કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ):‘વિખ્યાત હોસ્પિટલ ‘એઇમ્સ’[ઑલ ઇન્ડિયા ઇન્સિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ]ની જવાબદારી ભારેખમ હતી. આ હોસ્પિટલ આઝાદી બાદ નવા ભારતના એક સ્તંભ સમાન હતી, જ્યાં આદર્શવાદની ભાવના અને વૈજ્ઞાનિક પ્રયાસથી નીંવ મૂકવામાં આવી હતી. નેહરુનું સપનું હતું કે દક્ષિણ એશિયામાં મેડિકલ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આવાં ઉત્કૃષ્ટ કેન્દ્ર ગતિ લાવે. આધુનિક ભારતનું તેમનું આ જાણીતું ‘મંદિર’ હતું. અમે ડૉક્ટરોએ આ હોસ્પિટલ વિશે સાંભળ્યું હતું, ત્યારથી અમારાંમાં ગજબનાક ઉત્સાહ હતો. હું ઇંગ્લૅંડમાં અભ્યાસ કરતી હતી ત્યારે મેં આ વિશે સાંભળ્યું હતું. પછીનાં વર્ષોમાં ‘એઇમ્સ’ દ્વારા સંશોધન અને સારવારમાં નવા માપદંડ સ્થપાયા અને તે મારી ફરજમાં આવતું હતું કે તે માપદંડને હું ટકાવી રાખું. મને એકેડેમિક મેડિસિનમાં આવતી હકીકતોનો ખ્યાલ હતો. ફેકલ્ટી તરીકે ક્લિનિકલ પ્રેક્ટિસ, મેડિકલ શિક્ષણ અને સંશોધનમાં સીધી રીતે તેમાં હું સમાવિષ્ટ હતી. અન્ય ક્ષેત્રોમાં આ રીતે કામ કરવાનું ભાગ્યે જ જોવા મળે છે. એકેડેમિક મેડિસન ક્ષેત્રમાં આ રીતે ત્રણેય કાર્યોનો એકબીજા પર આધાર તેની શ્રેષ્ઠત્તમ ગુણવત્તા દર્શાવતું હતું. પરિણામે, સંસદના નિર્ધારીત આદેશ મુજબ ‘એઇમ્સ’ના તંત્રને ચલાવવું જટિલ બાબત હતી. અને તેમાં અંખડિતતા, સત્યતા, કરૂણા અને ઉત્તરદાયિત્વ આવશ્યક માનવામાં આવતી હતી.’

‘એઇમ્સ’ નિવૃત્ત ડિરેક્ટર અને પ્રોફેસર સ્નેહ ભાર્ગવનો આ અનુભવ છે; જે તેમણે હાલમાં આવેલા પુસ્તક ‘ધ વુમન વુ રન એઇમ્સ’માં નોંધ્યા છે. રેડિયોલોજિસ્ટ તરીકે મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી શરૂ કરનારાં સ્નેહ ભાર્ગવ ‘એઇમ્સ’ સહિત દેશની મહત્ત્વની ગણાય તેવી સાયન્ટિફિક સોસાયટીઝમાંથી એક ‘નેશનલ ઍકેડમી ઑફ સાયન્સ’ના વડાં રહી ચૂક્યાં છે. દેશની મેડિકલ ક્ષેત્રમાં નિરીક્ષણ રાખતી સંસ્થા ‘મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા’માં નૈતિક આધાર રાખતી કેટલીક બાબતોની તપાસો તેમના દ્વારા થઈ છે. આ અતિ મહત્ત્વના ક્ષેત્રમાં તેમનું કામ પાયાનું રહ્યું છે અને તે વિશેનાં અનુભવ તેમણે વિગતે તેમનાં સંસ્મરણોમાં લખ્યાં છે. 1991માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

સ્નેહ ભાર્ગવે રેડિયોલોજિસ્ટનું ક્ષેત્ર પસંદ કર્યું હતું અને આજના સંદર્ભે તેઓ લખે છે કે મોર્ડન મેડિસિન આજે એક્સ-રે સિવાય કલ્પી ન શકાય. તદ્ઉપરાંત પણ મેગ્નેટિક રિસોનેન્સ ઇમેજિંગ[એમઆરઆઈ], સ્કેન, અલ્ટ્રાસાઉન્ડ, મેમ્મોગ્રામ્સ, કોમ્પ્યૂટેડ ટોમોગ્રાફી સ્કેન, એન્જિયોગ્રાફી અને પોસિટ્રોન એમિશન ટોમોગ્રાફી[પીઈટી] જેવી પણ સુવિધા હવે ઉપલબ્ધ થઈ છે. વિશેષ કરીને આ શાખામાં આગોતરા નિદાન માટે દરદી આવે છે. મેડિકલમાં હવે ‘એઆઈ’નો પ્રવેશ થઈ ચૂક્યો છે ત્યારે સ્નેહ ભાર્ગવ એક્સ-રે નહોતાં આવ્યાં તે વખતની વાત કરતાં લખે છે કે, ‘1895 સુધી એક્સ-રેની શોધ નહોતી થઈ, ત્યાં સુધી ડૉક્ટરને દરદીના શરીરની અંદર શું થઈ રહ્યું છે તેની કોઈ જ માહિતી મળી શકતી નહોતી. તે સમયથી રેડિયોલોજિસ્ટની ભૂમિકા મેડિકલ ઇમેજિંગ રિપોર્ટિંગ કરવાથી માંડીને કૌશલ્ય આધારીત પ્રક્રિયા પર આવી ચૂકી છે; અને હવે નિદાન – સારવાર સુધી પહોંચી છે. હવે રેડિયોલોજિસ્ટ મોર્ડન મલ્ટિડિસપ્લિનરી ટીમ મિટિંગમાં મહત્ત્વનો હિસ્સો થઈ ચૂક્યા છે. રેડિયોલોજિસ્ટ હવે ફિજિશિયન અન ડૉક્ટરો સાથે દરદીનો કેવી રીતે ઇલાજ થવો જોઈએ – તેની ચર્ચામાં સામેલ હોય છે.’
સ્નેહ ભાર્ગના ડૉક્ટર તરીકેના અનુભવ ‘ધ વુમન વુ રન એઇમ્સ’ 280 પાનાંમાં લખ્યાં છે. આ પુસ્તકમાં એક પ્રકરણનો હિસ્સો વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને જ્યારે તેમનાં જ પર્સનલ સિક્યૂરિટી ગાર્ડે ગોળીઓ મારી અને તેમને ઇજાગ્રસ્ત સ્થિતિમાં ‘એઇમ્સ’માં લઈ આવ્યાં ત્યારનો છે. આ વિશે સ્નેહ ભાર્ગવ લખે છે : ‘સવારે નવ વાગ્યાના સુમારે, હું રેડિલોજિ વિભાગમાં આવેલી મારાં ઑફિસમાં કોઈ કેસને લગતી ચર્ચા કરી રહી હતી કે – ડિરેક્ટર તરીકે મારી અનુમાનિત નિમણૂંક બાદ મારી રોજબરોજનું કાર્યભાર શું હશે. આ બેઠકમાં ડિરેક્ટર તરીકે હું નિર્ધારીત થઈ ચૂકી હતી. એવામાં એક રેડિયોગ્રાફર ધડાકા સાથે દરવાજે આવ્યો, તેનો સફેદ કૉટ હવામાં ઊડી રહ્યો હતો. તેણે ચીસ નાંખી : ‘મેડમ જલદીથી આવો. વડાં પ્રધાનને ઇજાગ્રસ્ત છે.’ ઝડપથી. મેં જોયું તે વખતે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એ. એન. સફાયા પણ દોડીને આવી રહ્યાં હતાં. હોસ્પિટલના પ્રોટોકોલ મુજબ, એ શક્ય જ નહોતું કે વડાં પ્રધાન આગોતરી જાણ વિના હોસ્પિટલમાં આવે. મારાં ભવાં ચઢી ગયાં અને મને એવું લાગ્યું કે કોઈ ભયાવહ ઘટના બની છે. રેડિયોગ્રાફરના ચહેરા પરનો ભય દેખાઈ રહ્યો હતો. હું ઝડપથી કેજ્યુઅલ્ટી વિભાગ તરફ ગઈ. મારાં ઑફિસથી તે અંતર ખૂબ ઓછું હતું.’
દરવાજેથી જ્યારે હું પ્રવેશી ત્યારે મેં જોરથી રડવાનો અવાજ સાંભળ્યો. ઇન્દિરા ગાંધીનાં પર્સનલ સેક્રેટરી આર. કે. ધવન અને તેમનાં રાજકીય માર્ગદર્શક મખનલાલ ફોતેદાર રડી રહ્યા હતા. હું તેમને જોઈને આગળ સ્ટાફ તરફ ગઈ. મેં તેમને જોયાં. તે ક્ષણે હું અસમંજસમાં હતી. મને ખબર નહોતી કે કેજ્યુઅલ્ટી વોર્ડમાં અન્ય કેટલાં બીજા દરદીઓ હશે. ઇન્દિરા ગાંધીનાં પુત્રવધુ સોનિયા ગાંધી પણ ત્યાં હતાં. તેઓ માત્ર મને એટલું કહી શક્યા : ‘શી હેસ બિન શોટ’. અને તેઓ રડી પડ્યાં. હોસ્પિટલના ડૉક્ટરો ત્યાં આઘાતમાં ઊભા હતા. મેં ઇન્દિરા ગાંધીના વાળમાં ઓળખસમી સફેદ રેખા અને અણીદાર નાક જોયું. કેસરી રંગની સાડીમાં ઇન્દિરા ગાંધી લોહીથી લથબથ હતાં. ધવન અને ફોતેદાર ખસીને બહારની તરફ ગયા. એકાદ ક્ષણમાં સિનિયર સર્જન ડૉ. પી. વેણુગોપાલ અને ડૉ. એમ. એમ. કપૂર તપાસ કરવા આવ્યા. નક્કી થયા બાદ ઇન્દિરા ગાંધીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યાં. મેં પૂછ્યું : ‘આપણે શું કરી શકીએ?’ તેમની પલ્સ ચાલતી નહોતી. ડૉ. વેણુગોપાલે સૂચન કર્યું કે ઇન્દિરા ગાંધીને હૃદય અને ફેફ્સાનાં મશીનના આધારે મૂકીએ અને જોઈએ કે તેમનાં શરીરમાં જીવ આવે છે કે નહીં.’ તે પછી સ્નેહ ભાર્ગવ તે દિવસ દરમિયાનની ઝીણી ઝીણી બધી વિગતો નોંધી છે અને તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી બી. શંકારાનંદ કેજ્યુઅલ્ટી વિભાગમાં આવી પહોંચે છે. સ્વાસ્થ્ય મંત્રી તરફથી સ્નેહ અને તેમનાં સાથીદાર ડો. એ. એન. સફાયાને સૂચન થયું કે તમે ઇમરજન્સીનો ચાર્જ સંભાળી લો.
