દો. હું તમને બાંહેધરી આપું છું કે અમારી ઓફિસ તેની તપાસ કરશે અને કોઈ ભ્રષ્ટ વ્યક્તિને છોડવામાં આવશે નહીં, કડક કાર્યવાહી કરવામાં આવશે.”
ભગવંત માનએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહની પુણ્યતિથિએ 23 માર્ચે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબના ઇતિહાસમાં આ એક મોટી જાહેરાત હશે. તાજેતરમાં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૧૭ વિધાનસભા ક્ષેત્રોમાંથી ૯૨ બેઠકો જીતી લીધી છે.
![]() |
![]() |
![]() |











