નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાડનાર કૌભાંડીઓનો વરઘોડો કાઢશો કે નહીં?, કરોડોના ભ્રષ્ટાચાર કરનાર મંત્રીના ત્યાં ED, IT, GSTની રેડ ક્યારે? મુખ્યમંત્રી પોતાના મંત્રી મંડળમાં ઓપરેશન ગંગાજળ ક્યારે કરશે? વગેરે સવાલો સાથે કોંગ્રેસના વિધાનસભાના નેતા અમિત ચાવડા દ્વારા ભાજપ સરકારને તીખા શબ્દોથી આડેહાથ લેવાઈ હતી. તેમણે આ સાથે એવું પણ કહ્યું કે, દાહોદમાં મનરેગા – નલ સે જલમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી છે, 22 મે ના રોજ દાહોદમાં (Dahod) ફરિયાદો સાંભળવા જઈશું. ઉપરાંત તેમણે મનરેગાના 100 કરોડથી વધુના કૌભાંડ (MGNREGA Scam) મામલે, તટસ્થ તપાસ માટે બચુભાઈ ખાબડને તાત્કાલિક મંત્રી પદેથી દુર કરવાની માગ કરી છે.
આજરોજ વિધાનસભા ખાતે પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર-કૌભાંડ ચાલતું હોવા બાબતની સરકારને અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. ધાનપુર-દેવગઢ બારિયામાં અનેક ગામોમાં સ્થળ ઉપર કોઈપણ કામ કર્યા સિવાય બારોબાર લાખો રૂપિયાના એક એક ગામમાંથી બીલ બારોબાર ચૂકવાઈ ગયા હોવા બાબતના પુરાવા, સ્થાનિક લોકોની એફિડેવિટ સહિતની વિગતો સાથે અમારા દ્વારા સરકારને લેખિતમાં તપાસ માટે માંગણી કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ સમગ્ર હકીકતો, પુરાવા અને મંત્રી બચુભાઈ ખાબડના પરિવારની સંડોવણીની તપાસ માટે માંગણી અનેક વખત કરવા છતાં સરકાર દ્વારા ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ ધારાસભ્ય, પૂર્વ સંસદ સભ્ય સહિતના આગેવાનોએ સ્થળ તપાસ કરીને પણ વ્યાપક ભ્રષ્ટાચારના પ્રત્યક્ષ પુરાવા-હકીકતો મેળવી હતી.
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કે, ગત વિધાનસભાના સત્રમાં પણ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા સતત દાહોદના મનરેગા કૌભાંડની તપાસ અને મંત્રીના પરિવારની સંડોવણીનો મુદ્દો ઉઠાવતા સરકાર ઉપર દબાણ ઊભું થયું હતું. સરકાર દ્વારા જિલ્લા સ્તરે તપાસની કાર્યવાહી કરતા દેવગઢ બારિયા-ધાનપુર તાલુકાના થોડા જ ગામોની તપાસમાં 71 કરોડ કરતા વધુ રકમના ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધવામાં આવી છે અને મંત્રી પુત્રો સહિતનાની ધરપકડ પણ કરવામાં આવી છે.
અમિત ચાવડાએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં ધાનપુર-દેવગઢ બારિયા તાલુકાની સાથે સાથે સંજેલી-ફતેપુરા-ઝાલોદ સહીત સમગ્ર જિલ્લામાં મનરેગા-નલ સે જલમાં ખુબ જ મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે. અને ઘણા વર્ષોથી ચાલી રહ્યું હોવાની વ્યાપક રજૂઆતો અને પુરાવા સાથેની ફરિયાદો મળી છે. તે અનુસંધાને ૨૨મી મે ના રોજ દાહોદ ખાતે રજૂઆતકર્તાઓને રૂબરૂ સાંભળવા અને વધુ હકીકતો જાણવા દાહોદ જઈશું.
તટસ્થ અને ન્યાયી તપાસ માટે કોંગ્રેસે સરકાર પાસે આ માંગણીઓ કરી છે
ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તે માટે રાજ્ય સરકાર રાજ્ય સ્તરના પ્રમાણિક-નિષ્ઠાવાન અધિકારીઓની SIT બનાવી સમગ્ર જિલ્લામાં કૌભાંડની તપાસ કરાવે.
તટસ્થ તપાસ થાય તે માટે મંત્રી બચુભાઈ ખાબડને તાત્કાલિક મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવે.
સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓ-અધિકારીઓને ત્યાં GST-ED-IT અને ACB મારફતે તપાસ કરાવવામાં આવે.
સમગ્ર જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં થયેલ મનરેગાના કામોની તપાસ કરાવવામાં આવે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








