Wednesday, December 11, 2024
HomeGujaratકડવું સત્ય: દેશીદારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ભીંસ વધારે ત્યારે ત્યારે લઠ્ઠાકાંડ થયો...

કડવું સત્ય: દેશીદારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ભીંસ વધારે ત્યારે ત્યારે લઠ્ઠાકાંડ થયો છે

- Advertisement -

પ્રશાંત દયાળ (દારૂબંધી ભાગ 4): બરવાળાના લઠ્ઠાકાંડ પછી નીમવામાં આવેલી SITની તપાસમાં જે સત્ય બહાર આવી રહ્યા છે. તે ચોંકાવનારા હોવાની સાથે ગુજરાતનું તે કડવું સત્ય પણ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્રાપ્ત આંકડા અનુસાર 50થી 60 લાખ લોકો દેશી દારૂના બંધાણી છે. બરવાળા અને તે પહેલા થયેલા લઠ્ઠાકાંડમાં સામ્યતા એવી છે કે પોલીસે જ્યારે દેશી દારૂ પર તવાઈ લાવી છે ત્યારે લઠ્ઠાકાંડ થયો છે.

જ્યારે પણ લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ નિર્માણ થાય છે, ત્યારે પોલીસ પર માછલાં ધોવાય છે. કેટલાક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થાય છે તો કેટલાકની બદલી થાય છે. બરવાળા લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા લોકોના લોહીના નમૂનાના આવેલા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે તેમના લોહીમાં દારૂનું પ્રમાણ જોવા મળ્યું નથી, પરંતુ તેમના લોહીમાં મિથાઈલ આલ્કોહોલ જ હતો.

- Advertisement -

SITની તપાસમાં આવેલી હકીકતો પ્રમાણે રોજીદ ગામમાં ચાલતી દારૂની ભઠ્ઠી અને વેચાણ સામે સરપંચએ લેખિત ફરિયાદ કરતાં પોલીસે દારૂની ભઠ્ઠીઓ તોડી નાખી દારૂનું વેચાણ બંધ કરાવ્યુ હતું. આ ઘટના ઘટી તેના એક સપ્તાહ પહેલાથી દેશી દારૂ મળવાનો બંધ થઈ ગયો હતો. આથી દારૂ પીનારા અને દારૂ વેચનારા બુટલેગરની સ્થિતિ કફોડી બની હતી. બરવાળાના બુટલેગરે દારૂનું ઉત્પાદન નહીં થતાં મીથાઈલ આલ્કોહોલ લાવી એમાં થોડું પાણી ઉમેરી દેશી દારૂ તરીકે તેને વેચ્યો હતો.

આ કડવું સત્ય બધાએ સ્વીકારવું જ રહ્યું કે જો રોજીદ ગામમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોત તો મીથાઈલ આલ્કોહોલનો ઉપયોગ ન થયો હોત અને લઠ્ઠાકાંડની સ્થિતિ ન સર્જાઈ હોત. 2009નો લઠ્ઠાકાંડ હોય કે સુરત ગ્રામ્યમાં થયેલો લઠ્ઠાકાંડ હોય તેમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર ભીંસ વધારતા મીથાઈલ આલ્કોહોલનો ઉપયોગ થયો હતો. આમ પોલીસ દારૂની ભઠ્ઠીઓ ચલાવવા દે તો પણ તેની ટીકા થાય અને પોલીસ ભઠ્ઠીઓ બંધ કરાવે તો લઠ્ઠાકાંડ થાય. જે રાજ્યમાં એક કરોડથી વધુ લોકો જ્યારે દેશી અથવા વિદેશ દારૂનું સેવન કરે છે ત્યારે દારૂબંધીનો અમલ કરવાની સરકાર પાસે કોઈ ચુસ્ત વ્યવસ્થા નથી.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular