કોરોના ક્યાંથી અને કેવી રીતે દુનિયામાં પ્રસર્યો તેની ચર્ચા હાલ અસ્થાને છે. પણ વિજ્ઞાનીઓ માટે આ પ્રશ્ન અગત્યનો છે અને તેના મૂળીયા શોધવા માટે છેલ્લા વર્ષથી તેઓ મથી રહ્યાં છે. આ અંગે જુદા જુદા તારણો સામે આવ્યા છે. આ તપાસ પરથી અંદાજ લગાવી શકાય કે આજે દુનિયામાં હાહાકાર મચાવનારો કોરોના ખરેખર આવ્યો છે ક્યાંથી? આ વિશે ‘ધ વાયર’ના સાયન્સ પોર્ટલ પર બ્રિટિશ પત્રકાર નિકોલેસ વેડ વિગતે આ વિશે લખ્યું છે. નિકોલસ‘નેચર’ અને ‘સાયન્સ’ જેવાં પ્રતિષ્ઠિત મેગેઝિનનાં લેખક છે. વિજ્ઞાનની મજબૂત પૃષ્ઠભૂમિ અને વિજ્ઞાનીઓ સાથેના સંપર્કથી તેઓ કોરોનાના મૂળીયા વિશે ઊંડાણપૂર્વક તપાસ કરી શક્યા છે. આ તપાસમાં તેના તથ્યો તેઓએસપાટી પર લાવી આપ્યા છે.
કોરોનાની પૂર્વભૂમિકા બાંધતા નિકોલસ લખે છે : ડિસેમ્બર, 2019માં જ્યારે મહામારી પ્રસરી ત્યારે ચીનના વુહાન શહેરમાં માંસ માર્કેટની આસપાસ કોરોનાના કેસીસ જોવા મળ્યા. વુહાનમાંકોરોના પ્રસર્યો ત્યારે નિષ્ણાતોને 2002માં પ્રસરેલાં ‘સાર્સ-1’ની જેવીબીમારી લાગી. ‘સાર્સ-1’ બિલાડાની એક જાતિમાંથી માણસોમાં પ્રસર્યો હતો. એ જ રીતે 2012માં ‘માર્સ’ની મહામારી પણ આવી હતી.‘માર્સ’ પ્રસર્યો તેમાં હોસ્ટિંગ પ્રાણી તરીકે ઊંટને ગણવામાં આવ્યા હતા.‘સાર્સ’ અને ‘માર્સ’ મૂળે કોરોના વાઇરસના જ ભાગ છે. અગાઉના અનુભવથી તત્કાલ એવું તારણ કાઢવામાં આવ્યું કે ‘સાર્સ’ અને ‘માર્સ’ની જેમ કોરોના પણ કુદરતી રીતે પ્રાણીઓ દ્વારા માણસોમાં પ્રવેશ્યો છે. જોકે ચીનના સંશોધકો મુજબ કોરોનાના પહેલાંવહેલાં કેસોનો માંસ માર્કેટ સાથે કોઈ સંબંધ નથી.
Advertisement
માંસ માર્કેટમાંથી કોરોના નથી આવ્યો તો પછી તેનું જન્મસ્થાન ‘વુહાન ઇસ્ટિટ્યૂટ ઑફ વાઇરોલોજી’ હોવું જોઈએ, તેવી શક્યતા તરફ તપાસ આગળ વધી. આ અર્થે વાઇરોલોજીસ્ટોના‘ઇકોહેલ્થ’નામના આંતરરાષ્ટ્રિય જૂથે લેબમાંથી વાઇરસ આવ્યો છે તે થિયરીનો જોરશોરથી વિરોધ કર્યો અને જણાવ્યું કે તેનું જન્મસ્થાન જંગલીપ્રાણીઓ જ છે. વાઇરોલોજીસ્ટની સામે લેખકોનું એક ગ્રૂપ સામે આવ્યું, તેમના તરફથી વાઇરસ લેબમાંથી જ આવ્યો છે તેવી દલીલ મૂકાઈ. તેઓએ એમ પણ કહ્યું કે આ કાવતરું ન હોય તેમ છતાં વાઇરસ આવ્યો છે લેબમાંથી. વિજ્ઞાનના પ્રતિષ્ઠિત મેગેઝિન ‘લેન્સેટ’માં બંને તરફથી આ દલીલોની રજૂઆત થતી રહી. આવા એક અન્ય પત્ર ‘નેચર મેડિસિન’ જર્નલમાં પ્રકાશિત થયો છે. આ પત્રમાં ક્રિસ્ટીઅન એન્ડરસન નામના વાઇરોલોજિસ્ટ નેજા હેઠળ એક જૂથ દ્વારા પણ ઠોસરીતેએવું કહેવામાં આવ્યું કે આ વાઇરસ લેબમાંથી જન્મ્યો નથી; ન તો તે લેબમાંથી અજાણપણે બહાર આવ્યો છે.

વાઇરસ લેબમાંથી નથી જન્મ્યો તેનો તર્ક આપતાં એ પત્રમાં રજૂઆત થઈ છે કે, જે રીતે કોરોનામાંથી વિવિધ વાઇરસ જન્મ્યા છે અને તેનું બંધારણ બન્યું છે; તે પરથી વાઇરસનું નિર્માણ કરવું અશક્ય છે. તેઓ પરફેક્ટ રીતે માણસના શરીરને ભેદે છે. તેની સામે લેખકોના ગ્રૂપની દલીલ હતી કે જ્યારે લેબમાં કોઈ વાઇરસ બનાવે છે ત્યારે તેની કોઈ એક રીત નથી હોતી. તે અનેક રીતે બની શકે છે જે હકિકત વિજ્ઞાનીઓના જૂથેધ્યાનમાં સુદ્ધા ન લીધી.
વિજ્ઞાનીઓના આ જૂથમાં બે ચહેરાઓ વિશેષ કરીને ઊભરી આવ્યા. તેમાં એકનું નામ છે ડો. પીટર દઝાક (Dr.Peter Daszak) છે. ડો. દઝાક અમેરિકા સ્થિત વાઇરોલોજિસ્ટ છે અને તેઓ કોરોના વાઇરસના સંશોધન માટે વુહાનની જ લેબને ભંડોળ આપતા રહ્યા છે. બીજા છેસ્ક્રીપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વાઇરોલોજિસ્ટ ક્રિસ્ટીઅન એન્ડરસન. આ બંને વગદાર છે અને તેમની સામે બોલી શકે તેવા વાઇરોલોજીસ્ટની સંખ્યા જૂજ છે. આમની સામે કોઈ ઠોસ પુરાવા મૂકવાના થાય તો તેમના જ ક્ષેત્રનો નિષ્ણાત મૂકી શકે. પરંતુ તેમ કરવા હાલ કોઈ તૈયાર નથી. કોરોનાનું જે હદે સંશોધન કરીને તેના પુરાવા એકઠા કરવાના છે તેના માટે જોઈતા સંશોધનનું ભંડોળ એન્ડરસન અને ડો. દઝાક જેવાં પાસેથી જ આવી શકે.
Advertisement
આગળ લેખમાં કુદરતી રીતે જ આ વાઇરસ જન્મ્યો છે તે વિશે જે શંકાઓની રજૂઆત છે. આ વિશે લખવામાં આવ્યું છે કે,વાઇરસ કુદરતી રીતે આવ્યો છે તેવું મહદંશે મીડિયા દ્વારા પ્રકાશિત થયું હતું. ફેબ્રુઆરી, 2021માં ‘વર્લ્ડ હેલ્થ ઓર્નેનાઇઝેશન’નું કમિશન ચીનમાં તપાસ અર્થે ગયું ત્યારે કમિશને લેબમાંથી વાઇરસ બહાર ન જઈ શકે તેમ જણાવ્યું. જોકે તે પછી વાઇરસ ખરેખર આવ્યો ક્યાંથી તે વિગત પણ પ્રકાશમાં ન આવી. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝન’નું કમિશન ચીનમાં તપાસ અર્થે ગયું ત્યારે તેના એક સભ્ય ડો. દઝાક હતા, જે અગાઉથી જ એવું માનતા હતા કે લેબમાંથી વાઇરસ આવ્યો નથી!‘સાર્સ’ અને ‘માર્સ’નાઉદાહરણ જોઈએ તો આ બંને મહામારીના કિસ્સામાં તેના મૂળ શોધવામાં ચારથી નવ મહિનાનોજ સમય લાગ્યો; જ્યારે કોરાના કિસ્સામાં હજુ કોઈ ઠોસ નિર્ણય પર પહોંચી શકાયું નથી.
કોરોના વિવિધ વાઇરસ પર થઈ રહેલા સંશોધનને પણ વાઇરસના જન્મનું એક કારણ આપવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે આ પ્રકારના વાઇરસને એકઠા કરી તેના પર સંશોધન કરવું જોખમી છે. અભ્યાસ કરીને તેના જોખમ જે દર્શાવવામાં આવે છે તે અભ્યાસ વિના પણ પારખી શકાય છે. આ કિસ્સામાં વુહાનની લેબોરેટરીમાં જે હદે કોરોના વાઇરસના અલગ અલગ ભાત પર અભ્યાસ થયો ત્યારે તેનું જોખમ મોટું હતું.
