પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાત ભાજપના બે મંત્રીઓના ખાતા ફેર પછી રાજકારણમાં ગરમાવો ભલે આવ્યો હોય પરંતુ મામલો તેના કરતાં વધુ ગંભીર છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના ધ્યાનમાં ગુજરાત સરકારના મંત્રીઓમાં ચાલી રહેલી ગરબડની ગંભીર બાબતો એ હદે આવી કે તેમણે સેન્ટ્રલ એજન્સીઓને આ મામલે કામે લગાડી દીધી છે. બે કેબિનેટ મિનિસ્ટર્સની ખાતા બદલી પછી ગુજરાત આવેલી સીબીઆઈની ટીમે એક મંત્રીના પીએની અટકાયત કરી હોવાની જાણકારી મળી રહી છે.
હિન્દુત્વનો ચહેરો ધરાવતા ભાજપના નેતાઓ પાછલે બારણે મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ અગ્રણીઓ સાથે સમાધાન કરી રહ્યા છે તેની જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળતા તેમણે ગુપ્તચર વિભાગને એલર્ટ મોડ પર મુક્યા હતા. ગુજરાતમાં ભાજપની પક્કડ હોવા છતાં ગુજરાત ભાજપના નેતાઓ અને મંત્રીઓ પાછલે બારણે હિન્દુત્વ સાથે સમાધાન કરી રહ્યા છે. તેવી જાણકારી મળતા અને પુરાવાઓને ધ્યાનમાં લઈ બે મંત્રીઓના ખાતા બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો.
જેના પગલે ગુજરાત આવેલી સીબીઆઈએ એક પ્રેમલ નામની વ્યક્તિની અટકાયત કરી છે. જેની પાસેથી બહુ મહત્વના પુરાવાઓ અને જાણકારીઓ મળી છે. જેમાં ભાજપના મંત્રીઓએ કરેલા સમાધાનોનો ચિઠ્ઠો છે. જોવાનું રહ્યું કે કેન્દ્રીય નેતાગીરી કોનો ચિઠ્ઠો ખોલી કોનો હિસાબ કરે છે. સીબીઆઈના ધ્યાનમાં જે ગેરરીતિ આવી છે તેમાં 125 કરોડનો મામલો છે અને ગુજરાતના ટોચના નેતાઓ તેના ભાગીદાર છે. આ મામલે બહુ જલ્દી જ ગુજરાત ભાજપના સંગઠનમાં પણ ફેરફાર થાય તેવા એંધાણ મળી રહ્યા છે.