ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો પરિવારજનો બે દિવસ રડી ફરી કામે ચઢી જાય છે.મૃત્યુ પામનાર પરિવારજનની કોઈ રાહ જોતુ નથી, મૃત્યુ કરતા પણ પીડાદાયક સ્થિતિ હોય તો પરિવારના કોઈ સભ્ય ગુમ થવાની ઘટના છે, આવી બે ઘટનાઓ જુનાગઢ શહેરમાં ઘટી હતી, પરંતુ એક રીક્ષા ચાલકની સુઝ અને પોલીસની મદદના કારણે આ બાળકો પોતાના પરિવારને પાછા મળ્યા હતા. ઘણી વખત સામાન્ય માણસની સુઝ ખુબ અગત્યની સાબીત થતી હોય છે, જુનાગઢમાં રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા આરીફભાઈની સમજદારીએ કઈક એવુ જ કામ કર્યુ
આરીફભાઈ રોજ પ્રમાણે રીક્ષા લઈ ધંધો કરવા નિકળ્યા એક યુવાને આરીફભાઈને પુછયુ ભવનાથ આવવુ છે, ભાડુ મળતુ હોય આરીફભાઈને જવામાં કોઈ વાંધો ન્હોતો, તેમણે આશરે 18 વર્ષના યુવાનને રીક્ષામાં બેસાડી દીધો , રીક્ષામાં રહેલો યુવાન ગુમસુમ હતો, પણ તેની આંખો કહી રહી હતી કે તે આ શહેરમાં પહેલી વખત આવ્યો છે, જો કે રીક્ષામાં રહેલો મુસાફર કોણ છે અને કયાં શુ કામ જઈ રહ્યો છે તે આરીફભાઈનો વિષય ન્હોતો, પણ વર્ષોથી જુનાગઢના રસ્તા ઉપર રીક્ષાઓ દોડાવી રહેલા એક રીક્ષા ડ્રાઈવરની પારખુ આંખ આ બધુ અજાણપણે નોંધી રહી હતી.
ભવનાથ આવતા રીક્ષા ઉભી રહી, યુવાન રીક્ષામાંથી બહાર આવ્યો, આરીફભાઈએ ભાડા માટે તેની સામે જોયુ, પણ યુવાનના ચહેરા ઉપર મુંઝવણ હતી,યુવાને દયામણા ચહેરે કહ્યુ મારી પાસે પૈસા નથી, ખીસ્સામાં હાથ નાખી તેણે મોબાઈલ ફોન કાઢયો અને કહ્યુ આ રાખી લો, આરીફભાઈ વિચાર કરવા લાગ્યા, તેને પગથી માથા સુધી જોતા ખ્યાલ આવ્યો કે આ મુફલીસ પણ નથી અને ચોર પણ નથી પણ કઈક વખાનો માર્યો છે,ધંધાનો ટાઈમ હતો, આરીફભાઈ પાસે બે જ રસ્તા હતા અને ભાડા માટે યુવાન સાથે ઝઘડો કરે અથવા તે મોબાઈલ ફોન આપી રહ્યો હતો તે ભાડાના બદલામાં લઈ કીક મારે, પણ આરીફભાઈને સમજાયુ કે આ નાનકડો યુવાન કોઈક મુશ્કેલીમાં છે તે પોતાની પીડા કહી શકતો નથી, એક ક્ષણ વિચાર કર્યા પછી તેમણે યુવાનને કહ્યુ ચલ રીક્ષામાં બેસી જા ભાડુ નથી,ચીંતા કરતો નહીં.
આરીફભાઈ રીક્ષા ફરી રસ્તા ઉપર દોડવા લાગી,જો કે રીક્ષાની ગતી કરતા આરીફભાઈના વિચારો વધારે ગતીએ દોડી રહ્યા હતા, યુવાનને ખબર ન્હોતી કે રીક્ષા ડ્રાઈવર કયાં લઈ જાય છે, અચાનક રીક્ષાની બ્રેક વાગી, રીક્ષા જુનાગઢની મજેવડી પોલીસ ચોકી બહાર ઉભી રહી, આરીફભાઈ યુવાનને લઈ પોલીસ ચોકીમાં દાખલ થયા તેમણે ચોકી પીએસઆઈ કૃણાલ પટેલને આખી સ્થિતિથી વાકેફ કરતા કહ્યુ સાહેબ ભાડા માટે કોઈ તકરાર નથી,ઉપરવાળો દેશે, પણ મને લાગે છે કે આ કોઈ સારો ઘરનો છોકરો છે અને મુશ્કેલીમાં છે. જયારે એક રીક્ષાવાળો આટલી સમજદારી દાખવતો હોય તો ત્યારે પોલીસે તેના કરતા વધારે કામ કરવાનું હતું.
જુનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા પાસે માણસાઈની તાલીમ લઈ ચુકેલા પીએસઆઈ કૃણાલ પટેલે આરીફભાઈની વાત સમજતા સમય લાગ્યો નહીં, અચાનક પોલીસ જોઈ યુવાન ડરી ગયો હતો પણ ચોકીના સ્ટાફે યુવાન સાથે જુની ટેવ પ્રમાણે કડકાઈ કરવાને બદલે પહેલા તેને જમાડયો, અને પછી તેને પુછતાં શરૂઆતમાં તો તે પોતાનું નામ કહેવા પણ તૈયાર ન્હોતો, પણ પ્રેમપુર્વક વાત કરતા તેનું નામ દિગપાલસિંહ ઝાલા હોવાનું જણાવ્યુ હતું અને હળવદ તાલુકાના માથક ગામનો વતની હતો, પોલીસે દિગપાલ પાસે રહેલા ફોન વડે તેના પરિવારનો સંપર્ક કરતા પરિવારે જાણ કરી કે તે 12માં ધોરણમાં નાપાસ થયો જેના કારણે પિતાએ ઠપકો આપતાતે ઘરેથી નિકળી ગયો હતો અને તેને પરિવાર તેને શોધી રહ્યો હતો.
પોલીસે દિગપાલની પુછપરછ કરતા તેણે જાણકારી આપી હતી કે પરિક્ષામાં નાપાસ થવાને કારણે પિતાએ ઠપકો આપતા તેણે સાધુ થવાનો નિર્ણય કર્યો અને એટલે જ જુનાગઢના ભવનાથમાં સાધુ થવા આવ્યો હતો, પોલીસે જુનાગઢના સ્થાનિક ક્ષત્રિય આગેવાન જીતેન્દ્રસિંહ રાયજાદા અને અને શૈલેન્દ્રસિંહને પોલીસ સ્ટેશન બોલાવી દિગપાલને પોતાના પરિવાર પાસે પાછો મોકલવાની વ્યવસ્થા કરી હતી.
આવી જ બીજી ઘટના જુનાગઢમાં ઘટી હતી, માર્કેટયાર્ડમાં મજુરી કામ કરતા રાજુ ઠાકુર પોલીસ સ્ટેશન આવ્યા, તેમની આંખોમાં આંસુ હતા, તેમણે આવી પોલીસ ઈન્સપેકટર આર જી ચૌધરીને કહ્યુ સાહેબ મારો દિકરી અક્ષિતા અને દિકરો અક્ષિત, જોડીયા છે , બાર વર્ષના છે, સવારથી તેઓ કયાંક જતા રહ્યા છે, બાળકોનો મામલો હતો, કોઈ મોટી વ્યકિત જયારે ઘર છોડી નિકળી ત્યારે ઘરેથી જનાર ઈચ્છે તો પાછા ફરે છે, પણ બાળકોના મામલે તેવુ થતુ નથી, આપણા ગુજરાતમાં હજારો બાળકો દર વર્ષે ગુમ થાય અને ત્યાર બાદ કોઈ ખોટી વ્યકિતના હાથમાં જતા રહેતા તેઓ કયારેય પાછા ફરતા નથી, મામલો સંગીન હતો, ઈન્સપેકટર ચૌધરીએ પીએસઆઈ વી જે ચાવડાને બોલાવ્યો અને આખો મામલો ગંભીરતાથી સમજાવી બાળકોને શોધી લાવવાનું ટાસ્ક સોંપ્યુ
પીએસઆઈ ચાવડાએ રાજુ ઠાકોરની પુછપરછ કરી તો જાણકારી મળી કે રાજુના લગ્ન પંદર વર્ષ પહેલા અમદાવાદની સલમા સાથે થયા હતા જેના પરિણામ સ્વરૂપ જોડીયા દિકરો અને દિકરી જન્મયા હતા, પણ પછી સલમાનું એક અકસ્માતમાં મોત નિપજયુ એટલે રાજુ બંન્ને બાળકોને લઈ જુનાગઢ આવ્યો, ઘરમાં કોઈ સ્ત્રી સભ્ય ન્હોતી, તેણે જાતે બાળકો ઉછેરવાની શરૂઆત કરી, ગુજરાન ચલાવવા માટે તે માકેર્ટવાર્ડમાં મજુરી કરતો હતો,જો કે માતા વગરના બાળકોનો ઉછેર અઘરો હતો એટલે બાળકોને એક આશ્રમમાં મુકયા હતા, પરંતુ કોવીડને કારણે આશ્રમમાંથી ફોન આવ્યો કે હમણાં બાળકો લઈ જાવ એટલે થોડા મહિનાથી અક્ષિતા અને અક્ષિત પિતા પાસે જ હતા.
રાજુ મજુરી કરી જે પૈસા લાવતો તેમાંથી ગુજરાન ચાલતુ હતું પણ તેણે બચત સ્વરૂપે ઘરમાં રાખેલા પૈસા બાળકોએ વાપરી નાખતા રાજુએ બાળકોને ઠપકો આપ્યો હતો, જેના કારણે બાળકો જતા રહ્યા હતા, જો કે એક નવી જાણકારી એવી મળી કે અક્ષિતા અને અક્ષિતને ઘરની બહાર રહેતુ એક ગલુડીયુ ખુબ પ્રિય હતું તેઓ ગયા ત્યારે તેમની સાથે ગલુડીયુ પણ હતું, હવે પોલીસે બાળકોની સાથે એક ગલુડીયુ પણ શોધવાનું હતું હવે જુનાગઢ એ ડીવીઝનની પોલીસ કામે લાગી, બાળકો જુનાગઢની ભુગોળથી કેટલાં વાકેફ છે તેની પણ જાણકારી મેળવી હતી,જેમાં અક્ષિત એક વખત બીમાર થતાં તેને જુનાગઢ સિવિલમાં દાખલ કરેલો તેવી માહિતી પણ મળી હતી,રેલવે સ્ટેશન,બસ સ્ટેન્ડ સહિત વિવિધ સ્થળે પોલીસ તપાસ કરી રહી હતી ત્રીજા દિવસે પોલીસ જુુનાગઢ સિવિલમાં પહોંચી તો બંન્ને બાળકો પોલીસને મળી ગયા હતા.
પિતા ગુસ્સે થતાં બાળકોએ ઘર તો છોડયુ પણ કયાં જવુ તેની ખબર નહોતી, પણ અક્ષિત હોસ્પિટલમાં હતો ત્યારે હોસ્પિટલમાં મફત જમવાનું મળે છે તેવી ખબર હોવાને કારણે તેઓ હોસ્પિટલ આવ્યા હતા અને ત્રણ દિવસથી તેઓ હોસ્પિટલમાં જ હતા અને ત્યાં જમી લેતા અને ત્યાં જ સુઈ જતા હતા, પોલીસે જયારે રાજુને પોલીસ સ્ટેશન બોલવી તેના બાળકો સોંપ્યો ત્યારે તેની આંખમાંથી વહેતા આંસુ રોકાવવાનું નામ લેતા નથી, આ બંન્ને ઘટના ભલે સામાન્ય લાગતી હોય પણ એક પોલીસ અધિકારી માટે કોઈ મોટા ગુનેગારને પકડયા બાદ જેટલો સંતોષ થાય તેના કરતા અનેક ગણો વધારે આત્મ સંતોષ હતો, કારણ ખાખીની પાછળ પણ એક માણસ જીવતો હોય છે.