પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતનાં ચકચારી સિંગર વૈશાલી મર્ડર કેસમાં પકડાયેલા આરોપી બબીતા શર્માને પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં વલસાડ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ ઓફિસર અને એમ્બ્યુલન્સને 24 કલાક તૈનાત રહેવાનો આદેશ આપ્યો છે. તારીખ 27 ઓગસ્ટના રોજ ગુમ થયેલી સિંગર વૈશાલી બલસારાનો મૃતદેહ તારીખ 28મીના રોજ પારડી ખાતેથી મળ્યો હતો. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વલસાડ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાની માસ્ટર માઇન્ડ બબીતા શર્માની ધરપકડ કરી હતી.
મૃતક વૈશાલી બલસારાની બહેનપણી બબીતા શર્માએ રૂપિયા 25 લાખ ઉધાર લીધા હોવાને કારણે વૈશાલી બલસારાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. રૂપિયા 8 લાખની સોપારી આપી ત્રણ ભાડૂતી હત્યારાઓને વલસાડ બોલાવી વૈશાલીની હત્યા કરવી હતી.
આ હત્યાનો ભેદ ઉકેલતા વલસાડ પોલીસે હત્યાના ગુનાની મસત્ર માઇન્ડ બબીતા શર્માની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ બબીતા ગર્ભવતી છે અને નવમો મહિનો પસાર થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં લેતા વલસાડ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસને આદેશ કર્યો કે, 2 દિવસ સુધી બબીતા શર્મા પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ છે ત્યાં સુધી 24 કલાક માટે મેડિકલ ઓફિસર અને એમ્બ્યુલન્સને પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખવામા આવે. આ પહેલી ઘટના એવી છે જ્યાં કોઈ આરોપીના રિમાન્ડ વખતે મેડિકલ ઓફિસર અને એમ્બ્યુલન્સ હાજર હોય. અત્રે ઉલ્લેખનીય છે કે બબીતા શર્માએ જે ત્રણ ભાડૂતી હત્યારા મગાવ્યા હતા, તેમના સુધી પહોંચવા વલસાડ પોલીસ પ્રયાસ કરી રહી છે.