કોમલ પટેલ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): મધ્યાહન ભોજન યોજના પરોક્ષ રીતે સાક્ષરતાનો દર ઊંચો લાવવામાં મદદરૂપ રહી છે. આપણાં દેશમાં જ્યાં હજુ પણ સમાજના ખૂબ મોટા વર્ગને કામ કર્યા પછીય પોષણક્ષમ આહાર ઉપલબ્ધ થતો નથી, તેવાં કિસ્સામાં બાળકોને શિક્ષણ આપવાનું તો કોઈ કેવી રીતે વિચારે? પરંતુ મધ્યાહન યોજના લાગુ થઈ તે પછી અનેક ગરીબ પરિવારો બાળકોને એ માટે પણ શાળાએ મોકલતા થયા કે તે શિક્ષણ સાથે સારો આહાર પણ મેળવશે. આ યોજના સફળતા પૂર્વક ચાલી રહી છે. અને હવે તે માટે થોડું વધુ ભંડોળ પણ ફાળવવામાં આવશે. આ વધારો બે વર્ષના અંતરાલ પછી થઈ રહ્યો છે, જેમાં બાળક દીઠ 9.6 ટકો ખર્ચનો વધારો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયે પણ તેની મંજૂરી આપી છે.
આ યોજનાનો લાભ દેશના 11.8 કરોડ બાળકો લઈ રહ્યા છે અને તે માટે અનેક વખતથી ખર્ચની નિર્ધારીત રકમ વધારવાની માંગણી થઈ રહી હતી. ઉપરાંત બાળકોની થાળીમાં કઠોળ, શાકભાજી વધે તેવી પણ માંગણી હતી. રાંધણગેસનું જોડાણ શાળાઓને મળે તે પણ પ્રસ્તાવ આ માંગણીમાં મૂકાયો હતો. આ યોજના અંતર્ગત છેલ્લે 2020માં વધારો થયો હતો, જેમાં બાળક દીઠ રસોઈનો ખર્ચ પ્રાથમિક વર્ગોમાં (1થી 5 ધોરણ) રૂપિયા 4.97 આવતો હતો અને ઉચ્ચત્તર માધ્યમિક વર્ગો (6થી 8 ધોરણ)માં રૂપિયા 7.45 આવતો હતો. હવે વધારો અમલમાં આવતાં આ ખર્ચ અનુક્રમે 5.45 અને 8.17 થશે.
બાળકોના ભોજનની આ યોજનાને લઈને મુખ્ય પ્રશ્ન રાંધણગેસનો રહ્યો છે અને તેની આપૂરતી ન થવાથી ઘણી વખત વધુ કિંમત ચૂકવીને રાંધણગેસ લેવો પડે છે, જેના કારણે યોજનામાં ખર્ચનું ભારણ વધે છે. આ ઉપરાંત આહારમાં કઠોળનાં પણ ભાવવધારાથી મુશ્કેલી થાય છે. અને તેથી યોજના માટે કઠોળ આપૂરતી કરવા માટે સીધા જ ખાદ્ય મંત્રાલય સાથે શિક્ષણ મંત્રાલય વાત કરશે. બાળકોને પ્રોટિનયુક્ત આહાર મળે તે અગત્યનું છે અને તે માટે કઠોળ અગત્યનો ભાગ ભજવે છે. નિયમિત રીતે મધ્યાહન યોજનામાં સરેરાશ બાળક દીઠ આવતાં ખર્ચમાં 5થી 7 ટકાનો વધારો થતો રહે છે. આ વર્ષે તેમાં 10 ટકાની આસપાસ વધારો કરવામાં આવ્યો છે. બાળકોના આહારની ગુણવત્તા સુધરે તે માટે સરકાર નજીકના ભવિષ્યમાં પીએમ પોષણ ઇન્ડેક્સ લાવવાનું વિચારી રહી છે.
આ પૂરી યોજનામાં જમ્મુ-કાશ્મીર સહિત પૂર્વોત્તર રાજ્યોમાં કેન્દ્ર 90 ટકા ખર્ચ ભોગવે છે અને માત્ર 10 ટકા ખર્ચ રાજ્યના માથે છે. પરંતુ અન્ય રાજ્યોમાં આ રેશિયામાં કેન્દ્રનો ખર્ચનો હિસ્સો 60 ટકા આવે છે અને રાજ્યનો 40 ટકા. આ યોજનામાં ખર્ચ વધારવા સાક્ષરતા વિભાગ, નીતિ આયોગ, રાષ્ટ્રિય પોષણ સંસ્થા અને શ્રમ મંત્રાલય સહિત અન્ય સભ્યો પણ હાજર હતા, જે કારણે આ નિર્ણય ઝડપથી લેવાયો અને હવે તેનો અમલ થશે.








