નવજીવન ન્યૂઝ. ભરૂચઃ Bharuch Crime News: ‘ગોળ વિના સુનો કંસાર માં વિના સુનો સંસાર’ કહેવત ખૂબ પ્રચલિત છે. પરંતું ભરૂચમાં (Bharuch) એક માતાએ પોતાની જ બાળકીનો સંસાર પૂરો કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માતાએ પોતાની જ બાળકીને ઠંડા કલેજે ગળું દબાવીને મારી (Mother Kills Daughter ) નાંખી હતી. જોકે બાળકીના પિતાને મોત અંગે શંકા જતાં પોતાની જ પત્નીની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પણ બે દિકરીઓના રહસ્યમય મોત થયા હતા. ત્યારે ત્રીજી દીકરીનું પણ રહસ્યમય મોત થતાં પિતાને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, ભરૂચમાં છેલ્લાં આઠ વર્ષથી મૂળ રાજસ્થાનના માનવરસિંગ રામસિંગ ચૌહાણ અને તેમનો મોટોભાઈ કલ્યાણસિંગ પરિવાર સાથે રહે છે. 5 વર્ષ પહેલા પહેલી દીકરી અંશુંનો જન્મ થતાં મોટાભાઈ કલ્યાણસિંહને કોઈ સંતાન ન હોવાના કારણે અંશુને દત્તક લઈ તેનું પાલન પોષણ કરતાં હતા. ગત રવિવારે માનવરસિંગ માર્બલ ઘસવા માટે ગયા હતા તે દરમિયાન અંશુ કાકાના ઘરેથી આવી હતી. બપોરના સમયે માતા નંદીનીએ માનવરસિંગને ફોન કરીને કહ્યું હતું કે, અંશુને કંઈક થઈ ગયું છે, તે કાંઈ બોલતી નથી. દીકરીને કંઈક થઈ જતાં અંશુના કાકા તેને બાઈક પર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યા ફરજ પર હાજર તબીબે અંશુને મૃત જાહેર કરી હતી. બાળકીનું મોત થતાં પિતા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
સિવિલ હોસ્પિટલ પહોંચેલા પિતાએ મૃતબાળકીને જોતા ગળાના ભાગે નિશાન જોવા મળ્યા હતા. જેથી પિતાને શંકા જતાં પેનલ પી.એમ. કરાવવાનું નક્કી કરીને પરિવાર હોસ્પિટલથી ઘરે પરત ફર્યો હતો. માનવરસિંગએ ઘરે આવ્યા બાદ પત્ની નંદીનીને બાળકીના મોત અંગે પુછપરછ કરી હતી. જોકે નંદીની ગોળગોળ જવાબ આપતા પતિએ કડકાઈથી પૂછપરછ કરતાં પત્ની ભાંગી પડી હતી અને બાળકીની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. નંદનીએ કહ્યું હતું કે, અવારનવાર ઝઘડાથી કંટાળીને તેણે ત્રણ મહિના પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતું પરિવારે મરવા દીધી ન હતી. એટલે આજે અંશુને સાથે લઈને મારે મરી જવું હતુ. પત્નીએ પોતાની બાળકીને મારી નાંખતા પતિએ પત્ની વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પતિની ફરિયાદના આધારે હત્યારી પત્નીની પોલીસે ધરપકડ કરી હતી.
અગાઉ હોળીના તહેવાર દરમિયાન પરિવાર રાજસ્થાન ગયો હતો ત્યારે નંદનીની 3 વર્ષની બીજી દીકરી બંશુકાનું પણ 8 માર્ચે રમતાં રમતાં રહસ્યમય મોત થયું હતું. જોકે તે સમયે પરિવારે રાજસ્થાન પોલીસને ઘટનાની જાણ કરી ન હતી. ત્રીજી દીકરી પણ 20 દિવસની હતી ત્યારે જ રહસ્યમયી તેનું મોત થયુ હતું. અગાઉ જે બે દીકરીઓના રહસ્યમય સંજોગોમાં મોત થયાં તેમાં માતા નંદીનીનો હાથ હોવાની શંકાને લઈને પોલીસે તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