આ જોખમ કેટલું મસમોટું હતું તે માટે આ લેખમાં ડિસેમ્બર, 2019નો ડો. દઝાકની જ એક મુલાકાત ટાંકવામાં આવી છે. મહામારી પ્રસરી તેના પહેલાંની આ મુલાકાત છે, તેમાં ડો. દઝાક કહે છે કે, વુહાન લેબના સંશોધકો કોરોના વાઇરસના સ્પાઇક પ્રોટીનના માળખાને એ રીતે ફરી કાર્યરીત કરી રહ્યાં છે કે તેનાથી વાઇરસ માનવ જેવાં બંધારણ ધરાવતાં ઉંદરમાં પ્રવેશી શકે. અને જો આ રીતે સાત વર્ષ સુધી કામ ચાલતું રહ્યું તો ‘સાર્સ’ સંબંધિત 100 જેટલાં નવા કોરોના વાઇરસ શોધી શકાશે. 28 મિનિટની આ મુલાકાતમાં તેઓ આગળ કહે છે કે, આમાંથી કેટલાંક વાઇરસને લેબમાંથી માણસમાં પ્રવેશ આપી શકાય; અને તે એવાં પ્રકારની બીમારી બને કે તેની કોઈ વેક્સિન ન બની શકે. તે અત્યંત જોખમી છે તેવું ખુદ ડો. દઝાક જણાવી રહ્યાં છે.
Advertisement
આગળ મુલાકાત લેનાર પૂછે છે કે આવા વિવિધ વાઇરસ સામે તમે વેક્સિન નથી લાવી શકતા, કોઈ એન્ટિ વાઇરલ તેના પર કામ કરતું નથી, તો પછી શું થઈ શકે? ડો. દઝાક જવાબ વાળે છે : મને લાગે છે કે કોરોના વાઇરસને લેબમાં ખૂબ સરળતાથી ઘાલમેલ કરી શકાય. આ રીતે ડો. દઝાકના નિવેદનને જોઈએ તો એની કલ્પના કરી શકાય કે જ્યારે તેમણે વુહાનમાંથી વાઇરસ જન્મ્યો છે તેના સમાચાર સાંભળ્યા હશે તો શું પ્રતિક્રિયા આપી હશે. આ સત્યને તેઓ સૌથી સારી રીતે જાણતા હતા.જોકે તેમની પાસે ઉપલબ્ધ હતી તે માહિતી સૌને પહોંચાડવાના બદલે તેઓ જોરશોરથી લેબમાંથી વાઇરસ આવ્યો નથી એવું સૌને ઠસાવવામાં રહ્યા.
લેબમાંથી વાઇરસ આ રીતે બહાર આવી જ ન શકે તે પ્રકારની દલીલ ડો. દઝાક અને તેમના સાથીદારોની હતી. જોકે તેઓ લેબમાંથી વાઇરસ જન્મે છે તેના ઇતિહાસથી બેખબર નહીં હોય. એવું અનેકવાર બન્યું છે કે લેબમાંથી વાઇરસ જાણે-અજાણે બહાર આવી ગયો હોય. 1960-70ના દાયકામાં ઇંગ્લંડમાં ત્રણ વાર સ્મોલપોક્સનોવાઇરસ લેબમાંથી લોકોને સંક્રમિત કરી ચૂક્યો છે. ત્યારે સ્મોલપોક્સના 80 કેસ આવ્યા હતા અને ત્રણ મૃત્યુ થયા હતા. ત્યારથી દર વર્ષે મોટા ભાગે કોઈને કોઈ વાઇરસ આ રીતે લેબમાંથી બહાર આવી ચૂક્યા છે. ‘સાર્સ’ વાઇરસ આ બાબતે તો ખૂબ ‘શાણો’ છે. બિજિંગની ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી’માંથી, સિંગાપોર અને તાઇવાનની લેબમાંથી ચારથી વધુ વાર તે બહાર આવ્યાના પ્રમાણ છે.
આ ઉપરાંત પણ નિકોલસે અનેક એવા પુરાવા મૂક્યાં છે જેનાથી એવું સાબિત થાય કે લેબમાંથી કોરોના વાઇરસ જન્મ્યો છે. જેમ કે ફિઝિશિયન રિસર્ચર સ્ટીવન કેએ એ શોધી કાઢ્યું છે કે, વુહાનમાં પહેલાંવહેલાં આવેલાં કોરોના દરદીઓને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, તે હોસ્પિટલ વુહાનની જે સબવે લાઇન પર આવતી હતી તેના એક છેડે વુહાનની વાઇરલોજિસ્ટ લેબ હતી અને બીજા છેડે ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું. વાઇરસ દુનિયાભરમાં પ્રસરે તે માટેનું જાણે આયોજન થયું હોય તેવી એ સ્થિતિ હતી. આ અહેવાલમાં એવી અસંખ્ય વાતો છે જેનાથી એવા પુરાવા મળે કે કોરોના માનવસર્જિત છે.
Advertisement








