Thursday, October 16, 2025
HomeGeneral'ગુજરાતમાં પહેલી મહિલા ઓપન જેલ સુરતના ઓલપાડમાં બનશે'- Video

‘ગુજરાતમાં પહેલી મહિલા ઓપન જેલ સુરતના ઓલપાડમાં બનશે’- Video

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદ ખાતે સોમવારે જેલ તાલીમ શાળા દ્વારા યોજવામાં આવેલી 15મી દિક્ષાંત પરેડને સંબોધતા ગૃહરાજ્ય અને જેલ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રથમ મહિલા ઓપન જેલનો પ્રારંભ સુરતના ઓલપાડ ખાતે કરવામાં આવશે. 196 જેલ સહાયકોને પરેડને સંબોધતા તેમણે જણાવ્યું કે, સમાજમાં બનતા ગુનાઓને કારણે પોલીસ દ્વારા જેમની ધરપકડ થાય છે તેમને જેલમાં મોકલવામાં આવે છે. જ્યારે તમારી ચિંતા છે કે, જેલમાં આવેલા કેદીઓ સમાજને નુકસાન કરે તેવી કોઈ પ્રવૃત્તિ કરે નહીં, તેની સાથે આ કેદી ગુનાહીત પ્રવૃત્તિ છોડી સમાજના સામાન્ય જીવનમાં ફરી સામાન્યજન બની પ્રવેશ કરે તેવા પ્રયત્નો તમારા દ્વારા થવા જોઈએ.



જેણે ગુનો કર્યો છે તેને કાયદાની જોગવાઈ પ્રમાણે જેલમાં લાવવામાં આવ્યો છે. આપણી ફરજ ધર્મ, જ્ઞાતિ અને જાતિથી પર થઈ બંધારણનું રક્ષણ થાય તે પ્રકારે કામ કરવાનું છે. મને વિશ્વાસ છે કે તમે તમને સોંપવામાં આવેલી ફરજોનું નિષ્ઠાપૂર્વક પાલન કરશો. માત્ર તમારો પરિવાર જ નહીં, ગુજરાતના એક એક નાગરિક તમારી કામગીરી માટે ગૌરવ અનુભવીએ છીએ. જેલમાં રહેલા કેદીઓના માનવ અધિકારોનું રક્ષણ થાય તેની જવાબદારી પણ સરકાર અને તમારી છે.


ગુજરાતની જેલોના વડા ડો. કે એલ એન રાવે આ પ્રસંગે સંબોધતા જણાવ્યું હતું કે, આ અનેરો પ્રસંગ એટલા માટે છે કે ગુજરાતના કોઈ જેલ મંત્રી દિક્ષાંત પરેડમાં આવ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. અમે મંત્રી હર્ષ સંઘવીના પ્રયાસનું સ્વાગત એટલા માટે કરીએ છીએ કે તેઓ અમને સતત અમને એક નવી દિશા આપવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. મહામારીના કપરા સમયમાં પણ જેલ તંત્રએ કેદીઓની સલામતી અને સુરક્ષાને લઈને જે કામગીરી કરી છે તેની હું સરાહના કરું છું. જેલમાં આવેલા કેદીઓનું શિક્ષણ અને પુનઃ સ્થાપન થાય તે અંગે અમારા પ્રયત્નો સતત ચાલુ છે.



ગુજરાત જેલ તાલીમ શાળાના આચાર્ય નાસીરુદ્દીન લુહારે કાર્યક્રમના પ્રારંભ અને સમાપન દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતની જેલોની સ્થિતિ સુધારવામાં રાજ્ય સરકાર તરફથી મળેલા સહયોગનો હું આભારી છું. હું તમામ એવા સહયોગોનો આભારી છું જેમણે જેલ સહાયકોને મેદાન અને વર્ગરૂમમાં સક્ષમ બનાવવામાં અમને સહયોગ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે આઈપીએસ અધિકારી રાજેન્દ્ર અસારી, અશ્વીન ચૌહાણ, રોહન આનંદ સહિત સિનિયર પોલીસ અધિકારી વિજય પટેલ, બન્નો જોશી, ડીવાયએસપી ડી વી રાણા, રાકેશ ધરસંડિયા, પી જી નરવડે અને વરુણ વસાવા હાજર રહ્યા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular