નવજીવન ન્યૂઝ. રાજકોટઃ સુરેન્દ્રનગરમાં અમિત બાવળિયા નામના એક યુવાને થોડા દિવસ પહેલા પોતાની પ્રેમિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ મામલામાં તેના પિતા દેવજીભાઈની પુછપરછ માટે પોલીસ તેમને લઈ ગઈ હતી. જોકે તેઓ જીવતા તો ગયા પણ જીવતા પાછા ન આવ્યા, તેમના અવસાનની વાત મળતા પરિવાર રોષે ભરાયો હતો. ખુદ પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ આ ઘટનામાં પરિવારની મુલાકાત માટે દોડી જવું પડ્યું હતું. પરિવારમાં અને સમાજના લોકો નારાજ થયા હતા. તેમના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ ઘટનામાં પોલીસ સામે ધરણા કરવા પરિવાર અને સમાજના 40 જેટલા લોકો બેસી ગયા હતા. તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધરણાં કર્યા હતા. તેમણે માગ કરી હતી કે જ્યાં સુધી પરિવારના સભ્યની હત્યામાં જે કોઈ જવાબદાર પોલીસ છે તેમની સામે એક્શન લેવાય નહીં તો ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવામાં આવશે નહીં. કોળી સમાજના ભૂપત ડાભી નામના અગ્રણીએ આ માગ સાથે એક જ્વલંતશીલ પ્રવાહી પોતાના પર છાંટી જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ જ્યારે આવું કર્યું ત્યારે કુંવરજી બાવળિયા પણ ત્યાં હાજર હતા. જોકે પોલીસે કોઈ અનહોની બને તે પહેલા તેમની પાસેથી પ્રવાહી લઈ લીધું હતું.
ગત 20 મેએ દેવજીભાઈના પુત્ર અમિતે પ્રેમલગ્ન કર્યા હતા, આ મામલે પુછપરછ કરવાનું કહી પોલીસ પિતાને અને તેના મિત્ર કુકાને લઈ ગઈ હતી તેવું અમિતનું કહેવું છે. અમિતે કહ્યું કે બંનેનું પોલીસ અપહરણ કરીને લઈ ગઈ પછી આખો દિવસ મારા પિતાને ટોર્ચર કર્યા, છેલ્લે મારા પિતાના મૃતદેહને મૂળી હોસ્પિટલે મુકી ભાગી ગયા. અમિતના મિત્ર દિપકનું કહેવું છે કે, પોલીસ અમને ચેતનભાઈના કારખાને લઈ ગઈ હતી જ્યાં અમને ખુબ જ ટોર્ચર કરાયા હતા. મને એક બાજુ લઈ ગયા અને દેવજીભાઈને ખુબ ટોર્ચર કર્યા હતા. બાદમાં મેં જોયું તો દેવજીભાઈ મરણ પામ્યા હોવાની ખબર પડી. રાજુભાઈ, રમેશ, દિપક અને કલ્પેશ નામના પોલીસ કર્મચારીઓ હતા.
આ મામલે કુંવરજી બાવળિયા સિવિલ હોસ્પિટલ આવી ગયા હતા અને સાંત્વના પાઠવી હતી તથા પોલીસ સામે ગુનો દાખલ થાય તેવી લોકોની માગણી છે અને કહ્યું કે આ અંગે સ્થાનિક સ્તર પર રજૂઆત કરી છે. ગૃહખાતાને પણ રજૂઆત કરવાની તૈયારી છે. સમાજ ઓછો શિક્ષિત હોવાને કારણે બહુ સહન કરવાનું થાય છે, પણ આ વખતે પોલીસ દ્વારા સમાજને અન્યાય કરાયો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











