નવજીવન ન્યૂઝ. ગાંધીનગર/સુરત: આજે રાજ્યના વાતાવરણમાં એક વિચિત્ર પલટો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે અચાનક શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુનો એકસાથે અનુભવ નાગરિકોને થઈ રહ્યો છે. લગ્નની ભરપૂર સીઝન ચાલી રહી છે તેવામાં જ મેઘરાજાએ તોફાની એન્ટ્રી મારતા અનેક શુભ પ્રસંગોમાં ભંગાણ પડ્યું છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી જ માવઠાનો માર શરૂ થઈ ગયો છે.
લગ્ન મંડપો પલળ્યા, ઉત્સાહ પર પાણી ફર્યું
આજે (20 ફેબ્રુઆરી) વહેલી સવારથી સુરત, અંકલેશ્વર, હાંસોટ અને વડોદરા પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના કારણે ખુલ્લા પાર્ટી પ્લોટમાં આયોજિત લગ્ન પ્રસંગોમાં ભારે હાલાકી સર્જાઈ હતી. લાખોના ખર્ચે તૈયાર કરાયેલા ડેકોરેશન અને મંડપો પલળી જતા આયોજકો અને યજમાનો ચિંતામાં મુકાયા હતા.
4 જિલ્લામાં યલો એલર્ટ: ક્યાં તૂટી પડશે વરસાદ?
હવામાન વિભાગે તાત્કાલિક અસરથી આગામી ત્રણ કલાક માટે ચાર જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. અહીં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્ય પર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આ વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે.
CMના કાર્યક્રમમાં દોડધામ
સુરતમાં યોજાઈ રહેલા ‘બુક ફેર’માં પણ વરસાદે વિઘ્ન નાખ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલો ડોમ પલળી જતા તંત્રમાં નાસભાગ મચી ગઈ હતી. અધિકારીઓએ તાત્કાલિક ટ્રકો ભરીને તાડપત્રીઓ મંગાવીને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ખેડૂતોને રડવાનો વારો: કેરી અને કપાસને નુકસાનની ભીતિ
માત્ર લગ્ન પ્રસંગો જ નહીં, ખેડૂતો માટે પણ આ માવઠું આફત બનીને આવ્યું છે.
- વલસાડ: અહીં કેરીના પાક પર મોર (આમ્રમંજરી) બેસવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ગાઢ ધુમ્મસ અને ભેજને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
- છોટાઉદેપુર/ભરૂચ: કપાસ અને અન્ય ઉભા પાકને કમોસમી વરસાદથી નુકસાન થવાની પૂરી શક્યતા છે. ખેડૂતોને હવે મોંઘી દવાઓનો છંટકાવ કરવો પડશે.
હાઈવે પર દિવસે લાઈટો ચાલુ રાખવી પડી
ગઈકાલે વલસાડમાં નેશનલ હાઈવે 48 પર એટલું ગાઢ ધુમ્મસ હતું કે વાહનચાલકોને દિવસે પણ હેડલાઈટ્સ ચાલુ રાખવી પડી હતી. વિઝિબિલિટી ઘટતા વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો અને નોકરિયાત વર્ગને મુશ્કેલી પડી હતી.
હવામાન વિભાગની નવી ટેકનોલોજી
હવે હવામાન વિભાગ સચોટ આગાહી માટે ‘મલ્ટી હેઝર્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ’નો ઉપયોગ કરી રહ્યું છે, જેનાથી આગાહીની ચોકસાઈમાં 20%નો વધારો થયો છે. આ માટે વિભાગને એવોર્ડ પણ મળ્યો છે. આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની અને 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.








