નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલા સંબંધિત ગુનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, એમાં પણ સગીર વયની બાળકીઓ સાથે પણ દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સુરતમાં પણ આવો જ એક કિસ્સો બનતા અટકી ગયો છે, જેમાં સુરતના એક મહિલા PSIએ અગત્યની ભૂમિકા ભજવી અને બાળકી 5 વર્ષની બાળકી સાથે એક દુર્ઘટના ઘટતી અટકાવી દીધી હતી.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારની બાળકી ઘર આંગણે રમી રહી હતી તે દરમિયાન ઘરની નજીક રહેતા એક 45 વર્ષના વ્યક્તિએ બાળકીને લાલચ આપીને તેનું અપહરહણ કરીને બાળકીને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. ત્યાર બાદ આ વ્યક્તિ બાળકીને પાંડેસરાના વડોદ ગામ વિસ્તારમાં ઝાડી ઝાંખરાંમાં લઈ જઈને શારીરિક અડપલાં કરતો હતો. તે જ સમયે એક મહિલા PSI ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.
જ્યારે સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI સુહાની વસાવા વડોદ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ઝાડી ઝંખરામાં એક નરાધમ એક નાની બાળકી સાથે શારીરિક અડપલાં કરી રહ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મહિલા PSIને શંકા જતાં તેમણે આ વ્યક્તિની પૂછપરછ કરી ત્યારે આ નરાધમનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યાર બાદ મહિલા PSIએ તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરીને PCR બોલાવીને આ વ્યક્તિને પોલીસને હવાલે કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જો મહિલા PSI સમયસર ન પહોંચ્યા હોત તો આ માત્ર 5 વર્ષની બાળકીને તેના ટૂંકા જીવનમાં આખી જિંદગીનો સૌથી ખરાબ અનુભવ થઈ ગયો હોત, પણ આ મહિલા PSIની સમય સૂચકતાના કારણે બાળકીનો બચાવ કરી લેવામાં આવ્યો અને નરાધમને જેલમાં મોકલવામાં પોલીસને સફળતા મળી હતી.








