નવદજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા પૂર્વ વિપક્ષમાં રહેલી કોંગ્રસ દિવસને દિવસે નબળી પડી રહી છે. વર્ષ 2012થી અત્યાર સુધીમાં 60 જેટલા કોંગ્રસી નેતાઓએ પંજાનો સાથ છોડીને કેસરીયો ધારણ કર્યો છે. જોકે તેમાના મોટા ભાગના નેતાઓએ પક્ષની કામગીરી પર સવાલો ઊભા કરીને પાર્ટીને અલવિદા કરી દીધી છે. તેવામાં હવે કોંગ્રસના બે દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડવાની તૈયારીમાં છે. જે થોડા દિવસોમાં જ ભાજપનો ખેસ ધારણ કરવાના છે.
કોંગ્રેસના વરિષ્ટ નેતા પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમારે કોંગ્રેસને અલવિદા કરવાનું નક્કી કરી લીધું છે. આગામી 17 તારીખે કોંગ્રેસના બંને નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાશે. દર વર્ષે ચૂંટણીનો સમય આવતા ભાજપમાં ભરતીમેળો જામતો હોય છે. જોકે હાલ કોંગ્રસના મોટા ભાગના નેતાઓ ભાજપમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. જોકે આગામી સમયની ચૂંટણીની જવાબદારી રાજસ્થાનના મુખ્યમંત્રીના શીરે આવી છે પરંતું જે રીતે કોંગ્રેસ તૂટી રહી છે. તે જોતા હવે તેને બચાવી લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.
કોંગ્રેસનો છેડો ભાડી ભાજપનો ખેસ ફળ્યો હોય તેવા નેતાઓની વાત કરીએ તો વર્ષ 2012થી વિઠલ રાદડિયા કોંગ્રેસને છોડીને ભાજપમાં આવ્યા હતા. ત્યાર બાદ 2017માં તેમના પુત્ર જયેશ રાદડિયા મંત્રી બન્યા. લીલાધર વાધેલા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા અને ભાજપમાંથી સાંસદ પણ બન્યા. પરબત પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા અને ભાજપમાંથી રાજ્યકક્ષાના મંત્રી બન્યા અને હાલમાં બનાસકાંઠાના સાંસદ છે. પૂનમ માડમે કોગ્રેસનો છેડો ફાડી ભાજપમાં આવ્યા, જેઓ 2014 અને 2019 બે ટર્મથી સાંસદ છે. 2007માં દેવુંસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, હાલ ભાજપની સરકારમાં કેન્દ્રીય રાજયમંત્રી છે. રામસિંહ પરમાર કોંગ્રેસમાથી ભાજપમાં જોડાયા, હાલ તેઓ અમુલના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, તેઓ પેટા ચૂંટણી જીતી કેબિનેટ મંત્રી બન્યા. રાઘવજી પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા, હાલ ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી છે. જવાહર ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા, પેટા ચૂંટણી જીત મેળવી રૂપાણી સરકારમાં મંત્રી બન્યા. રાજ્ય સભાની ચૂંટણીમાં કમશી પટેલ, તેજશ્રીબેન પટેલ અને બળવંતસિંહ રાજપૂત પક્ષ વિરુદ્ધ મતદાન કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. બળવંતસિંહ રાજપૂત ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમન તરીકે સ્થાન મળ્યું હતું.