નવજીવન ન્યૂઝ.ભાવનગરઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. તેઓ આ પ્રવાસ દરમિયાન ભાવનગરના નિલમબાગ પેલેસ ખાતે પહોંચ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિતનાઓએ ત્યાં બપોરનું ભોજન લઈ ત્યાંથી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ આવ્યા હતા. તેમણે અહીં ગુજરાતમાં રોજગારી અને શિક્ષણ મુદ્દે કેટલીક વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હમણાં જ લઠ્ઠાકાંડ દરમિયાન પણ તેઓ ભાવનગર આવ્યા હતા. તે વખતે પણ તેમણે ભાવનગરની તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ લોકોની મુલાકાત લીધી હતી.
તેમણે ભાવનગરમાં એ વાત પણ કરી હતી કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્નથી નવાજવામાં આવે. તેમમે કહ્યું કે અમારી સરકાર બનાવો અને અમે જીઆઈએસએફના જવાનોને 1 મહિનામાં ન્યાય અને હક્ક અપાવીશું. તેમણે કહ્યું કે વર્ષ 2018માં તલાટીની 1800 જગ્યાઓ પર ભરતી સામે 32 લાખ અરજીઓ થઈ પણ પરીક્ષા લેવાઈ નહીં. 2022માં પણ ફોર્મ મગાવ્યા પણ પરીક્ષા લેવાઈ નહીં. જે સરકાર પાંચ વર્ષમાં પરીક્ષા નથી કરાવી શકતી તે સરકાર કેવી રીતે ચલાવશે. અમારી સરકાર ડિસેમ્બરમાં બનશે અને ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા લેવાશે, એપ્રિલમાં પોસ્ટિંગ પણ આપી દેવાશે.
તેમણે ભાર મુકતા કહ્યું કે, લોકો પેપર ફૂટે છે તેનાથી દુઃખી છે. દેશમાં દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા તેટલા ગુજરાતમાં પેપર ફૂટે છે. કેજરીવાલે ભરતી કેલેન્ડર જણાવ્યું હતું. તેમણે ઉપરાંત વધુમાં કહ્યું કે મે મહિનામાં ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાઓ લેવાશે અને ટીઈટી તથા ટીએટીની પણ પરીક્ષા કરી દેવાશે. જુલાઈમાં તો પરિણામો આપી દેવાશે. તે જ મહિને શિક્ષકોને ક્યાં પોસ્ટીંગ જોઈએ છે તે પુછાશે અને ઓગસ્ટમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરાશે, ઓક્ટોબરમાં સીધું પોસ્ટીંગ જ આપી દેવામાં આવશે.
તેમણે કહ્યું કે, સરકાર અમુક લોકોના લાખો-કરોડો રૂપિયાના દેવા માફ કરે છે પણ આર્મી માટે પેન્સનના રૂપિયા નથી તે શરમની વાત છે. આ દરમિયાન મનીષ સિસોદિયાએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને પોતાના પર સીબીઆઈની કાર્યવાહી અંગે કહ્યું હતું. તેમણે કહ્યું કે મારી ગરદન ઈમાનદારની ગરદન છે. સીબીઆઈના સકંજામાં નહીં આવે.
તેમણે આ ઉપરાંત શિક્ષણ અંગે કહ્યું કે થોડા સમય પહેલા હું અહીં આવ્યો ત્યારે મને એક બાઈએ કહ્યું હતું કે, ગુજરાતમાં જેવી હાલત સરકારી શાળાઓની છે તેવી જ હાલત કેટલીક કોલેજની પણ છે, આયુર્વેદની કોલેજની મુલાકાત લઈ લેજો. ગુજરાતમાં નોકરીઓ તો છે જ પણ અહીં નોકરી આપનાર નથી. આવું જ કાંઈક દિલ્હીમાં પણ હતું પણ અમારી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી લોકોને નોકરી મળવા લાગી.








