નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ મ્યુનિસિપલ કૉપૉરેશન (Rajkot Municipal Corporation) માં આમ આદમી પાર્ટીના બેનર હેઠળ ઉમેદવારી નોંધાવનારા બે લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મ્યુનિસિપલ કૉપૉરેશનના દબાણ ખાતાના સ્ટાફની ફરજમાં રૂકાવટ કરવાનો AAP ઉમેદવારો સામે આરોપ લગાવાયો છે. બોલાચાલીના વીડિયોમાં આપના બેનર હટાવનારા દબાણ ખાતાના અધિકારીને “ભાજપના દલાલ” કહ્યાં છે. બીજી તરફ આપ ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે, દબાણ ખાતાએ ઉતારેલો વીડિયો એડીટ કરીને રજૂ કર્યો છે.
31 માર્ચના રોજ બનેલી ઘટનાને લઈને રાજકોટ મનપાની દબાણશાખામાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Rajkot B Division Police Station) માં ફરિયાદ નોંધાવી છે. આમ આદમી પાર્ટીના વૉર્ડ નંબર 4ના બે ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડીયા સામે સરકારી ફરજમાં રુકાવટનો આરોપ લગાવાયો છે. ફરિયાદ અનુસાર દિગ્વિજયસિંહ ગત 31 માર્ચના રોજ સાંજે 5.30 કલાકની આસપાસ કુવાડવા રોડ ડી માર્ટની પાછળ ઇલેક્ટ્રિક થાંભલા પર આમ આદમી પાર્ટીના બોર્ડ બેનર (Aam Aadmi Party Board Banner) લગાવેલા હતા. જે ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે રાહુલ ભુવા અને હાર્દિક રિબડીયાએ અમારી પાસે આવી બોર્ડ ઉતારવાનું બંધ કરો. આ ઉપરાંત, કોઈએ ફરિયાદ નથી કરી તો તમે બોર્ડ ઉતારવા કેમ આવ્યા છો? કહી વોર્ડ નંબર 4ના ઉમેદવાર હોવાની ઓળખ આપી બોલાચાલી કરી હતી. બોલાચાલી દરમિયાન ગાડીમાંથી બોર્ડ બેનર ઉતારવા લાગ્યા હતા અને ‘ભાજપના દલાલ છો’ કહી બોલાચાલી કરી ફરજમાં રુકાવટ કરી હતી. જેથી તેમની સામે ફરિયાદ નોંધાવી છે. બી ડિવિઝન પોલીસે આપના ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રાબડીયા સામે BNS કલમ 221, 121(1), 3(5) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘર્ષણ મામલે વોર્ડ 4ના AAPના ઉમેદવાર રાહુલ ભુવા (Rahul Bhuva AAP Rajkot) એ કહ્યું કે, મારો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં એવું કહેવામાં આવે છે કે, મેં RMCના અધિકારી સાથે બોલાચાલી કરી. હું ખુલાસો કરવા માગુ છું કે, આ વીડિયો 31 માર્ચનો છે અને ત્યારે જાહેર રજા હતી. એ દિવસે અધિકારીઓ સોસાયટીઓમાં ધારીયા લઈને આવીને આમ આદમી પાર્ટીના બેનરો ઉતાર્યા હતા. સમર્થકોના ઘરમાં લગાવેલા બેનર ઉતારવામાં આવ્યા હતા, જેથી અમને સ્થાનિકોના ફોન આવ્યા હતા અને ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા અને અધિકારી સાથે વાત કરી હતી. અમે પૂછ્યું કે, ઓર્ડર ક્યાં છે? તો એ લોકોએ અમને કોઈ ઓર્ડર કે માહિતી આપી નહીં. 31 તારીખે કોઈ પણ પ્રકારની આચારસંહિતા લાગી ન હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે, બેનર ઉતારવા માટે કોઈપણ પ્રકારનો પરિપત્ર ન હતો. અધિકારી ભાજપના કોઈ નેતા સાથે ફોનમાં વાત કરતા હતા. જેથી સ્પષ્ટ થાય છે કે, આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4માં જીતી રહી છે. આજે પણ રોડ પર ભાજપના બેનરો લાગેલા છે, પરંતુ તેને ઉતારવામાં આવતા નથી. ફક્ત આમ આદમી પાર્ટીના બેનરો તંત્ર ઉતારી રહ્યું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








