નવજીવન ન્યૂઝ. અરવલ્લી : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે યુક્તિને સાર્થક કરતી દરરોજ ઘટનાઓ બની રહી છે જેમાં લાખ્ખો રૂપિયા લોકોને ગુમાવવા પડતા હોય છે. રાજ્યમાં રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી લોકોને ઠગતી અનેક ગેંગ સક્રિય છે ત્યારે આવીજ એક ગેંગનો ભોગ મોડાસા શહેરનું એક વૃદ્ધ દંપતી બન્યું હતું. જેમાં રૂપિયાનો ઢગલો તો ના થયો પરંતુ વૃદ્ધ દંપતીએ ઠગ ટોળકીની જાળમાં ફસાઈ ૧૩.૯૦ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. વૃદ્ધ દંપતી અને તેમના બે શિક્ષિત પુત્રોને આબાદ છેતરાયાનો અહેસાસ થતા આખરે ૭ ઠગારા સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોડાસા શહેરમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશચંદ્ર લાલચંદ્ર શાહ સોના-ચાંદીના દાગીના પર ધિરાણ કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. ગાજણકંપાના પરેશ રમણ પટેલ સાથે તેમને ધંધાકીય સબંધ હોવાથી વૃદ્ધ દંપતી સાથે વિશ્વાસ કેળવી ભોપાલના બાપુ રૂપિયાનો વરસાદ કરતા હોવાનું જણાવી તેમના ઘરે ભોપાલના બાલકૃષ્ણ નામના બાવજી અને ૬ શખ્સો સાથે પહોંચી એક રૂમમાં બાલકૃષ્ણ અને પિન્ટુ ઠાકોરે બંધ ઓરડામાં વિધિ કરતા હોવાનું નાટક કરી રૂપિયાના ઢગલો દૂર થી બતાવી તેમાંથી રૂ.૫૦૦ અને ૨૦૦ ની નોટ કાઢી આપતા વૃદ્ધ દંપતીને આપી રૂમ બંધ કરી ૨.૫ કરોડ રૂપિયાનો ઢગલો કરવા વિધિ કરવાનું જણાવી અને નાની દીકરીનું કાળજું લાવી સ્મશાનમાં વિધિ કરવી પડશે તેમ જણાવી બીજા દિવસ ફરી ઠગ ટોળકી પહોંચતા વૃદ્ધ દંપતીએ રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી ૧૩.૯૦ લાખ રૂપિયા આપતા વિધી પછી બંધ રૂમ ખોલવા જણાવતા વૃદ્ધ દંપતીએ એક દિવસ રાહ જોઈ હતી. અને રૂપિયાનો વરસાદ થવાનો અમદાવાદ રહેતા બંને પુત્રોને જણાવતા તે પણ ઘરે પહોંચ્યા હતા અને તેમના માતા-પિતાની વાત સાંભળી આબાદ છેતર્યા હોવાનું જણાઈ આવતા લોક મારેલ ઓરડાની બારી તોડી જોતા રૂપિયાનો ઢગલો નહીં પણ છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા વૃદ્ધ મહિલાએ પરિવાર સાથે પહોંચી ૭ લોકો સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
ઠગ્સ બાવાજી અને તેની ટોળકીમાં કોણ કોણ ઠાગારાઓ સામેલ વાંચો આરોપીઓના નામ
૧)પરેશ રમણ પટેલ (રહે,ગાજણ કંપા-મોડાસા)
૨)પ્રવીણ પટેલ (રહે,જલદીપ સોસાયટી-મોડાસા)
૩)બાલકૃષ્ણ બાવજી નામનો શખ્સ
૪)કનુસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ ધુળસિંહ ચૌહાણ (રહે,જવાનગઢ-હિંમતનગર)
૫)બાપુ નામનો શખ્સ (ધુળેટા-ભિલોડા)
૬)પિન્ટુ ઠાકોર
૭)હિતેન્દ્રસિંહ ઠાકોર (બંને રહે,રામપુર-ગોર-હિંમતનગર)
![]() |
![]() |
![]() |











