પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણા દરેકના જીવનના અલગ અલગ તબક્કા છે, જયારે આપણે સ્કૂલ કે કોલેજમાં હોઈએ ત્યારે મોટા ભાગે આપણા માથે કોઈ જવાબદારી હોતી નથી. જિંદગી સરસ વહેતી નદી જેવી પસાર થતી હોય છે. આ દરમિયાનમાં આપણે સહજ રીતે છળ અને કપટથી પોતાને અજાણપણે દુર રાખી શકીએ છીએ, પણ સમયનું ચક્ર બદલાય છે, નોકરી અને ધંધો શરૂ થાય છે, જીવનમાં પત્ની અને બાળકો આવે છે ત્યારે આપણે જીવનના એક એવા વળાંક ઉપર આવી ઉભા રહીએ છીએ કે આગળ કયા રસ્તે જવુ તે આપણો નિર્ણય હોવા છતાં તમારા મોટા ભાગના તમામ નિર્ણય ઉપર તમારી પત્ની અને સંતાનો તેમની છાપ છોડતા હોય છે. પત્ની અને બાળકો જીવનના એક એવા પાત્રો છે કે ઘરનો પુરુષ દુનિયા સામે લડી લે છે પણ જયારે ઘરે આવે છે ત્યારે તે પોતાની પત્ની બાળકો સામે હારવા માગતો નથી. સમય બદલાયો છે, હું જયારે સ્કૂલમાં ભણતો અને મારા માતા પિતા પાસે કોઈ વસ્તુ માગતો ત્યારે તેઓ મને કહેતા પગાર આવે એટલે લાવી આપીશ બેટા, પણ હવે મારા બાળકો સામે મારી આવું કહેવાની હિંમત નથી. જયારે આપણે બાળકો અને પત્ની સામે નથી હારવુ તેવુ નક્કી કરીએ ત્યારે સમાધાનનો તબ્બકો શરૂ થાય છે.
મેં ઘણા સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જોયા છે. તેઓ પોતાના કેરીયરના શરુઆતના પાંચ દસ વર્ષ ખુબ પ્રમાણિક રહ્યા છે અને આવેલી સ્થિતિનો બહાદુરીથી સામનો પણ કર્યો છે, પણ તેમણે ત્યારે જ સમાધાન કર્યુ જયારે તેમના પ્રમાણિક અને બહાદુરીના રસ્તામાં તેમનો પરિવાર તેમની સાથે ન્હોતો. પ્રમાણિક અધિકારીની પત્ની સતત એવા અપ્રમાણિક અધિકારીઓના પરિવારને જોતી અને પોતાની જાતને કમનસીબ માનતી કે તેનો પતિ કઈ કરતો જ નથી. જયારે પેલા અધિકારી અને તેનો પરિવાર કેવી જાહોજલાલીમાં છે. પ્રમાણિક અધિકારી જયારે પણ ઘરે પાછો આવે ત્યારે તેની પત્ની સતત એવા લોકોના ઉદાહરણ આપતી કે જેમની પાસે હવે અપ્રમાણિક રસ્તે આવેલી અમાપ સંપત્તીઓ છે, સુખ સુવિધાઓ છે. જેઓ પ્રમાણિક છે તેઓ પણ આખરે તો પોતાના પરિવારને ખુશ જોવા જ માગે છે ને, પણ પરિવારે જ બીજાનું સુખ જોઈ દુખી થવાનું નકકી કર્યું હોય ત્યારે તેને કોઈ બચાવી શકે?
ગુજરાતના એક આવા જ આઈપીએસ અધિકારી જેઓ પ્રમાણિક અને બદાહુર હતા, તેમના નામના તો લોકો ઉદાહરણો આપતા, પણ તેમની પત્ની અને બાળકોની સતત ફરિયાદ હતી કે તેઓ બીજા જેવા પૈસા કમાતા નથી, પરિવારના ટોણાઓથી કંટાળી આખરે તેમણે બીજા જેવો જ રસ્તો અખત્યાર કર્યો પણ આ અધિકારીનું મન સતત તેમને કોસતુ રહેતું, અંદર પ્રમાણિકતા અને અપ્રમાણિકતા વચ્ચે દ્વંધ ચાલતો ગયો જેના પરિણામ સ્વરૂપ આ અધિકારીને દારૂની લત લાગી ગઈ, દારૂ પણ મફત મળતો હતો. અપ્રમાણિક થવાના ગમને દુર કરવા તે એટલી હદે દારૂ પીવા લાગ્યા કે પચાસી વટાવે તે પહેલા તેમનું નિધન થઈ ગયું. આવા અસંખ્ય ઉદાહરણો છે જેમાં ઉંમરના એક ચોક્સ પડાવે માણસ પોતાનો રસ્તો બદલવાનું નકકી કરે છે. આ બહુ જ વ્યકિતગત બાબત છે, જેમણે રસ્તો બદલ્યો તેમને આરોપીના ક્ઠેરામાં ઉભા કરવાની વાત નથી પણ જે પ્રમાણિક અને બહાદુર છે તેમની પ્રમાણિકતા અને બહાદુરીની જો કદર કરવી હોય તો તેમની પત્ની અને બાળકોની કરવી જોઈએ કારણ કે તેઓના કારણે આ શકય બન્યુ છે.
જેઓ અન્ય કોઈ રસ્તે કમાય છે ત્યારે તેમના ઘરમાં આવેલી સમૃધ્ધીમાં ખુશ થવાને બદલે જો કોઈ સ્ત્રી પોતાના પતિને એવો સવાલ કરે કે તમારો પગાર તો પચાસ હજાર રૂપિયા છે તમે કેવી રીતે દર મહિને આટલી મોંધી વસ્તુઓ લાવી આપો છો? તો કદાચ પુરૂષ અટકી પણ જાય, પણ મોટા ભાગના કિસ્સાઓમાં સ્ત્રીઓ અને બાળકો આવો સવાલ પોતાના પતિ અને પિતાને પુછતા જ નથી. જેઓ બહાદુરીથી કામ કરે છે, અહિયા બહાદુરીનો અર્થ હાથમાં માત્ર બંદુક લઈ ફરવુ તેવો પણ કરતા નથી, પણ જે રસ્તે બધા જ ચાલે છે તેના કરતા જુદા જ રસ્તે ચાલવા માટે પણ બહાદુરીની જરૂર પડે. કારણ કે તમે જયારે સામા પ્રવાહે ચાલો ત્યારે સામેથી આવનાર તમામ તમને દુશ્મન માની બેસે છે. આવી સ્થિતિમાં ઊભા રહેવા માટે બહાદુરીની જરૂર પડે છે. જયારે સામા પ્રવાહે ચાલવાને કારણે જે સ્થિતિ નિર્માણ પામે ત્યારે જો પરિવાર સાથે ના હોય તો પરિવારના સાથ વગર માણસ લાંબો સમય સામા પ્રવાહે ટકી શકતો નથી. મારા વ્યકિતગત જીવનમાં પણ આવી સ્થિતિ અનેક વખત નિર્માણ થઈ છે.
મારા પત્રકારત્વથી નારાજ લોકોએ મારી સામે કેસ કર્યા અને મને જેલમાં મોકલી આપવાની વ્યવસ્થા પણ કરી દીધી. આવી સ્થિતિમાં કાયદાકીય રક્ષણ મેળવવા તત્કાલ ઘર છોડી દેવુ જરૂરી હતું, પણ હું ઘર છોડી ગયો તે બાબત મારા પત્ની અને બાળકોને કયારેય પસંદ આવી નહીં. તેમનો કાયમ આગ્રહ રહેતો કે ઘર છોડવુ તે કાયરતા છે, લખ્યું છે તો જેલમાં પણ જવું જોઈએ. મારી કેરિયરમાં પત્રકારત્વને કારણે એક ડઝન કરતા નાના મોટા પોલીસ કેસ થયા, અનેક યાતનાઓમાંથી મારે અને મારા પરિવારને પસાર થવુ પડયું, પણ પરિવારે તે અંગે કયારેય હરફ ઉચ્ચાર્યો નથી. મને કોઈ દિવસ એવુ કહ્યું નથી કે, બસ બહું થયુ હવે આ ઉધામા બંધ કરો. 2008માં મારી ઉપર રાજદ્રોહની ફરિયાદ થઈ ત્યારે હું થોડો ચિંતિત હતો. કારણ કે મને મારા અનુભવને કારણે સંભવીત જેલવાસ દેખાતો હતો, મેં મારી પત્ની સાથે ચર્ચા કરી મારો દિકરો ત્યારે 12 વર્ષનો હતો તેણે મારી વાત કાપતા કહ્યું જેલમાં જઈ આવો, હવે હું મોટો થઈ ગયો છું. હું મારી જાતને સદ્દનસીબ સમજુ છું કે કદાચ હું આ બાબતમાં બીજાઓ કરતા વધુ ધનવાન છું કે પરોક્ષ રીતે મારી લડાઈમાં તેઓ મારી સાથે હતા. જો તેમનું આવું વલણ રહ્યું ના હોત તો મેં પણ કયારનો રસ્તો બદલી નાખ્યો હોત.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











