Thursday, June 25, 2026
HomeGeneralસુરતઃ ચીખલીકર ગેંગને રોકવા ક્રાઈમ બ્રાન્ચે નાકાબંધી કરી અને પછી હાઇવે પર...

સુરતઃ ચીખલીકર ગેંગને રોકવા ક્રાઈમ બ્રાન્ચે નાકાબંધી કરી અને પછી હાઇવે પર થઈ ધનાધની જુઓ લાઈવ વિડીયો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. સુરત): સુરતમાં સતત વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટના પછી સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી કે, આ ઘરફોડ ચોરી ચીખલીકર ગેંગ કરી રહી છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગોઠવેલી નાકાબંધી દરમિયાન ચીખલીકર ગેંગ અને ક્રાઈમ બ્રાન્ચ આમને સામને આવી ગયાં. પોલીસને જોતાં જ ગેંગ દ્વારા ભાગવાનો પ્રયત્ન કરાયો પણ પોલીસે મિનીટોમાં જ ગેંગને ફિલ્મી ઢબે ઝડપી લીધી હતી.



સુરતમાં એક પછી એક એમ ચાર ઘરફોડ ચોરી થતાં સ્થાનિક પોલીસની સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ હરકતમાં આવી હતી. ઘટના સ્થળે મળેલા CCTV ફુટેજ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે નક્કી થયું હતું કે, આ ગુનાને અંજામ ચીખલીકર ગેંગ આપી રહી છે. આ માહિતીને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમી પ્રમાણે પલસાણા-બારડોલી રોડ પર શોધ શરૂ કરી હતી. સર્ચ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી હતી કે એક ઇકો કાર નવસારી તરફથી આવી રહી છે. કારણ સુરતની ઘરફોડ ચોરીમાં પણ એક ઇકો કારનો જ ઉપયોગ થયો હોવાની માહિતી હતી. ચીખલીકર ગેંગની માનસિકતાથી વાકેફ પોલીસ અધિકારીઓને અંદાજ હતો કે, જો ગેંગને રોકવામાં કોઈ ચૂક થઈ તો ગેંગ પોલીસ ઉપર ગોળીબાર પણ કરશે.

ક્રાઈમ બ્રાન્ચ પાસે હાઇવે પર નાકાબંધી કરવા માટે ખાસ વ્યવસ્થા ન હતી એટલે પોલીસે યુક્તિ અપનાવી રસ્તે પસાર થઈ રહેલી એક બોલેરો પીકવાનને રસ્તાની બાજુમાં ઊભી રાખી. જેથી ત્યાંથી પસાર થતાં દરેક વાહને સ્પીડ ઘટાડવી પડે. આ ઉપરાંત એક જેસીબી મશીન પણ ત્યાંથી પસાર થતું હતું. તેના ડ્રાઈવરને વિનંતી કરીને જેસીબીને પણ હાઇવેની વચ્ચે ઊભું કરી દેવામાં આવ્યું હતું. ખાનગી કપડામાં રહેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ એક-એક વાહન પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. ત્યારે નવસારી તરફથી આવી રહેલી ઇકો કારને જોતાં જ પોલીસ એલર્ટ થઈ ગઈ. વૉચમાં રહેલી પોલીસે ઇકો કારના ડ્રાઈવરને કાર રોકવા માટે હાથનો ઈશારો કરતાં તેણે કાર ધીમી તો કરી પણ ડ્રાઈવરને તરત અંદાજ આવી ગયો કે પોલીસે છે. એટલે તરત ડ્રાઈવરે સ્પીડ વધારી પરંતુ ડ્રાઈવરની નજર આગળ જતાં ખબર પડી કે જેસીબી મશીન દ્વારા રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે.



કારમાં રહેલી ચીખલીકર ગેંગના ડ્રાઈવરે અત્યંત ઝડપે કાર રોકી અને તરત રિવર્સમાં કાર લઈ ભાગી છુટવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્રાઈમ બ્રાન્ચના દસ કરતા વધુ અધિકારી અને જવાનો હાથમાં રહેલી લાકડી લઈ ઇકો કાર ઉપર તુટી પડ્યા હતા. કારના વિન્ડ સ્ક્રીન સહિત તમામ કાચ ઉપર ખૂબ જ લાઠીઓ ફટકારીને ગેંગને રોકવાનો પ્રયાસ કર્યો. આમ છતાં એક વખત કાર રિવર્સ કર્યા પછી ડ્રાઈવરે બીજો પ્રયત્ન કર્યો અને ફરી હાઇવે તરફ કાર હંકારી. પરંતુ જેસીબી મશીન આડું હોવાને કારણે તે ભાગી શક્યા નહીં. પોલીસે ઇકો કારની પાછળ રહેલી પીકવાનને તરત કારની પાછળ રાખી પાછળ રસ્તો પણ બ્લોક કરી દીધો. કારમાં રહેલી ગેંગ પોલીસ ઉપર હુમલો કરે તે પહેલા ગેંગના માણસને ત્વરિત પકડી લઈને તેમના હાથમાં હાથકડી બાંધી નીચે ઉતારી લીધા હતા. આમ મિનીટોમાં જીવ સટોસટ કામગીરી સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી હતી. જુઓ લાઈવ વિડીયો.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular