કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): હિન્દી ફિલ્મોમાં આવતી ચડતીપડતીની કથાવસ્તુની જેમ અત્યારે ભારતની ફિલ્મો પોતાના પડતીના સમયગાળામાં છે. ભારતીય અને વિશેષ કરીને હિન્દી ફિલ્મોનું બજેટ અને માર્કેટ ખોરવાઈ ગયું છે અને તે અંગેની સ્ટોરી ‘બિઝનેસ ટુડે’માં પ્રકાશિત થઈ છે. આ સ્ટોરીમાં અહેવાલ લખનારા ક્રિશ્ના ગોપાલનને અનેક એવી વિગતો મૂકી છે, જેનાથી ખ્યાલ આવે કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે એમાં હિન્દી ફિલ્મ સહિત દક્ષિણ ભારતની પણ તમામ ઇન્ડસ્ટ્રી; જેઓ હાલમાં ફિલ્મના બિઝનેસને લઈને ચિંતિત છે. આવી ચિંતા વ્યક્ત કરનારાઓમાં એક છે પ્રોડ્યુસર ચલુવે ગૌડા. કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું તેઓ ગણમાન્ય નામ છે અને આ બિઝનેસમાં મસમોટું સાહસ કરનારા ચલુવે ગૌડા ‘હોમ્બાળે ફિલ્મ્સ’ નામની કંપનીના સ્થાપકોમાંના એક અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે અત્યાર સુધી ‘KGF: ચૅપ્ટર 1’, ‘કાંતારા’ અને ‘સાલાર’ જેવી ફિલ્મો આપી છે. આવા મસમોટા બજેટવાળી ફિલ્મો આપનારા ચલુવે ગૌડા અત્યારે ફિલ્મોના બજેટને લઈને ચિંતા અનુભવી રહ્યા છે. તેમના મતે, થિયેટર સિવાયની ફિલ્મોની રેવન્યૂમાં ઘટાડો થયો છે; તેની સામે પ્રોડક્શન અને આર્ટિસ્ટ ફીમાં જબરજસ્ત વધારો થયો છે – જેના કારણે ફિલ્મ નિર્માતાઓ સામે વધુ જોખમ ઊભાં થયાં છે. ફિલ્મ-મેકિંગનું પરંપરાગત મૉડલ ધ્વસ્ત થઈ ચૂક્યું છે. તેમના મતે, પ્રોડ્યુસર જેટલું જોખમ લઈ રહ્યા છે તેની સામે તેમને નફાની કોઈ ગેરંટી નથી. 2024માં ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કુલ બિઝનેસ 18,700 કરોડની આસપાસ હતો, જેમાં ઓટીટી, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રિલીઝ, બ્રૉડકાસ્ટ રાઇટ્સ જેવા તમામ બિઝનેસ સમાવિષ્ટ છે.

અભિનેતા-અભિનેત્રીઓએ પોતાની ફી તોતિંગ વધારી દીધી તેનું એક કારણ કોરોનાકાળ હતું, જ્યારે ઓટીટી પ્લૅટફૉર્મની જાયન્ટ કંપનીઓએ અભિનેતા-અભિનેત્રીઓને મોંમાગ્યા દામ આપ્યા. બીજું કે, ફિલ્મ થિયેટરમાં આવે તે પહેલાં જ ડિજિટલ રાઇટ્સ વેચાવા લાગ્યા. આ રીતે ફિલ્મોમાં કામ કરનારા આર્ટિસ્ટોના ભાવ ખૂબ વધ્યા. આ મૉડલથી ફિલ્મોનું કૉસ્ટિંગ વધવા લાગ્યું. હવે કોરોનાકાળ વીતી ચૂક્યો છે, પરંતુ તે વખતે જે રીતે નાણાં ચૂકવાતાં હતાં તેમાં કોઈ ઘટાડો આવ્યો નથી. આર્ટિસ્ટોની ફી જસની તસ રહી. હવે ઓટીટી પ્લૅટફૉર્મ્સે તેમના બજેટમાં ધરખમ ઘટાડો કર્યો છે. ઘણી વખત તો ફિલ્મ થિયેટર રિલીઝમાં સારી કમાણી કરી ચૂકી હોય; તેમ છતાં ઓટીટી પ્લૅટફૉર્મ ફિલ્મને ખરીદવામાં આનાકાની કરે છે અને આ રીતે અનેક ફિલ્મો હાલમાં ઓટીટી પર વેચાતી નથી. ઓટીટી પર ફિલ્મ ન વેચાય અને કૉસ્ટિંગ વધતું રહે – આ રીતે પ્રોડ્યુસર અત્યારે વધુ જોખમ લઈ રહ્યા છે. ફિલ્મોના વધુ ખર્ચનું બિલ આર્ટિસ્ટો પર ફાટતું હોય ત્યારે દેશમાં સૌથી વધુ પૈસા લેનાર સ્ટાર કોણ છે – તે પણ જાણી લેવું જોઈએ. જો તે સ્ટાર દક્ષિણનો છે એમ કહેવામાં આવે તો તેમાં પહેલું નામ કેટલાંક લોકો રજનીકાંતનું લેશે, પરંતુ રજનીકાંત સૌથી વધુ પૈસા લેનાર સ્ટાર નથી. તેમાં પહેલું નામ આવે છે અલ્લુ અર્જુનનું. ‘પુષ્પા-2’ માટે અલ્લુ અર્જુને ફી પેટે 300 કરોડ રૂપિયા લીધા હતા. આ ફિલ્મના પ્રોડક્શનનો ખર્ચ 450 કરોડ સુધી પહોંચ્યો હતો. અર્જુન પછી બીજા ક્રમાંકે સૌથી વધુ સ્ટાર વેલ્યૂ મેળવનાર અભિનેતા વિજય છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિજય 250 કરોડ સુધીની ફી લે છે. આવા સ્ટાર્સની ફી ફિલ્મના પ્રોડક્શન ખર્ચને ત્રણ ગણો વધારે છે. હિન્દી ફિલ્મોમાં ત્રણેય ખાન પ્રૉફિટ-શેરિંગના મૉડલને અનુસરે છે.

ફિલ્મ એક મોંઘું માધ્યમ છે અને તે માધ્યમ જ્યારે કમાણી કરી આપે છે ત્યારે તેનો નફો પણ મોટો હોય છે. પરંતુ હવે તેમાં જોખમ વધુ દેખાવા માંડતાં પ્રોડ્યુસરો તે અંગે ફરિયાદ કરી રહ્યા છે. ફિલ્મના માધ્યમમાં મહત્તમ કમાણી આર્ટિસ્ટ કરી રહ્યા છે તે દોર ફિલ્મ નિર્માણની શરૂઆત થઈ ત્યાર પછી સંભવતઃ પ્રથમવાર આવ્યો છે, જ્યારે નવા-સવા આર્ટિસ્ટોને પણ કામ મળવા લાગ્યું છે અને તેમને વાજબી વળતર મળતું થયું છે. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ બદલાવથી પ્રોડ્યુસરો બૂમાબૂમ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે જોખમ સામે અમારી કોઈ નિર્ધારિત આવક રહી નથી. સામાન્ય રીતે, પ્રોડ્યુસર ફિલ્મના પ્રોજેક્ટમાં ખર્ચ કર્યા પછી થિયેટર, મ્યુઝિક, સેટેલાઇટ અને ડિજિટલ પ્લૅટફૉર્મ પરથી રેવન્યૂ મેળવે છે. જોકે કોરોનાની મહામારી દરમિયાન દર્શકોનો મોટો હિસ્સો મનોરંજન માટે માત્ર ઓટીટી ફિલ્મો પર નિર્ભર હતો. તે દરમિયાન ઓટીટીના માંધાતા ગણાતા ‘નેટફ્લિક્સ’, ‘એમેઝોન પ્રાઇમ’, ‘ડિઝની+હૉટસ્ટાર’ જેવી કંપનીઓ ધરખમ રકમના ચેક લખીને તમામ ભાષામાં કન્ટેન્ટ ખરીદતી હતી, પરંતુ તે રોકાણ સામે તેમને અપેક્ષિત વળતર મળ્યું નહીં.

બીજા કેટલાંક પ્રોડક્શન હાઉસ એવું સ્વીકારે છે કે ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું જોખમ વધ્યું છે, પણ તેઓ દોષનો ટોપલો માત્ર ઍક્ટર્સ પર નથી ઢોળતા. જેમ કે, ‘બાહુબલિ’ ફિલ્મને પ્રોડ્યુસ કરનારા ‘અરકા મીડિયા વર્ક્સ’ના સ્થાપક શોભુ યાર્લાગડ્ડાના મતે, સમગ્રતામાં જોઈએ તો ફિલ્મ પ્રોડક્શનમાં તમામ ખર્ચ વધ્યો છે. તેઓ માને છે કે હવે નિર્માતાઓએ સ્ક્રિપ્ટ અને સારા કન્ટેન્ટને પારખવાની જરૂર છે. તેઓ આ વાતને સમજાવતાં કહે છે કે, “પહેલાં એવું હતું કે તમે સારા ડિરેક્ટર અને સ્ટાર ઍક્ટરને લો એટલે કામ પૂરું થઈ જતું હતું. હવે એવું નથી. જો ફિલ્મ સારી નથી તો કોઈ પણ સ્ટાર તે ફિલ્મને બચાવી શકતો નથી.” આ માટે તેઓ ‘કાંતારા’ અને ‘હનુમાન’ ફિલ્મનું ઉદાહરણ આપે છે, જેમનું બજેટ ઓછું હતું પણ તેમની સફળતા ત્રણસો કરોડને આંબી ગઈ હતી. જોકે, આ સાથે શોભુ યાર્લાગડ્ડા એ પણ ઉમેરે છે કે તેમ છતાં હજુ પણ એવા પ્રોડ્યુસરો છે જેઓ મસમોટું જોખમ ખેડી રહ્યા છે. બે ભાગમાં બની રહેલી નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું બજેટ 1600 કરોડનું કહેવાય છે.

સ્ટારની સામે હવે સ્ટોરી કેવી રીતે આગળ વધી ચૂકી છે – તે વાત જિયો સ્ટુડિયોઝના હેડ આલોક જૈન પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આજનો દર્શક મજબૂત સ્ટોરી અને અસલ કન્ટેન્ટને પ્રાથમિકતા આપે છે. તેઓ એવું પણ કહે છે કે હવે ફિલ્મોમાં વધુ ખર્ચ કરવાની વાતને કોરાણે મૂકીને સાચા માર્ગે કેવી રીતે ખર્ચ થઈ શકે તેને પ્રાથમિકતા આપવી જોઈએ. લાંબા સમય સુધી ટકી રહેવાનો આ જ માર્ગ છે. આ રીતે સૌથી શ્રેષ્ઠ કન્ટેન્ટ મેળવવાની હોડ લાગી છે, પરંતુ અત્યારે તમામ પ્લૅટફૉર્મ તે વિશે પ્રયોગ કરી રહ્યા છે. બીજું કે દર્શકો માત્ર ને માત્ર સ્ટારને મહત્ત્વ નથી આપતા, તે આમિર ખાનના દાખલાથી સારી રીતે સમજી શકાય. આમિર ખાન સ્ટાર તરીકે સારી વેલ્યૂ ધરાવે છે, તેમ છતાં તેની છેલ્લી બંને ફિલ્મો ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ બૉક્સ ઑફિસ પર નિષ્ફળ પુરવાર થઈ હતી, જ્યારે હાલની ‘સિતારે ઝમીન પર’ તેની હટકે સ્ટોરીને કારણે સફળ રહી છે. આ ફિલ્મનું બજેટ 90 કરોડની આસપાસ હતું. પ્રોડ્યુસર તરીકે આમિર ખાને આ ફિલ્મ માટે ફી લીધી નથી. આ લખાય છે ત્યાં સુધી આ ફિલ્મની કમાણીનો આંકડો 160 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે. મતલબ કે હાલમાં ફિલ્મ સિત્તેર કરોડથી વધુના નફામાં ચાલી રહી છે. જોકે, હજુ પણ તેના કોઈ અન્ય રાઇટ્સ વેચવામાં આવ્યા નથી. સામાન્ય રીતે આવી ફિલ્મો પ્રદર્શિત થાય તે અગાઉ ડિજિટલ અને સેટેલાઇટ પ્લૅટફૉર્મ પર વેચાઈ જાય છે, પરંતુ આ કિસ્સામાં આમિર ખાને તેમ કર્યું નથી. એવી એક માન્યતા છે કે આમિર ખાને ડિજિટલ પ્લૅટફૉર્મ પર વેચાણ માટે 120 કરોડની કિંમત મૂકી છે – જે પ્લૅટફૉર્મ્સને પોસાય તેમ નથી.

ફિલ્મોમાં ઘટી રહેલા નફાનું એક કારણ સ્ક્રીનની સંખ્યામાં અપેક્ષિત વધારો ન થવો પણ છે. 2023માં સ્ક્રીનની સંખ્યા 9,742 હતી, જે 2024માં વધીને 9,927 થઈ હતી. જોકે, વસ્તી અને કન્ટેન્ટના પ્રમાણમાં આ વધારો પૂરતો નથી. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ રીતે બધી બાજુથી માર પડી રહ્યો છે. સામાન્ય રીતે એન્ટરટેઇનમેન્ટને આપણે ઇન્ડસ્ટ્રી તરીકે જોતા નથી. આ એક ઇન્ડસ્ટ્રી છે અને તેના પર નભનારા લાખો લોકો માટે અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે. જો આવું જ રહેશે તો પ્રોડ્યુસર પર લટકતી જોખમની તલવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહેલા નાના માણસો પર આવતાં વાર નહીં લાગે.