Thursday, March 26, 2026
HomeGujaratBhavnagarભાવનગરમાં જજ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી, ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને વકીલ...

ભાવનગરમાં જજ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી, ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને વકીલ સામે કાર્યવાહી માટે કરી માગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ભાવનગર ડિસ્ટ્રિક્ટ કૉર્ટના પ્રાંગણમાં સોમવારે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં જીત મેળનારા એડવોકેટના સ્વાગત દરમિયાન કૉર્ટ કમ્પાઉન્ડમાં ઢોલ નગારા વગાડવા મુદ્દે જજ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કોર્ટ સંકુલમાં ગરમાવો આવી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાથે જાહેરમાં અણછાજતું વર્તન કરનારા વકીલ અનિરૂદ્ધસિંહ ઝાલા સામે કન્ટેમ્પ કાર્યવાહી હાથ ધરવા ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને Gujarat High Court, બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, બાર કાઉન્સિલ ઑફ ગુજરાત અને ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને પત્ર લખ્યો છે. અત્રે નોંધનીય છે કે, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી.

વકીલ અને જજ વચ્ચે શું થઈ માથાકૂટ ?

- Advertisement -

ગુજરાત બાર એસોસિએશન (Gujarat Bar Association) ના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું સોમવારે ભાવનગર કૉર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના માનમાં ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચતા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કૉર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને વકીલ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલોના દૃશ્યો લોકોએ મોબાઈલ ફોનના કેમેરામાં રેકૉર્ડ કર્યા હતા.

એડવોકેટ અનિરુદ્ધસિંહે આ મામલે શું કહ્યું ?

બનાવ અંગે એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા (Advocate Aniruddhasinh Zala) એ કહ્યું કે, વાતમાં કંઈ નથી. બાર કાઉન્સિલની ચૂંટણીમાં જીત મેળવી મેં હેટ્રિક મારી એટલે વિજય સરઘસ કાઢ્યું હતું. દરમિયાન ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ચાલુ ડાયસ પરથી નીચે ઉતરીને રોડ પર આવી ઢોલ-નગારા બંધ કરો તેમ કહેતા અમારી વાતચીત થઈ હતી. વિશેષ કોઈ બનાવ બન્યો નથી. વચ્ચે કોઈ બોલાચાલી થઈ નથી. આ સામાન્ય વાત છે. હજી મારા ધ્યાનમાં આવ્યું નથી પણ બધા વકીલોએ મને કહ્યું કે, જ્યુડિશિયરી એસોસિએશને હાઇકૉર્ટને પત્ર લખ્યો છે. આમાં કોઈ લાંબી લપમાં પડવા જેવું નથી. જ્યુડિશિયરી ન્યાય મંદિર છે અને અમે વકીલો એના પૂજારી છીએ. એક સિક્કાની બે બાજુ છીએ. વકીલો અને જ્યુડિશિયરી વચ્ચે કોઈ વધારો પડતો વિવાદ ના થાય તેવું ઇચ્છું છું. ઉલ્લેખનીય છે કે જે તે સમયે જજ સાથે થયેલી જીભાજોડી દરમિયાન આ વિવેકી વાતો વકીલ અનિરુદ્ધસિંહ ઝાલાથી કિલોમિટરો દૂર રહી હતી. આજે જ્યારે આ પ્રકારની એક સમજદાર વ્યક્તિ જેવી વાતો તેઓ કરી રહ્યા છે તેના પરથી લોકો તર્ક લગાવી રહ્યા છે કે દસે દિશાઓમાંથી રેલો આવવા લાગ્યો છે.

- Advertisement -

અનિરુદ્ધસિંહ સામે કડક પગલા લેવા માંગ

ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને હાઇકોર્ટ અને બાર કાઉન્સિલ ઑફ ગુજરાતને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જેમાં ભાવનગરમાં બાર કાઉન્સિલ ઑફ ગુજરાતની ચૂંટણીના વિજેતા ઉમેદવાર એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાના વિજય સરઘસ વખતે કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પડતા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે તેમને રોક્યા હતા. જેમાં અનિરુદ્ધસિંહ ઝાલાએ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાથે અણછાજતું વર્તન કર્યું હતું. ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને (Gujarat Judicial Service Association) ગુજરાત હાઇકોર્ટને એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા સામે કન્ટેમ્પ કાર્યવાહી હાથ ધરવા અને બાર કાઉન્સિલને અનિરુદ્ધસિંહ ઝાલા સામે કડક પગલા લેવા માંગ કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular