નવજીવન ન્યૂઝ. દમણ: દમણમાં બીચ પર એક મોટી દુર્ઘટના સામે આવી છે. પેરાસેલિંગ દરમિયાન અચાનક પેરાશૂટ હવામાં ફંગોળાતા ત્રણ સહેલાણીઓ જમીન પર પટકાયા હતા. આ ઘટના બનતા બીચ પર બૂમાબૂમ થઈ ગઈ હતી. સમગ્ર બનાવનો વિડીયો એક પ્રવાસીના મોબાઈલમાં કેદ થયો છે. હાલ આ ત્રણે સહેલાણીઓને ઇજા પંહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, આ ઘટના દમણના જમપોર બીચ ઉપર સર્જાઈ હતી. દિલ્હીના કેટલાક સહેલાણીઓ બીચ પર કરાવવામાં આવતી પેરાસેલિંગ માટે તૈયાર થયા હતા. પેરાસેલિંગ કરાવતી સ્પોર્ટ્સ એડ્વેંચર એજન્સી દ્વારા ત્રણ સહેલાણીઓને એક જ સાથે પેરાસેલિંગ કરવા માટે એક સાથે જોડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ત્રણે પેરાસેલિંગ સાથે હવામાં ઊડ્યાં હતા. જો કે થોડી જ વારમાં અચાનક પેરાસેલિંગનું દોરડું તૂટી ગયું હતું. દોરડું તૂટતાં જ પેરશૂટ ઊંધું થઈને જમીન પર પટકાયું હતું. ત્રણે સહેલાણીઓ જમીન પર પટકાતા બીચ પર દોડધામ મચી ગઈ હતી. હાલ ત્રણેને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે.
ઉનાળુ વેકેશન ચાલતું હોવાથી દીવ-દમણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓ માટે બીચ ઉપર અલગ-અલગ વોટર એક્ટિવિટી કરાવવામાં આવતી હોય છે. જેમાં સ્પીડ બોટ થી લઈને પેરાગ્લાઇડિંગની એક્ટિવિટી પણ કરાવવામાં આવતી હોય છે. જેનો તોતિંગ ચાર્જ વસૂલવામાં આવતો હોય છે. આટલો ચાર્જ વસૂલા બાદ પણ પ્રવાસીઓને સેફ્ટી નથી મળતી તેનું આ તાજું ઉદાહરણ છે. જો તંત્ર આ બાબતે કોઈ ગંભીરતા નહીં દાખવે તો મોટી દુર્ઘના બને તેવી શક્યતા રહેલી છે.
ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બરમાં દીવના નાગવા બીચ પર પેરાસેલિંગ કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. એક દંપત્તિ બોટ સાથે બાંધેલા દોરડાની મદદથી પેરાશૂટમાં ઊડી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ દોરડું તૂટી જતાં પ્રવાસીઓ નીચે પટકાયા હતા. જોકે આ દંપતિ પાણીમાં પટકાયા હોવાથી જાનહાનિ થઈ નહોતી પણ થોડી ક્ષણો માટે જીવ તાળવે ચોંટી ગયા હતા.
એ…એ…ગયા… દમણમાં પેરસેલિંગ દરમિયાન પેરાશૂટ ઉંઘું ફંગોળાતા ત્રણ લોકોના જીવ તાળવે ચોંટયા #DAMAN #jamporebeach #parasailling pic.twitter.com/4ZufRw2Rv7
— Navajivan News (@NavajivanNews) May 23, 2022
![]() |
![]() |
![]() |











