નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ આજે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની વપરાશમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને નાના ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈક્સના વેચાણમાં ઉછાળો આવ્યો છે. પણ શું તમે જાણો છો કે આવા વાહન માટે પણ વાહન નોંધણી અને ડ્રાઈવિંગ લાઈસન્સ જરૂરી છે?
હવે તાજેતરમાં મોટર વાહન કાયદાની સ્પષ્ટ વ્યવસ્થા મુજબ- જો તમારું ઇલેક્ટ્રિક વાહન (EV) પેડલ વગર ચાલે છે, તો એ માટે તમારે ડ્રાઈવિંગ લાઈસન્સ તથા વાહન નોંધણી બંને લેવી ફરજિયાત છે. ભારતમાં આરટીઓ સાથે મોટર વાહનોનું રજિસ્ટ્રેશન એક માત્ર ઔપચારિક્તા જ નથી, આ માર્ગ સુરક્ષા બનાવી રાખવા, કાયદાઓને લાગુ કરવા અને કર સંગ્રહને સુવ્યવસ્થિત કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવે છે.
તમે સાંભળ્યું હશે કે ઇલેક્ટ્રિક વાહનો માટે લાયસન્સ કે રજિસ્ટ્રેશનની જરૂર નથી પણ આ વાત માત્ર એવા વાહનો માટે જ લાગુ પડે છે જેઓની મહત્તમ ઝડપ 25 કિમી પ્રતિ કલાક છે અને મોટર પાવર 250 વોટથી વધુ નથી.
પરંતુ જો કોઇ પણ ઇલેક્ટ્રિક વાહન પેડલ વગર છે, તો ભલે તે 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતું હોય કે 250 વોટ પાવર ધરાવતું હોય – તે મોટર વાહન તરીકે ગણાશે અને મોટર વાહન અધિનિયમ હેઠળ તેનું રજીસ્ટ્રેશન અને ડ્રાઈવિંગ લાઈસન્સ ફરજિયાત થશે.
ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ મુજબ, આવી સ્પષ્ટતા હાઇકોર્ટના ચુકાદાઓ અને કેન્દ્ર સરકારના નિયમો પરથી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે મોટાભાગના લોકો આ નિયમોથી અજાણ છે અને એવું માને છે કે પેડલ વગર પણ લાઈસન્સ વગર વાહન ચલાવી શકાય છે.
અંતે એવી સ્પષ્ટતા જરૂરી બની છે કે જો તમારું ઇલેક્ટ્રિક વાહન પેડલ વગરનું છે, તો તેનો ઉપયોગ કરતા પહેલા તમારે ટ્રાફિક નિયમોનું પાલન કરી વાહન નોંધણી અને લાઈસન્સ લેવું જરૂરી છે – નહીંતર તમે કાયદાનો ભંગ કરી રહ્યા છો. ઉલ્લેખનીય છે કે હાલમાં કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે ટકાઉ પરિવહનના વિકલ્પોને વધારવા માટે ઇલેક્ટ્રિક મોબિલિટીને આવકારવામાં આવી છે. નિયામકોએ કેટલાક પ્રકારના ઇલેક્ટ્રિક વાહનોને સમાયોજિત કરવા માટે ફેરફારો કર્યા છે, જેને ઓછા જોખમી અને પર્યાવરણ માટે વધુ અનુકૂળ ગણવામાં આવે છે.
મોટર વાહન કાયદા હેઠળ પેડલ વગરના ઇલેક્ટ્રિક વાહનો અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે. એવા ઇલેક્ટ્રિક વાહનો કે જે પેડલ વગર ચાલે છે, તેમની મહત્તમ ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક હોય અને મોટર પાવર 250 વોટથી ઓછી હોય — એવા વાહનોને લોકો સામાન્ય રીતે નોન-મોટર વ્હીકલ માને છે. પરંતુ તે હકીકતમાં મોટર વાહન કાયદાની વ્યાખ્યા હેઠળ “મોટર વાહન” તરીકે આવરી લેવાય છે.
એવા ઇલેક્ટ્રિક વાહન કે જેમાં પેડલ નથી, તેનો ઉપયોગ કરતી વખતે વાહન ચલાવતા વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવો જરૂરી છે અને આવા વાહનો માટે રજીસ્ટ્રેશન પણ ફરજિયાત છે.
આ બાબત પર કાયદાની સ્પષ્ટતા આપતાં જણાવાયું છે કે ભલે આ પ્રકારના ઇલેક્ટ્રિક વાહન મહત્તમ 25 કિ.મી/કલાક ઝડપ ધરાવતાં હોય અને 250 વોટ પાવર ધરાવતાં હોય, જો તેમાં પેડલની સુવિધા નથી તો તે મોટર વાહન ગણાય છે. અને એવા તમામ વાહનો માટે ભારત સરકારના મોટર વાહન કાયદા મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ તથા વાહન નોંધણી ફરજિયાત હોય છે.
લાઇવલૉ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મોટર વાહન કાયદાની જોગવાઈ મુજબ, આ નિયમ તમામ પેડલ વગરના ઇલેક્ટ્રિક વાહનો પર લાગુ પડે છે. જેથી આવા વાહન માટે લાઇસન્સ વગર કે રજીસ્ટ્રેશન વિના વાહન ચલાવવાનું કાયદેસર નથી. (અહેવાલ- લાઈવ લૉ)








