Sunday, October 12, 2025
HomeGujarat‘કેમિકલ કાંડ’: નશાબંધી ખાતાની હાલત દાંત વગરના સિંહ જેવી, ઝેરી મિથેનોલનું લાઇસન્સ...

‘કેમિકલ કાંડ’: નશાબંધી ખાતાની હાલત દાંત વગરના સિંહ જેવી, ઝેરી મિથેનોલનું લાઇસન્સ આપવા સિવાયની કોઈ સત્તા નહીં

- Advertisement -

પ્રશાંત દયાળ (દારૂબંધી ભાગ-5): બરવાળામાં ઘટેલા કેમિકલ કાંડના મામલે ગૃહ વિભાગે બે IPSની બદલી કરવા સહિત 8 પોલીસ અધિકારીઓને ફરજ મોકૂફી ઉપર ઉતારી દીધા છે. પોલીસની નારાજગી છે કે મીથાઈલ આલ્કોહોલનું લાઇસન્સ આપવાનું કામ નશાબંધી અને આબકારી વિભાગનું છે, પરંતુ નશાબંધી વિભાગની લાચારી એવી છે કે મીથાઈલ આલ્કોહોલનું લાઇસન્સ આપ્યા પછી તેમનું કોઈ નિયંત્રણ નથી. આખા ગુજરાતમાં ક્રિકેટની બે ટીમ થાય એટલા ઓછા સ્ટાફમાં 50થી વધુ પરવાનાઓ આપવા અને તેને નિયંત્રિત કરવાનું કામ નશાબંધી વિભાગનું છે, પરંતુ સરકારની ઉપેક્ષાનું ભોગ બનેલા નશાબંધી ખાતાની સ્થિતિ દાંત વગરના સિંહ જેવી છે.

બરવાળાના કેમિકલ કાંડમાં મીથાઈલ આલ્કોહોલનો ઉપયોગ થયો હોવાનું સિદ્ધ થતાં હવે ઠીકરું નશાબંધી વિભાગના માથે ફોડવામાં આવી રહ્યું છે, પરંતુ સૂત્રોની જાણકારી પ્રમાણે અત્યંત ઝેરી એવા મીથાઈલ આલ્કોહોલને નિયંત્રિત કરવા નશાબંધીના કાયદા એટલા પાંગળા છે કે લાઇસન્સ આપવા સિવાય નશાબંધી વિભાગનું કોઈ નિયંત્રણ નથી. દેશમાં બે પ્રકારના આલ્કોહોલ છે, ઇથાઈલ આલ્કોહોલ અને મીથાઈલ આલ્કોહોલ. ગુજરાત સરકારનું નશાબંધી ખાતું આ બંને પ્રકારના આલ્કોહોલ માટે લાઇસન્સ આપે છે. ઇથાઈલ આલ્કોહોલનું જો સેવન કરવામાં આવે તો નશો થવા સિવાય તેની કોઈ આડ અસર થતી નથી, પરંતુ મીથાઈલ આલ્કોહોલનું સેવન થાય તો મૃત્યુ નિશ્ચિત છે. આમ મીથાઈલ આલ્કોહોલ અત્યંત ઝેરી કેમિકલ છે.

- Advertisement -

નશાબંધી કાયદા પ્રમાણે ઇથાઈલ આલ્કોહોલનો પરવાનો ધરાવનાર ઇથાઈલ ખરીદવા માગતો હોય તો તેને વિભાગની મંજૂરી લેવી પડે છે. મંજૂરી મળ્યા પછી ઇથાઈલ આલ્કોહોલનું ટેન્કર ગુજરાતમાં પ્રવેશ કરે ત્યારે નશાબંધી વિભાગના રક્ષણ હેઠળ ટેન્કરને નિયત સ્થળે લઈ જવામાં આવે છે. આ ટેન્કરને નશાબંધી સબ ઈન્સ્પેકટરની હાજરીમાં જ અનલોડ કરવામાં આવે છે અને જ્યાં ઇથાઈલ આલ્કોહોલનો સ્ટોક હોય તેને નશાબંધી ખાતું લોક કરે છે. જ્યારે-જ્યારે પરવાનેદારે ઇથાઈલ આલ્કોહોલનો ઉપયોગ કરવાનો થાય ત્યારે સબ ઈન્સ્પેકટરની હાજરીમાં જ સ્ટોક બહાર કાઢવામાં આવે છે. આમ ઇથાઈલ આલ્કોહોલની સંપૂર્ણ કસ્ટડી અને પરિવહન નશાબંધી ખાતાના નિયંત્રણમાં છે.

પરંતુ અત્યંત ઝેરી એવા મીથાઈલ આલ્કોહોલનો પરવાનો આપ્યા પછી તેના સ્ટોક અને પરિવહન ઉપર નશાબંધી ખાતાનું કોઈ નિયંત્રણ નથી. આમ ઝેરી કેમિકલ માટે કડક નિયંત્રણ હોવા જોઈએ, પરંતુ તેના નિયમો હળવા છે. નશાબંધી ખાતાની જવાબદારી સ્ટોકમાં દર્શાવેલું મીથાઈલ આલ્કોહોલ નિયત સ્થળે છે કે નહીં તે તપાસવાનું જ હોય છે. બરવાળાના મામલે પીપળજની AMOS ફેક્ટરીમાંથી ચોર્યું હોવાનો આરોપી જયેશનો દાવો છે. નશાબંધી ખાતાની તપાસમાં જે સત્ય સામે આવ્યું તે પોલીસની તપાસ અને આરોપીના દાવા કરતાં વિપરીત છે. જયેશના દવા પ્રમાણે તેણે AMOS કંપનીમાંથી 600 લિટર મીથાઈલ આલ્કોહોલ ચોર્યું હતું. AMOSએ જોબવર્ક પેટે ફીનોર કંપનીમાંથી 8000 લિટર મીથાઈલ આલ્કોહોલ લીધું હતું. આમ જયેશના દાવાને સાચો માનીએ તો 8000 માંથી 600 લિટર ચોરાયુ તો સ્ટોકમાં 7400 લિટર મીથાઈલ હોવું જોઈએ, પરંતુ સ્ટોક તપાસતા AMOS કંપનીમાંથી 8700 લિટર મીથાઈલ મળી આવ્યું છે. આમ 700 લિટર વધારાનો સ્ટોક ક્યાથી આવ્યો તેનો જવાબ ફેકટરીના માલિક સમીર પટેલ કે પછી આરોપી જયેશ જ આપી શકે તેમ છે.

નશાબંધીના નિયમ પ્રમાણે ફેક્ટરી માલિકે ફેક્ટરીનું સંચાલન કરનારના નામે નોકરનામું રજૂ કરવાનું હોય છે જે ફેક્ટરીનું સંચાલન કરે છે. સમીર પટેલે ત્રણ વ્યક્તિઓના નામ નોકરનામામાં આપ્યા હતા જેમાંથી જયેશ એક છે. હાલમાં ગુજરાતમાં નશાબંધીનું મંજૂર થયેલું મહેકમ 700 કર્મચારીઓનું છે, જેની સામે હાજર 350 છે.

- Advertisement -

(ખાસ નોંધ: ગુજરાતમાં ચાલતી દારૂની પ્રવૃત્તીની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે તે દર્શાવવાનો પ્રયાસ છે ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ પ્રમાણિકપણે પોતાનું કામ કરે છે અને ધંધાની કમાણીથી પોતાને દુર રાખી શક્યા છે એટલે કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં એક સંજોગ છે કે અહિયા ઉલ્લેખ હોદ્દા અથવા કચેરીમાં તેઓ કાર્યરત છે પણ તેઓ ધંધામાં સામેલ જ છે તેવુ કોઈ વાચકે માની લેવુ નહીં)

ચોથા નંબરનો ભાગ વાંચવા માટે અહિયાં ક્લિક કરો

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular