નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં 25 માર્ચે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ થયેલા કેગ (CAG) રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. રાજ્યમાં ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવાઓ વચ્ચે, પોલીસ દ્વારા પકડાયેલાં ડ્રગ્સના જથ્થામાં મોટાપાયે તફાવત સામે આવ્યો છે. ઓડિટર એન્ડ કમ્પ્ટ્રોલર જનરલના રિપોર્ટ મુજબ, છેલ્લા 12 વર્ષમાં જપ્ત કરાયેલાં ડ્રગ્સમાંથી આશરે 35 ટકા જથ્થો ગાયબ થયો હોવાનું સામે આવ્યું છે.
કેગના અહેવાલ અનુસાર, ઓગસ્ટ 2010થી નવેમ્બર 2022 દરમિયાન ગુજરાત પોલીસ અને વિવિધ એજન્સીઓએ કુલ 6,510.54 કિલો અને 848 બોટલ જેટલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, ત્યારબાદ નિકાલ પ્રક્રિયામાં નોંધાયેલા આંકડાઓ મુજબ માત્ર 4,177.86 કિલો જથ્થાનો જ હિસાબ મળે છે. આ રીતે કુલ 2,332.68 કિલો ડ્રગ્સનો તફાવત સામે આવ્યો છે, જે કુલ જપ્ત કરાયેલાં જથ્થાનો લગભગ 35 ટકા થાય છે. આ 2,332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા અને ચોર ચોરી ગયાનો જવાબ સામે આવ્યો છે.

જપ્ત કરેલો ગાંજો પણ થઈ જાય છે ચોરી
આ તફાવત અંગે ગૃહ વિભાગે સ્પષ્ટતા માગતા સીઆઇડી ક્રાઇમ વિભાગ દ્વારા આપવામાં આવેલા જવાબમાં જણાવાયું છે કે આશરે 144.180 કિલો ગાંજો ચોરી થઈ ગયો હતો, જ્યારે બાકીની માત્રા ઉંદરો ખાઈ ગયા હોવાનું દાવો કરવામાં આવ્યો છે. વધુમાં, લાંબા સમય સુધી ગાંજો અને અફીણ સંગ્રહમાં રહેતાં ભેજ શોષાઈ જતાં વજનમાં ઘટાડો થયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સામાન્ય ઘટ હોય તે શક્ય પણ આટલો મોટો તફાવત?
જો કે, કેગે પોતાના અહેવાલમાં નોંધ્યું છે કે આ પ્રકારના કારણોથી આંશિક ઘટાડો શક્ય છે, પરંતુ આટલી મોટી માત્રામાં તફાવત હોવો ગંભીર બાબત છે અને પુનર્વિચાર માગે છે. આથી, કેગ દ્વારા પણ સંબંધિત અધિકારીઓની પ્રક્રિયા અને વ્યવસ્થાપન અંગે સવાલો ઊભા કરવામાં આવ્યા છે.
રિપોર્ટમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પકડાયેલું ડ્રગ્સ જે ઓરડામાં રાખવામાં આવતું હતું તેની સ્થિતિ પણ પ્રશ્નાર્થક હતી. રિપોર્ટમાં રજૂ કરાયેલી તસવીર મુજબ, તે ઓરડો સુરક્ષિત સ્ટોરેજ તરીકે યોગ્ય લાગતો નથી, જેમાં દરવાજા ઢીલા અને વ્યવસ્થા નબળી દેખાઈ રહી હતી.
આ ઉપરાંત, કેગના અહેવાલમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે પણ ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાત પર કુલ 3.80 લાખ કરોડનું દેવું હોવાનું નોંધાયું છે. એક વર્ષમાં જ દેવામાં આશરે 22 હજાર કરોડનો વધારો થયો છે. વર્ષ 2024-25 દરમિયાન રાજ્ય સરકારે પગાર, સબસિડી અને લોનના વ્યાજ માટે જ 1 લાખ કરોડથી વધુ ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટ મુજબ, સરકારના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા કુલ 7,431 કરોડ રૂપિયાના ખર્ચના પ્રમાણપત્રો હજી સુધી જમા કરાવવામાં આવ્યા નથી. કુલ 4,258 યુટિલાઇઝેશન સર્ટિફિકેટ બાકી હોવાનું પણ નોંધાયું છે. જેમાં 2023-24 પહેલાંના 3,147 કરોડ અને 2024-25ના 4,284 કરોડના ખર્ચનો હિસાબ હજુ સુધી આપવામાં આવ્યો નથી.
આ તમામ મુદ્દાઓ સાથે કેગના અહેવાલે રાજ્યની વહીવટી વ્યવસ્થા, નાણાકીય શિસ્ત અને જપ્ત કરાયેલા પુરાવાઓના સંચાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.








