કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ‘71 મંત્રીઓના પ્રવાસની વિસ્તૃત વિગત અને તે પણ આધાર સાથે મળી; ત્યારે ઘણાંને શંકા થઈ અને કેટલાંક ગુસ્સાથી ઉત્તર વાળનારા હતા. આ વિગતોમાં કેટલાંકની સુધારાની માંગણી હતી, જે કરવા માટે અમે બંધાયેલા હતા. સદનસીબે, આ સંખ્યા જૂજ હતી. તેમાંથી તત્કાલિન રાજ્ય કક્ષાના એક મંત્રી ચંદ્રશેખર સાહુનો અમને ફોન આવ્યો – તેમનું કહેવું હતું કે તેમના પ્રવાસના ખર્ચની ખોટી દર્શાવવામાં આવી છે. પરંતુ જ્યારે અમે તેમને વિગતો સમજાવી, કેટલાંક ખરાં દસ્તાવેજ સાથે પૂરતા પુરાવા આપ્યા, ત્યારે તેમણે સ્વીકાર કર્યો. આ માહિતી અંગે જયરામ રમેશે પણ પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે ગ્રૂપ એડિટોરીઅલ ડિરેક્ટર પ્રભુ ચાવલાને ફોન કર્યો. અને તેમણે જ્યારે મને આ વિગતો પુરવાર કરવાનું જણાવ્યું તો અમે ‘પીએમઓ’ તરફથી જે વિગત મેળવી હતી – તે તેમને દર્શાવી. તે પછી તેમણે આ વાત જાહેર ન કરી. આ હકીકત હતી, પુરતી માહિતી હતી, અને દસ્તાવેજોય હતા. આ બધા દસ્તાવેજોને ખરાઈ કરીને લેવામાં આવ્યા હતા. તેથી આ અંગે કોઈ પણ પ્રત્યુત્તર વાળવાની શક્યતા ઓછી હતી. પત્રકાર માટે ‘રાઈટ ટુ ઇન્ફોર્મેશન’ આ રીતે ખૂબ કામનો કાયદો બને છે.
સ્વાભાવિક છે કે આ સ્ટોરીની અસર વ્યાપક થઈ હતી. 4 જૂન 2008ના રોજ વડા પ્રધાન મનમોહન સિંહે એક પત્ર મંત્રીઓને લખ્યો, જેમાં ‘હવાઈ સફર પર કાપ મૂકવાની વાત હતી, વિશેષ કરીને વિદેશ પ્રવાસો પર –જરૂરી હોય તે અપવાદોને બાદ કરતા’ અને આ મુદ્દા અંગે તેમણે પોતાના મંત્રીઓની સહાય માગી હતી. આ સ્ટોરીમાં જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તે સંબંધિત આ પત્ર આધાર માટે પૂરતો હતો. ‘આરટીઆઈ’ની સંબંધિત ઉપર વર્ણવેલી આ વિગતોનો સંદર્ભ ‘જર્નાલિઝમ થ્રૂ આરટીઆઈ’ પુસ્તકમાંથી લીધો છે. આ પુસ્તક લખનારા શ્યામલાલ યાદવ છે. સ્વાભાવિક છે કે ગુજરાતી વાચકોને શ્યામલાલ યાદવ નામ અજાણ્યું લાગે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ‘આરટીઆઈ’ અંતર્ગત માહિતી મેળવવામાં અને તે માહિતીના આધારે અખબારોમાં સ્ટોરી કરવા અંગે શ્યામલાલ યાદવ સન્માનિત પત્રકાર છે. તેમને બે વાર પત્રકારત્વ ક્ષેત્રોનું પ્રતિષ્ઠિત સન્માન ‘રામનાથ ગોએન્કા એવોર્ડ ફોર એક્સલેન્સ ઇન જર્નાલિઝમ’ મળ્યો છે. આ ઉપરાંત, પણ ‘ડેવલોપિંગ એશિયા જર્નાલિઝમ એવોર્ડ’, ‘નેશનલ આરટીઆઈ એવોર્ડ’, ‘ધ સ્ટેટ્સમેન રુરલ રિપોર્ટિંગ’નું સન્માન તેમને મળ્યું છે. મંત્રીઓના વિદેશ પ્રવાસને અંગે શ્યામલાલ યાદવે જે સ્ટોરી કરી હતી અને તેની અસર થઈ. પરિણામે તેની ફોલો-અપ સ્ટોરીઝ પણ ઘણી થઈ. અને તેથી ‘પીએમઓ’, કેબિનેટ સેક્રેટરીએટ અને અન્ય મંત્રીઓને સમયાંતરે ‘આરટીઆઈ’ની અરજી મળતી રહેતી હતી. કેબિનેટ અફેર્સનું પે એન્ડ એકાઉન્ટ વિભાગ પાસે જ્યારે મંત્રીઓના વિદેશ પ્રવાસ વિશે માહિતી માંગવામાં આવી ત્યારે આ વિભાગે માહિતી આપી કે, 2007-08માં કેન્દ્રીય મંત્રીઓ દ્વારા થયેલાં વિદેશ પ્રવાસનો ખર્ચ 122 કરોડ સુધી પહોંચ્યો હતો. ખર્ચનો આ આંકડો પછીના વર્ષોમાં 20 કરોડ રહ્યો હતો. 2006-07માં કેન્દ્રીય મંત્રીઓના વિદેશ પ્રવાસનો ખર્ચ પંદર કરોડની આસપાસ હતો. 2007-08ના વર્ષમાં મંત્રીઓના વિદેશ પ્રવાસનો દેશને ખૂબ મોટો ખર્ચ આવ્યો હતો. આ સ્ટોરીની ધારી ઇમ્પેક્ટ થઈ હતી. આ બાબતે સરકાર કઠોર રીતે વર્તે તો પ્રજાના સો કરોડ રૂપિયાનો બચત થતી હતી.
‘જર્નાલિઝમ થ્રૂ આરટીઆઈ’ પુસ્તક હાલમાં આવ્યું છે અને તેનો જે હિસ્સો ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયો છે તેમાં ‘યુપીએ’ સરકારમાં કરવામાં આવેલી ‘આરટીઆઈ’ની વિગત છે. આજે જો વિદેશ પ્રવાસને લઈને મંત્રી અને વડા પ્રધાનની ‘આરટીઆઈ’ થાય તો તેના ખર્ચનો આંકડો આશ્ચર્ય થાય એટલો આવે. ‘આરટીઆઈ’માં વિદેશ પ્રવાસ સંબંધિત અન્ય વિગતો કેવી રીતે પ્રકાશમાં લાવી તેની રજૂઆત લેખક આ રીતે કરે છે : મંત્રીઓના વિદેશ પ્રવાસને લઈને ચાંપતી નજર રાખ્યા બાદ – એર ઇન્ડિયામાં એક ‘આરટીઆઈ’ કરવામાં આવી. તેનો વિષય હતો કે ‘યુપીએ’ની પ્રથમ સરકાર દરમિયાન જે મંત્રીયો સમયાંતરે વિદેશ પ્રવાસ કરતા તેમના ‘માઇલેજ પોઇન્ટ’ જાણવાનો હતો. મતલબ જેટલા માઇલેજ પોઇન્ટ વધુ આવે ત્યારે તેના વળતરરૂપે વિમાન કંપની ભાડાં ઘટાડવા જેવા લાભ આપે. શ્યામલાલ યાદવને એ જાણવાની જિજ્ઞાસા હતી કે પોતાના સત્તાવાર પ્રવાસ દરમિયાન મળતા માઇલેજ પોઇન્ટનો તેઓ ક્યાં ઉપયોગ કરે છે. માઇલેજ પોઇન્ટ ઘણી વાર પોતાના વ્યક્તિગત પ્રવાસ, સંબંધીઓ કે મિત્રો માટે ખર્ચ કરવામાં આવતો. અમે એક જ અઠવાડિયામાં આ વિશે એક ‘આરટીઆઈ’ ફાઇલ કરી. આ અંગેનો જવાબ અમને ‘ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ’ એરપોર્ટના ડેપ્યૂટી જનરલ મેનેજર ભરત ચતુર્વેદી પાસેથી મળ્યો. તેમણે કહ્યું કે, અમે તમારી અરજી વડા મથકે મોકલી આપીએ છીએ. શ્યામલાલ યાદવે એક મહિનો વાટ જોઈ. ચતુર્વેદીને ફરી એક વાર યાદ દેવડાવ્યું અને તેમણે તુરંત જવાબ વાળ્યો કે, ‘આ વિસ્તૃત માહિતીનો જે પ્રકાર છે તે પ્રમાણે તેની માહિતી મેળવતા વાર લાગશે- જે એકાદ બે અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે. અને તે મુજબ 20 માર્ચ 2008 અગાઉ અમે સંભવત્ તમને માહિતી પહોંચતી કરીશું.’ તે પછી નિર્ધારીત તારીખે ડેપ્યૂટી જનરલ મેનેજરનો જવાબ આવ્યો. તેમાં તેઓ કહે છે : ‘તમે જે માહિતીની માંગણી કરી છે તે વ્યાવસાયિક ગુપ્તતા અંતર્ગત આવે છે, તેને જાહેર કરવાથી પ્રવાસીના હરિફાઈના હિતને નુકસાન જવાની શક્યતા છે. ‘આરટીઆઈ એક્ટ’ હેઠળ 80(1)(d) અંતર્ગત આ માહિતી જાહેર કરવાને લઈને આ મુદ્દાને મુક્તિ છે. બીજુ કે અમારી પાસે જે માહિતી છે તે વિશ્વાસને આધીન લેવામાં આવી છે. અને આ માહિતી જાહેર કરવામાં અમે વ્યાપક જનહિત જોતા નથી.’ જ્યારે શ્યામલાલ યાદવે ડેપ્યૂટી જનરલ મેનેજરને માહિતી ન આપવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તમામ દસ્તાવેજ સાથે હું તમને કુરીયર કરવાની તૈયારી કરતો હતો. પરંતુ એક ઉપરી અધિકારી આવીને આવું ન કરવા સૂચવ્યું. એટલે પ્રજા હિતની મહત્ત્વની વિગત ન આપવા અને તેને ગુપ્તતા અંતર્ગત રાખવામાં આવી છે. આ એ જ સરકાર હતી જેના શાસન દરમિયાન જ ‘આરટીઆઈ એક્ટ’ ઘડવામાં આવ્યો હતો. તે જ દિવસે એર ઇન્ડિયાના કોમ્યુનિકેશન એક્ઝ્યુકેટિવ ડિરેક્ટર જિતેન્દ્ર ભાર્ગવને અરજી કરવામાં આવી. તેમણે પોતાના અધિકારીની તરફેણ કરતા કહ્યું કે, ‘હું તે બાબતનો સ્વીકાર કરું છું કે તમે માંગેલી વિગત લોકો માટે નિસબત ધરાવે છે, પરંતુ તેનું એક અન્ય પાસું છે તે એર ઇન્ડિયાનું વ્યાવસાયિક હિત છે. જો એર ઇન્ડિયા કેન્દ્રિય મંત્રીઓના માઇલેજ પોઇન્ટની વાત જાહેરમાં જણાવે છે તો તેનાથી એરલાઇન્સને નુકસાન થશે. તેનાથી સામાન્ય રીતે સરકારી અધિકારી જેઓ એર ઇન્ડિયા દ્વારા પ્રવાસ ખેડે છે તેઓ પ્રાઇવેટ એરલાઇન્સને પ્રાધાન્ય આપશે.’
આ રીતે શ્યામલાલ યાદવ માહિતી મેળવવાની તજવીજમાં છેક ઇન્ફોર્મેશન કમિશ્નર સુધી પહોંચ્યા. તત્કાલિન માહિતી કમિશ્નર પ્રો. એમ.એમ. અન્સારીએ શ્યામલાલને પૂછ્યું કે, ‘તમે આ માહિતીનું શું કરવા માંગો છો?’ શ્યામલાલે ઉત્તર વાળ્યો કે હું પત્રકાર છું અને એક સ્ટોરી માટે આ માહિતી ઇચ્છું છું. આ કેસની સુનાવણી વખતે કમિશ્નરે એમ કહ્યું કે આ માહિતી વ્યક્તિગત છે અને તે વ્યાવસાયિક હિત ધરાવે છે. આ સામે શ્યામલાલે પ્રત્યુત્તર વાળતા કહ્યું કે મંત્રીઓ જાહેર જીવનમાં છે અને તેથી આ માહિતી પણ પ્રજાના હિતમાં છે. એમ કહીને શ્યામલાલે કમિશ્નરની ઓફિસ છોડી દીધી. તે પછી પણ આ માહિતી શ્યામલાલ યાદવને આપવામાં ન આવી. માઇલેજ પોઇન્ટને લઈને શ્યામલાલની દલીલ હતી કે જે પ્રવાસ મંત્રીઓ સરકાર માટે કરે છે, તેનાથી મળતાં માઇલેજ પોઇન્ટનો લાભ તેઓ વ્યક્તિગત આપે છે.
આ ઉપરાંત પણ શ્યામલાલ યાદવે એવી ઘણી વિગતો મેળવી જેમાં મંત્રીઓ સાથે તેમના પરિવારના સભ્યો પણ વિદેશ પ્રવાસે જતાં હોય. આ બધાનો ખર્ચ સરકાર ભોગવતી હતી. એ રીતે શ્યામલાલ યાદવે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મિલકત જાહેર કરવા અંગેનો મુદ્દો પણ ઉપાડ્યો હતો. દેશમાં પોતાની મિલકતો જાહેર કરનારા ન્યાયાધિશોની ટકાવારી માત્ર 13 ટકા હતી. આવા ઘણાં મુદ્દા છે જેમાં શ્યામલાલે વિગત માંગી હોય અને તેનાથી સરકારની પોલ કે ભ્રષ્ટાચાર ખુલ્લા પડ્યા હોય. ‘જર્નાલિઝમ થ્રૂ આરટીઆઈ’ પુસ્તકમાં આ સિવાય પણ અનેક આવી ચોંકાવનારી વિગતો છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796