નવજીવન ન્યૂઝ.વડોદરાઃ
ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા પછી લાંબા સમયથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ અને નેતાઓના નનૈયાઓ પરથી ધીમે ધીમે પડદો ઉઠી ગયો છે. પાટીદાર આંદોલનથી જાહેર જીવનમાં પગ મુકનારા હાર્દિક પટેલના જીવનનો નવો અધ્યાય હવે શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી જે પક્ષના છાજીયા લીધા તે પક્ષે જાહેરમાં હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર્સ લગાવ્યા છે. આવતીકાલે હાર્દિક પટેલ વિધિવત ભાજપમાં જોડાશે તે મામલે વડોદરામાં હાર્દિક પટેલનું પોસ્ટર લાગી ગયું છે અને હજુ અન્ય સ્થાનો પર ઠેરઠેર જોવા મળે તો પણ નવાઈ નહીં.
આ પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની તસવીરોની સાથે હાર્દિકનો ફોટો પણ મુકવામાં આવ્યો છે. આ ફોટોમાં હાર્દિક પટેલને સંઘર્ષશીલ યુવા નેતા તરીકે સંબોધન આપવામાં આવ્યું છે અને કહેવાયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં સહર્ષ સ્વાગત છે.
આવતીકાલે ગાંધીનગર ખાતેના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં બપોરે લગભગ 12 વાગ્યા દરમિયાન હાર્દિક પટેલ ભાજપનો ખેસ પહેરી લેશે. વાત એવી પણ છે કે આગામી ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલ ભાજપના સ્ટારપ્રચારકો પૈકીના એક હશે. હાર્દિક પટેલની ભાજપ સાથે શું ડીલ છે તે સત્તાવાર રીતે જાણી શકાયું નથી પરંતુ આગામી સમયમાં હાર્દિક પટેલને સંગઠનમાં એક ચોક્કસ કામગીરી અને જવાબદારી સોંપવામાં આવશે.
![]() |
![]() |
![]() |