હઠીસિંહ ચૌહાણ (નવજીવન ન્યૂઝ. ભાવનગર): ભાનગરના શિહોર ખાતે મળેલી ભાજપની બેઠકમાં તાલુકાનાં મહામંત્રીની ગેરહાજરી જોઈ ભાજપના ભાવનગર જિલ્લા પ્રમુખે આકરા શબ્દોમાં ત્યાં હજાર લોકોને સવાલ પૂછ્યો હતો કે, “ભાજપ મોટો કે કારડીયા રાજપૂત સમાજ?” આ વાતચીતનો ઓડિયો વાયરલ થતાં સમગ્ર કારડીયા રાજપૂત સમાજના લોકો ભારે નારાજ થયા છે. શિહોરના સર્કિટ હાઉસ ખાતે તત્કાળ એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં કારડીયા રાજપૂત સમાજ પોતાની આગામી રણનીતિ નક્કી કરશે.
હવે ઘટના એવી છે કે, રવિવારના રોજ ભાવનગરના શિહોર ખાતે ભાજપના હોદ્દેદારોની એક બેઠક રાખવામા આવી હતી. ભાવનગર જિલ્લાના પાર્ટી પ્રમુખ મુકેશ લંગાળિયાએ બેઠકમાં ગેરહાજર આગેવાનો ક્યાં છે તેવો પ્રશ્ન પૂછાતા બેઠકમાં હજાર લોકોએ જણાવ્યું હતું કે, હાલમાં કારડીયા રાજપૂત સમાજનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં આ કારડીયા રાજપૂત સમાજના આગેવાનો હજાર છે. આ જવાબ સાંભળી મુકેશ લંગાળિયાનો પિત્તો છટક્યો હતો અને તેમણે ઉશ્કેરાટમાં કહ્યું હતું કે, ભાજપ મોટો કે કારડીયા રાજપૂત સમાજ? એટલું જ નહીં લંગાળિયાએ કારડીયા રાજપૂત સમાજના આગેવાન વિજયસિંહને તત્કાળ સસ્પેન્ડ કરવાનો આદેશ પણ આપી દીધો હતો.
વાયરલ ઓડિયો સાંભળો
બેઠકની આ ચર્ચાનો ઓડિયો વાયરલ થતાં સમગ્ર ગુજરાતનાં કારડીયા રાજપૂત સમાજના લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. તેમણે આ મુદ્દે સી. આર. પાટિલ સમક્ષ રજૂઆત કરી તત્કાળ મુકેશ લંગાળિયાને પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવે તેવી માગણી કરી છે, સાથે શિહોર સર્કિટ હાઉસમાં એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં આગામી રણનીતિ નક્કી થશે.

આ મામલે અનેક ભાજપી નેતાઓએ મુકેશ લંગાળિયાનો સંપર્ક કરતાં તેમણે કબૂલ્યું હતું કે, તેમણે આવું નિવેદન બેઠકમાં કર્યું હતું, પરંતુ તેમનો ઓડિયો સિલેક્ટિવ રીતે વાયરલ કરવામાં આવ્યો છે. આખી ઘટનાના આગળ-પાછળના સંદર્ભ ઓડિયોમાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે 2017ની ચૂંટણીમાં કારડીયા રાજપૂત સમાજે જીતુ વાઘાણી સામે મોરચો માંડતા ખુદ અમિત શાહને સમાધાનની ભૂમિકા માટે આવવું પડ્યું હતું. હવે જ્યારે 2022ની ચૂંટણી સામે છે ત્યારે ભાજપ કારડીયા રાજપૂત સમાજને નારાજ કરી શકે તેવી સ્થિતિમાં નથી.
![]() |
![]() |
![]() |