જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જિલ્લામાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે જિલ્લા પોલીસ સક્રિય બની છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે કાર્યવાહી કરીને દારૂની ખેપ નિષ્ફળ બનાવી છે.
અરવલ્લી એલસીબીએ માલવણ-કેશાપુર ચોકડી નજીક ઇકો કારમાં દારૂની ડિલિવરી આપવા નીકળેલા બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે અને 291 બોટલ તથા બિયર ટીન સાથે 74 હજારથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે.
ગુપ્ત બાતમીના આધારે નાકાબંધી
એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલા અને તેમની ટીમ ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે શામળાજી વિસ્તાર તરફથી ઇકો કારમાં વિદેશી દારૂ ભરીને મોડાસા તરફ ડિલિવરી માટે લાવવામાં આવી રહ્યો છે.
આ માહિતીના આધારે પોલીસ ટીમે માલવણ-કેશાપુર ચોકડી પાસે નાકાબંધી ગોઠવી હતી. બાતમી મુજબની ઇકો કાર આવતા તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
કારના ગુપ્ત ખાનામાંથી દારૂ મળી આવ્યો
કારની તપાસ દરમિયાન ગાડીની સીટ નીચે બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 291 બોટલ અને બિયર ટીન સહિત અંદાજે ₹74,580 કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો.
બે બુટલેગરો ઝડપાયા
પોલીસે આ મામલે સાજન લાલજી પારઘી (રહે. ઓડ ગામ, શામળાજી) અને રાહુલ મણીલાલ ખરાડી (રહે. છાત્રેશ્વરી, મોડાસા)ને ઝડપી લીધા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાનના સલીયાટ ઠેકા પરથી દારૂ લઈને શામળાજી-જીવણપુર-બાકરોલ માર્ગે મોડાસા તરફ આવી રહ્યા હતા.
અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી
આ કેસમાં દારૂ સપ્લાય કરનાર જયદીપસિંહ અને સલીયાટ ઠેકા સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ શરૂ કરી છે.








