Thursday, April 30, 2026
HomeGujaratડો. રવિન્દ્ર અને સ્મિતા કોલ્હે : જંગલમાં ગાંધીમાર્ગે કરેલી ક્રાંતિના પ્રણેતા

ડો. રવિન્દ્ર અને સ્મિતા કોલ્હે : જંગલમાં ગાંધીમાર્ગે કરેલી ક્રાંતિના પ્રણેતા

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): હાલમાં ‘બિઇંગ ધ ચેન્જ : ઇન ધ ફૂટસ્ટેપ્સ ઓફ ધ મહાત્મા’ નામે પુસ્તક પ્રકાશિત થયું છે. નામ પરથી ખ્યાલ આવી શકે કે પુસ્તક ગાંધી માર્ગે ચાલીને સમાજમાં પરિવર્તન લાવનારા પર છે. પુસ્તક લખનારાં આશુતોષ સલિલ અને બરખા માથુર છે અને તેમાં મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના સાત ગાંધીમાર્ગે જીવતાં વ્યક્તિઓના જીવન વિશે આલેખન કરવામાં આવ્યું છે. આશુતોષ સરકારી અધિકારી છે અને બરખા માથુર પત્રકાર. સામાન્ય સંજોગોમાં સરકારી અધિકારી અને પત્રકાર મળીને આવું લેખનકાર્ય કરે તેમ જોવા મળતું નથી, પરંતુ અહીં એ સંજોગ સર્જાયો છે. આ વિશે આશુતોષે લખ્યું છે કે અહીંના વિસ્તારમાં કામ કરતી વેળાએ તેમની નજરમાં સમાજ માટે કાર્ય કરનારાં અનેક વ્યક્તિઓ આવ્યા. પણ અંતે તેમણે એક ફાઇનલ યાદી બનાવી. જેમાં પહેલું નામ બંદુ ધોત્રેનું છે, તેઓ ચંદ્રપુરમાં ‘ગ્રીન વોરીઅર’ના નામે ઓળખાય છે. બીજા નામમાં રવિન્દ્ર અને સ્મિતા કોલ્હે દંપત્તી છે. આ પછી પણ અહીં સમાજકાર્ય કરનારાં દિંગત અને અનાઘા છે. અનિકેત-સમિક્શા, સતિશ અને શુબધા, આશિષ-કવિતા સાતવ અને માર્ટિન ભોંસલે છે. આ બધાએ પોતપોતાની રીતે આ વિસ્તારમાં ક્રાંતિ કરીને લોકોનું જીવન સરળ બનાવ્યું છે અને તેમને જાગ્રત કર્યા છે. વિદર્ભમાં આ કાર્ય કરવાનો અવકાશ એ માટે પણ ખૂબ રહ્યો કારણ કે અહીંના ખેડૂતોના આત્મહત્યાના કિસ્સા વર્ષો સુધી ચર્ચામાં રહ્યા છે. આ ઉપરાંત પણ આ વિસ્તાર દુકાળગ્રસ્ત રહ્યો છે. ગરીબી અહીં સવિશેષ રહી છે તેથી અનેક સમાજસેવકોએ અહીં જઈને પોતાનું સેવાકાર્ય આરંભ્યું અને આજે ત્યાંની થોડીઘણી શિકલ બદલી શક્યા છે.

પુસ્તકની જેમ દરેકના જીવન પર વાત કરવાનું અહીં શક્ય નથી, તેથી અહીંયા તેમાંથી એક દંપત્તીનો પરિચય કરાવ્યો છે. આ દંપત્તી છે રવિન્દ્ર અને સ્મિતા કોલ્હે. આ દંપત્તી મહારાષ્ટ્રના અમરાવતી મેલઘાટ નામના જંગલ વિસ્તારમાં કામ કરે છે. અહીં આવેલા બૈરગઢ ગામમાં તેમનો બેઝ છે. આ બંને અહીં ચાર દાયકાથી કાર્ય કરે છે. રવિન્દ્ર પોતે ડોક્ટર છે અને તેમના પત્ની સ્મિતા પણ હોમિયોપેથીના ડોક્ટર છે. રવિન્દ્ર 1985માં ડોક્ટર બન્યા અને તે પછી તેમણે એમડીનો અભ્યાસ કર્યો. સ્વાભાવિક છે કે જ્યારે રવિન્દ્ર ડોક્ટર બન્યા ત્યારે શેગાંવ રહેતો તેમનો પરિવાર તેમની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો હતો. રવિન્દ્ર પરિવારમાંથી પ્રથમ ડોક્ટર છે. પરંતુ રવિન્દ્ર અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોતાના ગામે નહીં પણ અમરાવતીમાં આવેલાં મેલઘાટ ગયા. અહીંના આદિવાસી વિસ્તારમાં જ પછી તેમણે ક્લિનિક શરૂ કર્યું અને હવે ત્યાંના જ બનીને રહ્યાં છે. ડો. રવિન્દ્રને આ પ્રેરણા ગાંધીજી અને વિનોબા ભાવેના લખાણથી મળી હતી. ડોક્ટરીના અભ્યાસ દરમિયાન જ તેમણે નિર્ધાર કરી લીધો હતો કે તેઓ તેમની વિદ્યા કમાણી અર્થે ઉપયોગમાં નહીં લે, પરંતુ જરૂરિયાતમંદોના મદદ માટે તે કાર્ય કરશે. ઘણીવાર આ રીતે કાર્ય કરવાનો હરખ અનેકને થાય છે પણ વાસ્તવિકતા જોતાં તે પર ડગ માંડવાનું માંડી વાળે છે. પરંતુ રવિન્દ્રના કિસ્સામાં એમ ન થયું, પણ તેમનેય પ્રશ્ન તો હતાં જ કે તેઓ પોતાની આ સફરની શરૂઆત ક્યાંથી કરે? આ પ્રશ્નનો ઉત્તર તેમને ડેવિડ વેરનર નામના લેખકના પુસ્તક ‘વેઅર ધેઅર ઇઝ નો ડોક્ટર’ પરથી મળ્યો. આ રીતે તેમણે પોતાની નજર કરી જ્યાં આવી કોઈ સ્વાસ્થ્યની સુવિધા ન હોય અને તે નજર ઠરી મેલઘાટના એક ગામ પર.

- Advertisement -

વિપરીત સ્થિતિમાં સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવી વધુ પડકારભર્યું છે કારણ કે આવી જગ્યાએ સ્વાસ્થ માટે જરૂરી સગવડ ઊભી કરવાનું કાર્ય વધુ મુશ્કેલ હોય છે. રવિન્દ્ર માટે પણ એ જ સ્થિતિ હતી. પરંતુ ડો. રવિન્દ્રના પ્રોફેસર રહી ચૂકેલાં ડો. જાજુએ તેમને આવાં અંતરિયાળ વિસ્તારમાં કાર્ય કરવા માટે ત્રણ સૂચન કર્યા હતા. પહેલું કે કોઈ પણ સુવિધા વિના પ્રસૂતિ કરાવવાનું શીખી લેવું. બીજું કે એક્સ-રે વિના નિમોનિયાની તપાસ કરતાં આવડવી જોઈએ અને ત્રીજું કે ડાયરીયા થયાં હોય તેવા બાળ દરદીઓનો ઇલાજ કરતાં શીખી લેવું. રવિન્દ્રને પણ પોતાના પ્રોફેસરના આ સૂચનો માન્ય રાખ્યા અને તેમણે તે માટે મુંબઈમાં છ મહિના સુધી ટ્રેઇનિંગ લીધી અને પછી મેલઘાટનો માર્ગ પકડ્યો.

જોકે જ્યારે તેઓ ગ્રાઉન્ડ પર કાર્ય કરવા લાગ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે અહીંયા જે સ્વાસ્થ્યના પ્રશ્નો છે તે માટે માત્ર એમબીબીએસની ડિગ્રી પર્યાપ્ત નથી, તે માટે વધુ આગળ અભ્યાસ કરવો પડશે. ત્યાર પછી તેઓએ એમડીની ડિગ્રી મેળવી. આ માટે તેમનો વિષય હતો મેલઘાટમાં કુપોષણ. આ વિષયની તે વખતે એટલી ચર્ચા થઈ કે તેની નોંધ બીબીસી રેડિયો સુધ્ધાએ લીધી હતી.

જ્યારે તેઓ મેલઘાટ પાછાં ફર્યા ત્યારે તેઓ હવે એકલા નહોતા, બલકે તેમનાં જીવનસંગિની સ્મિતા પણ તેમની સાથે આ સેવાકાર્યમાં જોડાયાં. તેમણે સ્મિતા સામે ચાર શરતો મૂકી હતી, આ પહેલાં અગાઉ અનેક યુવતિઓએ ડો. રવિન્દ્રની લગ્નની શરતો જાણીને તેમના પ્રસ્તાવને ઠુકરાવ્યો હતો. પરંતુ સ્મિતા તે માટે તૈયારી દર્શાવી. આ ચાર શરતો આકરી લાગે એવી હતી. જેમ કે, એક હતી રોજ ઓછામાં ઓછું 40 કિલોમીટર ચાલવું, બીજું કે લગ્ન સાદગીથી કોર્ટમાં કરવાં જેની તે વેળાએ ફી માત્ર પાંચ રૂપિયા હતી. ત્રીજી શરત 400 રૂપિયા મહિનામાં ઘર ચલાવવુ અને સેવાકાર્ય અર્થે કોઈને પાસે કશુંય માંગવું પડે તો ખચકાવું નહીં.

- Advertisement -

આવાં કામોમાં ક્ષણેક્ષણે પરીક્ષા થાય છે અને તે પરીક્ષામાં ખરા ઉતરો તો જ જેમની સેવા કરવા ગયા હોય તેમની વચ્ચે વિશ્વાસ જન્મે. રવિન્દ્ર અને સ્મિતા સાથે પણ એવું જ થયું, જ્યારે સ્મિતા ગર્ભવતી અને છેલ્લે પ્રસૂતિની વેળા આવી ત્યારે પ્રસૂતિ કરવાનું રવિન્દ્રએ જ સ્વીકાર્યું. જેમ ગામના અન્ય બાળકો જન્મે તેમ જ સ્મિતાનું પણ બાળક જન્મે તેવી તેમની ઇચ્છા હતી. પણ આ ઇચ્છા પરીપૂર્ણ કરવાનો જ્યારે સમય આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે સ્મિતાએ જે બાળકને જન્મ આપ્યો હતો તે ન્યૂમોનિયા સહિત જન્મ સમયની અન્ય કેટલીક બીમારીથી પીડાતો હતો. પહેલાં તો રવિન્દ્ર અને અન્ય લોકોના સલાહથી એવું નક્કી કરવામાં આવ્યું કે પાસે આવેલાં અકોલા શહેરમાં કોઈ ડોક્ટરના ત્યાં જઈને બાળકની સારવાર કરાવવી. પરંતુ આ વાતને સ્મિતાએ જ નકારી દીધી, તેણે અહીંના અન્ય બાળકોની જેમ પોતાના બાળકને સારવાર આપી. આશ્ચર્યની વચ્ચે બાળકની તબિયત સુધરી અને ગામના લોકોને પણ લાગ્યું કે આ દંપત્તી ખરેખર અમારાં સહૃદયી છે, જેઓ પોતાના પર આવેલાં જોખમમાં સુધ્ધા ડગ્યા નહીં.

પછી તો તેમની સફર આગળ વધતી ગઈ અને આજે તેઓ આ ક્ષેત્રના પ્રશ્નો વિશે મુખર થઈને બોલી શકે છે. તેમનું માનવું છે કે અહીંયા જે કંઈ પણ પડકાર છે તેનું મુખ્ય કારણ ગરીબી છે. લોકો પાસે ઠંડીમાં બચવા માટે પૂરતા કપડાં નથી. વરસાદ સિવાયના સમયમાં કામ નથી હોતું. આ માટે તેઓએ જાતે જ ખેતી શરૂ કરી અને ઓછા પાણીએ કેવી રીતે ખેતી થાય તે માટેના પ્રયોગો કર્યા. યુવાનોને ખેતી કરવા પ્રેર્યા અને આજે ત્યાંની સ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. પૂરા મહારાષ્ટ્રમાં સોયાબિનની ખેતી થતી નથી, પરંતુ મેલઘાટમાં તે પ્રયોગ ડો. રાજેન્દ્ર-સ્મિતાના પ્રયાસથી થયાં અને તે સફળ પણ છે. આ ઉપરાંત, કેટલીક સરકારી યોજનાને પણ તેઓએ લાગુ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત તેમણે ગ્રામવાસીઓને એ વિશ્વાસ અપાવ્યો કે તમામ માટે અનાજ ઉપલબ્ધ છે. આ રીતે તેમણે પૂરા મેલઘાટને આત્મહત્યાથી મુક્ત ક્ષેત્ર બનાવ્યું છે.

આજે તેમના જ પ્રયત્નોથી આ વિસ્તારમાં વીજળી પહોંચી છે, માર્ગ બન્યા છે અને અન્ય સ્વાસ્થય્ સુવિધા નિર્માણ કરી શકાઈ છે. તેમના નાનાં દિકરા રામ પણ તેમના પિતાના માર્ગે જ ડોક્ટરી કરી રહ્યા છે અને અહીંયા જ પિતાના વારસો સંભાળવા ઉત્સુક છે. ડો.રવિન્દ્ર-સ્મિતાને 2019માં પદ્મશ્રી સન્માન મળી ચૂક્યું છે અને તેઓ કૌન બનેગા કરોડપતિના કર્મવીર વિશેષ કાર્યક્રમમાં પણ આવી ચૂક્યા છે. આ રીતે દાયકાઓ સુધી ધીરજથી કાર્ય કરનારાં જેટલાં પણ કર્મવીર દેશને મળશે, તેનાથી જ આંતરિયાળ વિસ્તારની સ્થિતિ સુધરશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular