જય અમીન (નવજીવન ન્યૂઝ.હિંમતનગર): ગુજરાતમાં લગ્નના બહાને છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગના કિસ્સાઓ વધતા જાય છે. આવો જ એક ચોંકાવનારો કેસ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં સામે આવ્યો છે. મેરેજ બ્યુરોના નામે લગ્ન ઈચ્છુક યુવકોને ફસાવી લાખો રૂપિયા ઉઘરાવતી ગેંગનો હિંમતનગર પોલીસએ પર્દાફાશ કર્યો છે.
આ મામલે હિંમતનગર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગેંગના બે મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે હજુ પાંચ મહિલા આરોપીઓને શોધી કાઢવા કાર્યવાહી ચાલી રહી છે.
મેરેજ બ્યુરોના નામે રચાતો હતો ષડયંત્ર
પોલીસ તપાસ મુજબ હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં રહેતા મનોજભાઈ બાબુલાલ સોની અને તેમની પત્ની કવિતાબેન સોની પોતાના ઘરે ‘દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો’ નામે વ્યવસાય ચલાવતા હતા.
આ મેરેજ બ્યુરો મારફતે લગ્ન ઈચ્છુક યુવકોને સંપર્ક કરવામાં આવતો અને પછી તેમની ઓળખાણ યુવતીઓ સાથે કરાવવામાં આવતી. થોડા દિવસમાં જ લગ્ન કરાવી દેવામાં આવતા અને યુવકો પાસેથી મોટી રકમ લેવામાં આવતી.
ચાર-પાંચ દિવસમાં દુલ્હન ગાયબ
લગ્ન થયા બાદ ચાર-પાંચ દિવસમાં જ યુવતી કોઈ બહાનું બનાવી પતિનું ઘર છોડી ભાગી જતી અથવા તો યુવક અને તેના પરિવારને ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી છૂટાછેડા લેવા દબાણ કરતી હતી.
પછી એ જ યુવતીને અન્ય યુવક સાથે ફરીથી લગ્ન કરાવી ગેંગ ફરીથી લાખો રૂપિયા ઉઘરાવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં
હિંમતનગરના એક યુવક સાથે આવી રીતે છેતરપિંડી થતાં તેણે હિંમતનગર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી ગેંગના ચાર આરોપીઓને ઝડપી લીધા છે.
તપાસ દરમિયાન હજુ સુધી ચાર જેટલા ભોગ બનનાર યુવકો પોલીસ સમક્ષ આવ્યા છે. પોલીસને શંકા છે કે આ ગેંગે હિંમતનગર સહિત અન્ય વિસ્તારોમાં પણ અનેક યુવકોને છેતર્યા હોઈ શકે છે.
વધુ તપાસ ચાલુ
પોલીસ હવે ગેંગના બાકી આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ કરી છે. સાથે જ આ ગેંગ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલી છે કે નહીં અને કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








