પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતનાં DGP દ્વારા ગઠન કરવામાં આવેલી SIT દ્વારા પૂર્વ IPS અધિકારી આર. બી. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને સ્વૈચ્છીક સંગઠનના કાર્યકર્તા તીસ્તા સેતલવાડની 2002ના તોફાનો બાદ કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજોમાં સંદિગ્ધ ભૂમિકા માટે ધરપકડ કરી છે. હવે આ મામલે ગુજરાતનાં પૂર્વ IPS અધિકારી રાહુલ શર્માને પણ SIT તરફથી સમન્સ મળ્યું છે કે 27 ઓગસ્ટના રોજ પોતાનો પક્ષ રજૂ કરવા STI સામે હજાર રહેવું.
2002ન કોમી તોફાનો વખતે IPS અધિકારી રાહુલ શર્મા ભાવનગર SP તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ પોલીસ ગોળીબારમાં 7 કરતાં વધુ લોકોના મોત થતાં તેમને તત્કાલ અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં મૂકી દેવામાં આવ્યા હતા. અમદાવાદ આવ્યા પછી તેમણે કંટ્રોલ રૂમમાં અસરગ્રસ્તોની ફરિયાદ લેવાનું શરૂ કરતાં તેમને ક્રાઇમ બ્રાન્ચની સહાયમાં મૂકવામાં આવ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા પછી રાહુલ શર્માએ 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર તમામના કોલ રેકોર્ડ તેમણે કઢાવ્યા હતા. આ મામલે ખાસ્સો રાજકીય વિવાદ પણ થયો હતો. રાહુલ શર્માએ તોફાનો અંગે તપાસ કરી રહેલા નાણાવટી પાંચ સામે પણ સોગંદનામા ઉપર જુબાની આપી હતી. જોકે ત્યાર પછીના થોડા વર્ષો બાદ તેમણે સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી હતી અને હાલમાં ગુજરાત હાઈ કોર્ટમાં વકીલાત કરી રહ્યા છે.
હવે SITના સમન્સ પછી તેવી આશંકા કરવામાં આવી રહી છે કે હજુ વધુ સરકારી અને બિન સર્કકારી લોકોને SIT સમન્સ મોકલશે.