સ્નેહ ભાર્ગવે તે દિવસે ‘એઇમ્સ’ ખાતે જોયું કે પ્રવેશદ્વારા પર મોટી સંખ્યામાં લોકો ઇન્દિરા ગાંધીની ઝલક મેળવવાં પહોંચી ચૂક્યાં હતાં અને પ્રવેશ દ્વારા વળોટીને પહેલો જે કોઈ શીખ દેખાય તેમને મારવા તેઓ તત્પર હતા. હોસ્પિટલની બહાર રમખાણો શરૂ થઈ ચૂક્યા હતા. ઇન્દિરા ગાંધીને તેમનાં જ બે પર્સનલ સિક્યૂરિટી ગાર્ડે ગોળી મારી હતી તે વાત સર્વત્ર પ્રસરી ચૂકી હતી. આ અરાજકતામાં હોસ્પિટલની વ્યવસ્થા સંભાળવાની હતી, જ્યાં દેશના અનેક નેતાઓથી માંડિને કૉંગ્રેસ પક્ષના નેતાઓ પણ આવવાના હતા. હોસ્પિટલમાં તે દિવસે જેઓ સાતમા અને આઠમા માળે હતા તેમને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યાં. ડૉ. સફાયા દિલ્હીમાં આવેલી તમામ હોસ્પિટલમાંથી લોહી એકઠું કરી રહ્યાં હતાં. ઇન્દિરા ગાંધીનું બ્લૂડ ગ્રૂપ ‘બી નેગટિવ’ હતું- જે જૂજ લોકો જ ધરાવે છે અને તેથી તે લોહીની ‘એઇમ્સ’માં અછત હતી. જોકે તેમનાં શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું. તેમને 33 ગોળીઓ વાગી હતી. કેટલીક ગોળીઓ તેમનાં શરીરમાંથી પસાર થઈ ચૂકી હતી, જ્યારે કેટલીક હજુ પણ તેમનાં શરીરમાં હતી. આ ઓપરેશન થિયેટરમાં હૃદય-ફેફ્સાંનું મશીન જે યુવાન ઓપરેટ કરી રહ્યો હતો તે શીખ હતો. તે યુવાનને જ્યારે ડોક્ટર તરફથી જાણવા મળ્યું કે ઇન્દિરા ગાંધીને મારનારા શીખ હતા, તો તે પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી છૂટ્યો.
સ્નેહ ભાર્ગવે જે અન્ય એક બાબત નોંધી છે કે જ્યારે ઇન્દિરા ગાંધીના બે પર્સનલ સિક્યૂરિટી ગાર્ડ તેમના પર ગોળીઓ વરસાવી ત્યારે ઇન્દિરા ગાંધી સાથે તેમનાં પર્સનલ સેક્રટરી આર. કે. ધવન, કૉન્સ્ટેબલ નારાયણસિંઘ અને પર્સનલ સિક્યૂરિટી ઑફિસર રામેશ્વર દયાલ હતા. વડાં પ્રધાનના નિવાસસ્થાને તમામ સગવડ સાથેની એક એમ્બ્યુલન્સ રહેતી, પરંતુ જ્યારે ગોળીઓ વાગી ત્યારે ત્યાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર નહોતો. કહેવાય છે કે તે ચા પીવા બહાર ગયો હતો. ધવને ઇન્દિરા ગાંધીને પોતાના એમ્બેસેડરમાં લઈને એઇમ્સ સુધી પહોંચ્યા હતા. આ ઉપરાંત પણ સ્નેહ ભાર્ગવે તે દિવસની અને દેશની પ્રિમિયમ હોસ્પિટલની અનેક બાબતો એવી નોંધી છે, જે દેશના મેડિકલ ઇતિહાસ સમજવા ખૂપ ઉપયોગી થાય એમ છે. સ્નેહ ભાર્ગવનાં પુસ્તકની અહીંયા આપેલી વિગતો તેમનાં જીવનની માત્ર થોડીક ઝલક છે, જેમણે આ વિગતે સમજવું હોય તેમણે ‘ધ વુમન વુ રન એઇમ્સ’ પુસ્તક વાંચવું જોઈએ.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796