નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ અને બોટાદમાં ગત સોમવારના રોજ કથિત રીતે લઠ્ઠાકાંડનો કિસ્સો સામે આવ્યો હતો. જેના કારણે સતત પોલીસની કાર્યવાહી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા હતા. જ્યારે વિપક્ષ દ્વારા ભાજપને જવાબદાર ગણીને તેમના ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા, ત્યારે આજે ગૃહ વિભાગ દ્વારા અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદ અને બોટાદ SPની બદલી કરી દેવામાં આવી છે જ્યારે બોટાદ અને ધંધુકાના DySP સહિત અન્ય 8 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ શિક્ષાત્મક પગલાના અનુસંધાનમાં આજે AAP અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
આજે એક પત્રકાર પરિષદને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, “હું 27 જુલાઈએ રોજીદ ગામમાં લઠ્ઠાકાંડથી પીડિત પરિવારોની મુલાકાતે ગયો હતો. ત્યાં લોકો સાથે વાતચીત કરીને જાણવા મળ્યું કે, ચોકડી ગામથી બીજા અન્ય 40 ગામોમાં દારૂ વેચાય છે. ચોકડી ગામ ગેરકાનૂની દારૂનું કેન્દ્ર છે. ગામના લોકોએ નિખાલસ ભાવે આપમેળે આ માહિતી મને આપી છે. ત્યાં દરેક સમાજના લોકોએ સ્વીકાર્યું કે, બરવાળા પોલીસ ચોકીના PSI ગંભીરસિંહ વાળાએ ખુબ સારું કામ કર્યું છે. ગેરકાનુની દારૂ બંધ કરાવવા માટે PSI ગંભીરસિંહ વાળાએ ઘણાં પગલાં લીધા છે. વિરોધ પક્ષમાં હોવાનો મતલબ એ નથી કે બધી જ વાતનો વિરોધ કરવો જોઈએ. એટલે બોટાદના SP અને બરવાળાના PSI દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી છે તેની હું આમ આદમી પાર્ટી વતી સરાહના કરું છું.”
તેમણે વધુમાં પત્રકાર પરિષદને જણાવ્યું હતું ક, “ભાજપના લોકોને પોતાને બચાવવા માટે બોટાદના SP, બોટાદના DySP અને બરવાળાના PSIને સસ્પેન્ડ કર્યા છે, જે તદ્દન ખોટું પગલું છે. હર્ષ સંઘવીએ અને સી. આર. પાટીલે પોતાની આબરૂ બચાવવા માટે, પોતાના ધંધા છુપાવવા માટે પોલીસનો ભોગ લીધો છે. રોજીદ ગામની મુલાકાત પછી અમે બોટાદ ગયા હતા. ત્યાં હું બોટાદના ઘણા સામાજિક કાર્યકર્તાઓને મળ્યો, ત્યાં બધા સાથે વાત કરતા જાણ થઇ કે લઠ્ઠાકાંડ પાછળ મુખ્ય જવાબદાર બોટાદના ભાજપ જિલ્લા પ્રમુખ અને તેમની સાથે મળતિયા રૂપે કામ કરતા બરવાળા પોલીસ સ્ટેશનમાં કોઈ મહિલા ASIની સાંઠગાંઠના કારણે આ લઠ્ઠાકાંડની ઘટના ઘટી છે. આમ બોટાદના ભાજપ જિલ્લા પ્રમુખને બચાવવા માટે પોલીસનો ભોગ લીધો છે.”
તેમણે ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “દુઃખની વાત છે કે ભાજપના લોકોએ આજ સુધી લોકોની વ્યથા સાંભળવાનું તો દૂર શ્રદ્ધાંજલિ પાઠવવાનું પણ યોગ્ય સમજ્યું નથી. ભાજપના લોકોનું આવું વલણ જતાવે છે કે લઠ્ઠાકાંડ પાછળ ભાજપ જ જવાબદાર છે એટલે અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું રાજીનામું માગીએ છે. આમ આદમી પાર્ટીએ લઠ્ઠાકાંડ વિરુદ્ધ રાજીનામાની માગ કરતા દરેક જિલ્લામાં આવેદન પત્રો આપ્યા છે. હજુ લઠ્ઠાકાંડ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આવા ઘણા કાર્યક્રમો થશે. અમે ગુજરાતની લઠ્ઠાકાંડની લડાઈ દરેક સંજોગોમાં લડી લઈશું.”